ચંદ બરદાઈ

January, 2012

ચંદ બરદાઈ (જ. 1146 (?), લાહોર; અ. 1191, ગઝની) : ડિંગલ ભાષામાં લખેલા ‘પૃથુરાજરાસો’ મહાકાવ્યના રચયિતા. હિંદીભાષી લોકો તેમને હિંદીના પ્રથમ મહાકવિ માને છે. વીરરસથી ભરપૂર આ પ્રસિદ્ધ ગ્રંથની 60 કરતાં વધુ હસ્તપ્રતો મળી આવી હતી; તે સોળમી સદીની હોય તેમ માનવામાં આવે છે. તેમાં કઈ નકલ પ્રમાણભૂત ગણવી તે અંગે પણ વિવાદ છે. તેમાં ઉલ્લેખાયેલ ઘણી ઘટનાઓ ઐતિહાસિક નહિ પણ કપોલકલ્પિત હોવાનું વિદ્વાનો માને છે.

ચંદ પૃથ્વીરાજ ચૌહાણના સમકાલીન હતા; એટલું જ નહિ, પણ તેમના પરમ મિત્ર, સરદાર, આશ્રિત અને રાજકવિ હોવાના ઐતિહાસિક સંદર્ભો પણ સાંપડ્યા છે. તેમના પૂર્વજ પંજાબના હોવા છતાં તેમનું મોટા ભાગનું જીવન દિલ્હી તથા અજમેર વિસ્તારમાં પૃથ્વીરાજ ચૌહાણના સાહચર્યમાં વીત્યું હતું. તેમની રચનાઓમાં વીરરસ તથા શૃંગારરસની અભિવ્યક્તિ જોવા મળે છે.

તેઓ 6 ભાષાઓના જાણકાર, કાવ્ય અને છંદશાસ્ત્ર, વ્યાકરણ, જ્યોતિષ, વૈદક, સંગીત તથા નાટક જેવા વિવિધ વિષયોના જ્ઞાતા હતા. તેઓ પૃથ્વીરાજના સરદાર હતા અને યુદ્ધભૂમિ પર પોતાનું કૌશલ બતાવતા તથા વીરરસથી ભરપૂર રચનાઓ દ્વારા સૈનિકોને પ્રોત્સાહિત પણ કરતા હતા. તેઓ ચંદ જાલંધરી દેવીના ઉપાસક હતા.

શાહબુદ્દીન ઘોરી પૃથ્વીરાજ ચૌહાણને બંદી બનાવીને ગઝની લઈ ગયો ત્યારે ચંદે ‘રાસો’નું અધૂરું લખાણ પૂરું કરવા પોતાના પુત્ર જલ્લને આજ્ઞા કરી અને પોતે પૃથ્વીરાજને છોડાવવાના હેતુથી ગઝની પહોંચ્યા. પૃથ્વીરાજ દ્વારા શબ્દવેધી બાણ ચલાવી ઘોરીને મારી નાખ્યો પછી ચંદ અને તેમના સમ્રાટે આત્મહત્યા કરી એવા સંદર્ભો ઉપલબ્ધ છે. એમ કહેવાય છે કે તેઓ બંને એક જ દિવસે જન્મ્યા હતા અને એક જ દિવસે મૃત્યુ પામ્યા હતા.

સુધા શ્રીવાસ્તવ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે