ચંદનબલાલાક્ષાદિ તૈલ : આયુર્વેદિક ઔષધ. રક્તચંદન, બલા (ખરેટી) મૂળ, લાખ તથા ખસ – આ દરેક દ્રવ્ય 16–16 ભાગ લઈ તેનો જવકૂટ ભૂકો કરી, તેમાં 256 ગણું પાણી ઉમેરી, તેનો ચોથા ભાગે શેષ રહે તેવો (64 ભાગ રહે તેવો) ઉકાળો કરી ગાળી લેવામાં આવે છે. પછી 32 ભાગ તલનું તેલ લઈ, એક મોટા તપેલામાં તે ઉકાળા સાથે નાખી તેમાં આ દ્રવ્યોનો કલ્ક (ચટણી) ઉમેરવામાં આવે છે. સફેદ ચંદન, વાળો, જેઠીમધ, સુવાદાણા, કડુ, દેવદાર, હળદર, કઠ (ઉપલેટ), મજીઠ, અગર, અશ્વગંધા, બલા (ખપાટ), દારુહળદર, મૂર્વા, નાગરમોથ, મૂળા એલચી, તજ, નાગકેશર, રાસ્ના, લાખ, ષડકચૂરો, ચંપક, બિયો, સારિવા, બિડનમક અને સિંધાલૂણ. આ બધાં દ્રવ્યો કુલ 8 ભાગે લઈ, તેની ચટણી કરી, તેલમાં મેળવી પછી તેમાં 64 ભાગ દૂધ મેળવીને તપેલું ચૂલા પર મૂકી, ઉકાળવામાં આવે છે. તેમાંથી પાણીનો ભાગ બળી જાય અને માત્ર તેલ રહે ત્યારે ઉતારીને તે ગાળીને શીશીમાં ભરવામાં આવે છે.
ગુણધર્મો–ઉપયોગ : આ માલિસ તેલ ગુણમાં શીતળ, શીતવીર્ય અને ત્વચા, શ્લેષ્મકલા, માંસપેશી, કંડરા તથા વાતનાડીને પોષક; સપ્ત-ધાતુવર્ધક, ખાસ કરી પિત્તપ્રધાન (ગરમીના) વિકારોમાં અંદર-બહારના ઉપયોગ માટે ખૂબ હિતકર છે. તે બાળકો, વૃદ્ધો, યુવાન અને ક્ષીણવીર્ય પુરુષોને લાભદાયક છે. વાત-વ્યાધિનાં દર્દો તથા ખાંસી, શ્વાસ, ક્ષય, ઊલટી, રક્તપિત્ત, રક્તપ્રદર, પિત્તકફજ રોગો, દાહ, ચળ, વિસ્ફોટ, શિરોરોગ, યોનિવિકાર, જીર્ણજ્વર, ક્ષયરોગ, નેત્રદાહ, સોજા, કમળો, પાંડુ તથા (ગરમીનો) તાવ જેવા રોગવિકારોનો તે માલિસ દ્વારા નાશ કરે છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા
બળદેવપ્રસાદ પનારા