ઘોષ, અમિતાભ (જ. 11 જુલાઈ 1956, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી સાહિત્યના જાણીતા બંગાળી નવલકથાકાર. તેમની અતિપ્રચલિત નવલકથા ‘ધ શૅડો લાઇન્સ’ માટે તેમને 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમનું બાળપણ ઢાકા અને કોલંબો(હવે શ્રીલંકા)માં વીત્યું હતું. દિલ્હી યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને સામાજિક નૃવિજ્ઞાન પર ડી.ફિલ.ની પદવી તેમણે પ્રાપ્ત કરી. તેમણે ત્રિવેન્દ્રમ્ તથા દિલ્હીમાં અધ્યાપનકાર્ય કર્યું. એક વર્ષ માટે વર્જિનિયા, કોલંબિયા અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીઓમાં અતિથિ પ્રાધ્યાપકની કામગીરી પણ સંભાળી. હાલ તેઓ કૉલકાતા ખાતે સમાજવિજ્ઞાન અધ્યયન કેન્દ્રમાં ફેલો તરીકે ફરજ બજાવે છે.
તેમને તેમની પ્રથમ નવલકથા ‘ધ સર્કલ ઑવ્ રીઝન’થી દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ. તેનો અનુવાદ 6 ભાષાઓમાં થઈ ચૂક્યો છે.
તેમની બીજી નવલકથા ‘ધ શૅડો લાઇન્સ’ 1988માં પ્રકટ થઈ; તેને ઉમળકાભર્યો આવકાર સાંપડ્યો અને તેનો 5 ભાષાઓમાં અનુવાદ પણ થયો છે. તેની કથા હૃદયસ્પર્શી હોવા સાથે હાસ્ય અને જિંદાદિલીથી ભરપૂર છે. સ્વકીય અનુભૂતિની ઉત્કટતા તથા ભારતીયતાના સંસ્કારવાળી ભાષા અને પરિવેશને હૂબહૂ સાકાર કરવાની સર્જકની નિપુણતાને કારણે આ કૃતિ ભારતીય અંગ્રેજી સાહિત્યમાં મૂલ્યવાન લેખાય છે. સંઘર્ષની ઐતિહાસિક પાર્શ્વભૂમિકા ધરાવતી આ નવલકથા આધુનિક જગતમાં રાજનૈતિક સ્વતંત્રતા અને રાષ્ટ્રીયતાની અર્થસાધકતાનું અન્વેષણ કરી બતાવે છે.
તેઓને પદ્મશ્રી (2007), સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, આનંદ પુરસ્કાર, દાન ડેવિડ પ્રાઇઝ અને જ્ઞાનપીઠ પુરસ્કાર (2018) પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા