ઘોષ, ગિરીશચંદ્ર

February, 2011

ઘોષ, ગિરીશચંદ્ર (જ. 28 ફેબ્રુઆરી 1844, કૉલકાતા; અ. 8 ફેબ્રુઆરી 1912, કૉલકાતા) : બંગાળી રંગભૂમિના ભીષ્મ પિતામહ. નટ, નાટ્યકાર, નાટ્યકંપની-પ્રબંધક, નાટ્યશિક્ષક અને કૉલકાતાના વ્યાવસાયિક રંગમંચના પાયાના ઘડવૈયા. બંગાળી રંગભૂમિને રાજાઓ તથા ધનકુબેરોના આધિપત્યમાંથી મુક્ત કરીને લોકાભિમુખ કરવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. મૂળભૂતપણે નટ; પરંતુ જ્યારે તેમના જમાનાના અગ્રગણ્ય નાટ્યકારો દીનબંધુ મિત્ર અને માઇકલ મધુસૂદન દત્તનાં નાટકો તેમજ બંકિમચંદ્ર ચૅટરજી અને રોમેશચંદ્ર દત્તની નવલકથાનાં નાટ્યરૂપાંતરોની સતત ભજવણીને લીધે પ્રેક્ષકો કંટાળવા માંડ્યા ત્યારે તેઓ નાટ્યલેખન તરફ વળ્યા. તેમણે સંગીત-નાટકો અને ચરિત્રાત્મક નાટકોથી શરૂઆત કરી. 1881માં તેમણે પૂર્ણ લંબાઈનું પ્રથમ ત્રિઅંકી ઐતિહાસિક નાટક ‘આનન્દ રહો’ લખ્યું; પરંતુ તે ટિકિટબારી ઉપર સદંતર નિષ્ફળ નીવડ્યું એટલે તેમણે પૌરાણિક નાટકો લખવાની શરૂઆત કરી અને તેમાં ધારી સફળતા પ્રાપ્ત કરી. તે જ વર્ષમાં ‘રાવણવધ’ નાટકથી પૌરાણિક નાટકો લખવાં શરૂ કર્યાં. મોટા ભાગનાં તેમનાં પૌરાણિક નાટકોનું કથાવસ્તુ રામાયણ અને મહાભારતની લોકપ્રિય બંગાળી આવૃત્તિઓ પર આધારિત હતું. આ ઉપરાંત પુરાણો, જાતકકથાઓ તેમજ બુદ્ધ, શંકરાચાર્ય, ચૈતન્ય અને અન્ય સંતમહાત્માઓના જીવનનો પણ આધાર લઈ પૌરાણિક નાટકો લખ્યાં. ‘દક્ષયજ્ઞ’ (1883), ‘પાંડવેર અજ્ઞાતવાસ’ (1883), ‘નળ-દમયંતી’ (1883), ‘પ્રહલાદચરિત્ર’ (1884), ‘સીતાર વનવાસ’ ઉપરાંત ‘ચૈતન્યલીલા’ (1886), ‘બુદ્ધદેવચરિત’ (1887), ‘શંકરાચાર્ય’ અને ‘બિલ્વમંગળ’ (1888) જેવાં ભક્તચરિત્રો પર આધારિત નાટકો ખૂબ જ લોકપ્રિય નીવડ્યાં. ‘ચૈતન્યલીલા’એ તો એક યુગ સર્જ્યો. નાટ્યશાળા જાણે તીર્થસ્થળ બની ગઈ અને થિયેટર જાણે કે ભક્તમેળો. ગામે-ગામ, નગરે-નગર કીર્તનમંડળીઓ સ્થપાઈ અને ઇંગ્લૅન્ડથી પાછા ફરેલા બંગાળીઓ પણ પોતાને ‘હિન્દુ’ કહી ગર્વ લેવા લાગ્યા. ધાર્મિક તેમજ અતિમાનુષી તત્વોનો સમન્વય, દૈવી પાત્રોનું માનવીકરણ, લોકોને સમજાય તેવી સાદી સરળ ભાષામાં હૈયાસોંસરવા ઊતરી જાય તેવા સંવાદો વગેરેને લીધે તેમનાં લગભગ 40 જેટલાં પૌરાણિક – ભક્તિરસપ્રધાન નાટકો અતિ લોકપ્રિય નીવડ્યાં.

ગિરીશચંદ્રનાં મહત્વનાં ઐતિહાસિક નાટકોમાં ‘સિરાજુદ્દોલા’ (1906), ‘મીરકાસિમ’ (1906), ‘છત્રપતિ શિવાજી’ (1907), ‘અશોક’ (1911) અને ‘તપોબલ’(1911)નો સમાવેશ થાય છે. આ તમામ નાટકો રાષ્ટ્રીયતાના ઘેરા રંગે રંગાયેલાં છે અને બંગાળના ભાગલાની વિરુદ્ધ ચાલેલી ચળવળની પશ્ચાદભૂમિમાં લખાયેલાં છે. 1942થી લગભગ 36 વર્ષ પહેલાં ગિરીશચંદ્રે ‘મીરકાસિમ’ દ્વારા સર્વપ્રથમ ‘હિંદ છોડો’ની ઉદઘોષણા કરી. ‘તપોબલ’માં વસિષ્ઠના ચરિત્રમાં ગાંધીજીના સત્ય અને અહિંસાના આદર્શનો સમન્વય સાધ્યો અને અસ્પૃશ્યતાનિવારણ ઉપર પણ ભાર મૂક્યો. તેમનાં ઐતિહાસિક નાટકોમાં રાષ્ટ્રીય ચળવળના નાયકોની યશોગાથા, દેશદાઝથી ઊભરાતા સંવાદો, ઐતિહાસિક તથ્ય કરતાં સાંપ્રત જીવનની આવશ્યકતાઓને અધીન ઘટનાઓનું ઘડતર; ગીત, સંગીત, નૃત્યની ભરમાર; હાસ્ય-કટાક્ષ-વ્યંગ્ય – આ બધાં તત્વોએ તેમને અતિ લોકપ્રિય બનાવ્યા.

ગિરીશચંદ્રનાં સામાજિક નાટકો પર તે સમયના સામાજિક સુધારાની પ્રબળ છાયા જોવા મળે છે. બંગાળી મધ્યમવર્ગીય સંયુક્ત કુટુંબનાં આનંદ અને અશ્રુ, મદ્યપાન અને પૈઠણનાં દૂષણો, હિંદુ બાળવિધવા અને તેના પુનર્લગ્નની સમસ્યા વગેરે કથાવસ્તુની આસપાસ તેમનાં સામાજિક નાટકો ગૂંથાયેલાં છે, તેમનાં ત્રણ મુખ્ય સામાજિક નાટકો તે ‘પ્રફુલ્લા’ (1889), ‘બલિદાન’ (1905) અને ‘શાસ્તિ કિ શાંતિ’ (1908).

ગિરીશચંદ્ર પ્રતિભાશાળી નટ પણ હતા. 22 ફેબ્રુઆરી, 1873ના રોજ, નૅશનલ થિયેટર દ્વારા પ્રદર્શિત નાટક ‘કૃષ્ણકુમારી’માં ભીમસિંહની ભૂમિકાથી અભિનયની કારકિર્દી શરૂ થઈ, જે 15 જુલાઈ 1911ના રોજ તેમના પોતાના નાટક ‘બલિદાન’માં તેમણે ભજવેલી ‘કરુણામય’ની ભૂમિકાથી સમાપ્ત થઈ. 40 વર્ષની તેમની સુદીર્ઘ અભિનય-કારકિર્દીમાં તેમણે જે બહુવિધ પાત્રો ભજવ્યાં તેમાં અમર કહી શકાય તેવાં પાત્રો તે નિમચંદ (‘સધવાર એકાદશી’), લલિત (‘લીલાવતી’), ભીમસિંહ (‘કૃષ્ણકુમારી’), અધિકારી (‘કપાલકુંડલા’), બીરેન્દ્રસિંહ (‘દુર્ગેશ-નંદિની’), દક્ષ (‘દક્ષયજ્ઞ’), મૅકબેથ (‘મૅકબેથ’), મુઝફ્ફર (‘મીરકાસિમ’), રામ (‘રાવણવધ’), કંચુકી (‘પાંડવગૌરવ’), ઔરંગઝેબ (‘છત્રપતિ શિવાજી’) તથા વિદૂષક (‘જના’).

ગિરીશચંદ્ર ઉત્તમ કક્ષાના થિયેટર કંપની-મૅનેજર પણ હતા. નૅશનલ થિયેટર, ગ્રેટ નૅશનલ થિયેટર, સ્ટાર થિયેટર, ઍમરેલ્ડ થિયેટર, સિટી થિયેટર, મિનર્વા થિયેટર વગેરે અનેક થિયેટર કંપનીઓના વિકાસમાં ગિરીશચંદ્રનો સિંહફાળો રહ્યો હતો. આ ઉપરાંત ક્લાસિકલ થિયેટર, કોહિનૂર થિયેટર તથા વીણા થિયેટરમાં નાટ્યશિક્ષક તરીકે પણ તેમણે અવિસ્મરણીય ફાળો આપ્યો છે.

1886થી 1915નો સમયગાળો બંગાળી રંગભૂમિ પર ‘ગિરીશયુગ’ તરીકે જાણીતો છે. તેની સમાંતરે ગુજરાતી રંગભૂમિનો ‘ડાહ્યાભાઈ-યુગ’, મરાઠી રંગભૂમિનો ‘કોલ્હટકર-યુગ’ તથા હિન્દી રંગભૂમિનો ‘બેતાબ યુગ’ વ્યાવસાયિક રંગમંચના અભ્યુદયનો યુગ છે.

મહેશ ચંપકલાલ શાહ