ચંદ્રકાન્તા

January, 2012

ચંદ્રકાન્તા (1888) : હિંદી નવલકથાકાર દેવકીનંદન ખત્રીની પ્રથમ લોકપ્રિય નવલકથા. લોકરંજન એ આ નવલકથાનો મુખ્ય ઉદ્દેશ છે. જે જમાનામાં વાચકો વાસ્તવિક જીવનની કટુતા ભૂલવા હળવી વાચનસામગ્રી માગતા હતા તે જમાનામાં આ નવલકથા લખાયેલી. તેથી તેને અપાર લોકપ્રિયતા મળેલી. હિંદી ન જાણનાર વાચકો અને તેમાં પણ ખાસ કરીને ઉર્દૂભાષી લોકો માત્ર ‘ચંદ્રકાન્તા’ વાંચવા માટે હિંદી ભાષા શીખતા હતા.

આ નવલકથામાં મધ્યયુગના રાજ્યકર્તાઓની વીરતા તથા તેમના રાજદરબારોમાં કામ કરતા ચતુર સેવકગણની વિચક્ષણ પ્રવૃત્તિઓનું સુંદર નિરૂપણ છે. આ હજૂરિયાઓ અનેક કળા જાણતા. દા. ત., ચહેરો બદલવો, ગાયન-વાદન, જાસૂસી, શસ્ત્રોની કરામત, ઔષધ વગેરે. એટલું જ નહિ; પરંતુ જ્યારે રાજા-મહારાજા વચ્ચે વૈમનસ્ય પેદા થતું ત્યારે માત્ર પોતાની ચતુરાઈ દ્વારા, કોઈ પણ પ્રકારના રક્તપાત વગર તેઓ રાજાઓ વચ્ચેના ઝઘડાનો અંત લાવી શકતા હતા. આ નવલકથામાં આવા ચતુર માણસોના જીવનનું રસપ્રદ બયાન છે.

રાજ્યના ખજાનાની સુરક્ષિતતા માટે બાંધવામાં આવતી તિલસ્માતી ઇમારત તોડવામાં અને રાજ્યની સંપત્તિ પ્રાપ્ત કરવામાં પણ રાજ્યના ઉત્તરાધિકારી રાજપુત્રને આ ચતુર સેવકોની સહાય મળતી.

નવલકથાનાં પાત્રોનાં નામ તેમનાં સ્વભાવદર્શન તથા તેમના ગુણ-અવગુણને વ્યક્ત કરે તે રીતે પસંદ કરવામાં આવ્યાં છે.

સુધા શ્રીવાસ્તવ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે