ચંદૂર, માલતી (જ. 21 ડિસેમ્બર 1930, નુઝવિદ, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ; અ. 21 ઑગસ્ટ 2013, ચેન્નાઇ, તમિળનાડુ) : આંધ્રનાં જાણીતાં નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર તથા અનુવાદક. તેમને તેમની તેલુગુ નવલકથા ‘હૃદયનેત્રી’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નુઝવિદ અને એલરુમાં લીધું. તેમણે કૉલેજશિક્ષણ મેળવ્યું નથી. પુસ્તકો જ તેમનાં ગુરુ હતાં. તેમના પતિની પ્રેરણાથી તેમની પ્રથમ વાર્તા ‘રવ્વલા દુદદુલુ’ (હીરાનાં કર્ણફૂલ), ‘આનંદવાણી’ અઠવાડિકમાં છપાઈ. પછીની વાર્તાઓ ‘લૂઝ કૉર્નર’ તથા ‘નીરજા’ ‘ભારતી’ માસિકમાં છપાઈ. ત્યારબાદ તેમની નવલકથાઓ ‘ચમ્પકમ્’, ‘રેણુકાદેવી આત્મકથા’ અને ‘ક્ષણિકમ્’ વગેરે પ્રગટ થઈ.
‘આલોચિંચુ’ (વિચારવું) અને ‘સદ્યોગમ્’ (સારી નોકરી) જેવી અન્ય કૃતિઓમાં તેમણે સ્વતંત્ર, આગ્રહી અને સ્વાવલંબી નારીના અભ્યુદયનું ચિત્રણ કર્યું છે. ‘રિક્કુલુ ચુક્કલુ’માં તેમણે જૂની પેઢી દ્વારા નવી પેઢીની આકાંક્ષાઓની ઉપેક્ષાની આલોચના કરી છે; જ્યારે ‘વૈશાખી’માં એક હિંસક ઉગ્રવાદીને અંતમાં એક અહિંસક સમાજસુધારકમાં પરિવર્તન પામેલો દર્શાવ્યો છે. તેમની કૃતિઓના અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે.
તેઓ આધુનિક તમિળ સાહિત્યનાં તેલુગુ-અનુવાદક છે. ‘પાતા કેરતાલુ’ કટાર દ્વારા તેમણે ‘સ્વાતિ’ માસિકમાં વિશ્વની 150થી વધુ શ્રેષ્ઠ રચનાઓના અનુવાદો વાચકો માટે સુલભ બનાવ્યા છે. ખાસ કરીને તેઓ ‘આંધ્રપ્રભા’ સાપ્તાહિકમાં પોતાની ‘પ્રમાદવનમ્’ કટાર છેલ્લાં 50 વર્ષથી ચલાવે છે. એટલું જ નહિ પણ તેઓ છેલ્લાં 70 વર્ષમાં આંધ્રપ્રદેશમાં આવેલા સામાજિક પરિવર્તનનું ચિત્રાંકન કરનાર સક્ષમ નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠા પામ્યાં છે.
તેમને અનેક (આશરે 16) પુરસ્કારો અને સન્માનો મળ્યાં છે. તેમાં તેમની નવલકથા ‘ભૂમિપુત્ર’ માટે આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી પુરસ્કાર (1987) તથા મદ્રાસ તેલુગુ અકાદમી પુરસ્કાર (1988) તથા પદ્માવતી મહિલા યુનિવર્સિટીનો ‘કલાપ્રપૂર્ણ’ પુરસ્કાર મુખ્ય છે.
તેમના પતિ ચંદૂર નાગેશ્વર રાવે 30 સર્જનાત્મક સાહિત્યિક કૃતિઓની રચના ઉપરાંત એટલી જ જાણીતી અંગ્રેજી કૃતિઓના તેલુગુમાં અનુવાદો આપ્યા છે. વળી, મદ્રાસ આકાશવાણી સ્ટુડિયો પરથી સાંસ્કૃતિક અને સામાજિક વિષયો પર અવારનવાર પ્રસારણ કરે છે.
આ બંને પતિ-પત્નીની સાહિત્યિક સેવા અને પ્રદાન ધ્યાનમાં લઈને પ્રથમવાર ડૉ. કરણસિંહના વરદ હસ્તે પશસ્તિ નોંધ, શાલ અને રૂ. 1 લાખના રોકડ પુરસ્કાર સાથે ધ લોકનાયક ફાઉન્ડેશન ઍવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં.
તેમની પુરસ્કૃત કૃતિ ‘હૃદયનેત્રી’માં વીસમી સદીના આરંભથી માંડીને ’80ના દસકા સુધીની 3 પેઢીની કથા છે. તેમાં ભારતીય સામાજિક-રાજનૈતિક જીવનનાં મૂલ્યોના ઉત્તરોત્તર થતા હ્રાસનું આકલન, પાત્રો અને પરિસ્થિતિઓના સજીવ ચિત્રાંકન દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં સાધન અને સાધ્યની પવિત્રતાના પ્રશ્નોના અનુષંગે લેખિકાની સમાજના નૈતિક કાયાકલ્પ માટેની ઝંખના તથા સમાજનિષ્ઠા પણ પ્રગટ થયાં છે. આ કૃતિ આધુનિક ભારતીય સાહિત્યમાં સામાજિક નવલકથાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે.
બળદેવભાઈ કનીજિયા