ઘોડેસવારી : અત્યંત જૂની અને લોકપ્રિય રમત. તેના મુખ્ય બે પ્રકાર છે : (1) સપાટ દોડસ્પર્ધા અને (2) ઠેક દોડસ્પર્ધા. ઠેક દોડસ્પર્ધામાં ઘોડાએ દોડમાર્ગ પર ગોઠવેલાં વિઘ્નો કે હર્ડલ્સ ઉપરથી ઠેકી જવાનું હોય છે. વિવિધ દેશોમાં યોજાતી સ્પર્ધાઓમાં સ્પર્ધક ઘોડાની લાયકાત, દોડ-અંતર તથા ઇનામોના પ્રકારો વગેરે અંગે વિવિધતા પ્રવર્તે છે.

સુસજ્જ ઘોડેસવાર (જૉકી)

ઘોડેસવારી ખૂબ જૂની રમત છે અને ખાસ કરીને ઇંગ્લૅન્ડ, આયર્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા તથા ફ્રાન્સમાં તે ખૂબ લોકપ્રિય છે. તે સિવાય જર્મની, ઇટાલી, અમેરિકા, આર્જેન્ટિના, રશિયા, જાપાન, ભારત, પાકિસ્તાન વગેરે દેશોમાં પણ તેનો સારો પ્રચાર છે. રેસના ઘોડા અરબી ઓલાદના હોય છે અને તેમને ખાસ પ્રકારે ઉછેરવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં દર વર્ષે ઘોડેસવારીની પાંચ માન્યતાપ્રાપ્ત (classic) હરીફાઈઓ યોજાય છે. તે પૈકી 1.609 કિમી.(1 માઈલ) અંતરની એક હજાર ગીની અને બે હજાર ગીની રેસીઝ ન્યૂમાર્કેટ ખાતે વસંત ઋતુમાં, 2.40 અંતરની ડર્બી અને ઑક્સ રેસીઝ એપ્સમ ખાતે ઉનાળામાં તથા 2.8 કિમી. અંતરની સેન્ટ લેજર રેસ ડૉન્કેસ્ટર ખાતે પાનખરમાં યોજાય છે. ડર્બી, સેન્ટ લેજર અને બે હજાર ગીની રેસીઝ ઘોડા માટે હોય છે, જ્યારે ઑક્સ, સેન્ટ લેજર અને એક હજાર ગીની રેસીઝ ઘોડી માટે હોય છે.

સપાટ દોડનો સ્પર્ધામાર્ગ હરિયાળી, માટી અથવા ઘટ્ટ બરફનો બનેલો તથા લંબગોળાકાર કે સંકુલ પ્રકારનો હોય છે; લંબાઈ 1.609 કિમી., 4.00 કિમી. અથવા વધારે હોય છે.

વિઘ્નઠેક સ્પર્ધામાં વૉટર-જમ્પ સિવાયનાં બધાં વિઘ્નો 1.37 મી. ઊંચાં હોય છે. પ્રથમ 1.218 કિમી.ના અંતરમાં 12 વિઘ્નો અને તે પછી દરેક કિમી.દીઠ 6 વિઘ્નો રાખવામાં આવે છે. દરેક 1.609 કિમી.-એ ઓછામાં ઓછી એક ખાઈ 1.828 મીટર પહોળી અને 0.54મી ઊંડી હોય છે; ઉપરાંત માર્ગમાં 3.656 મી. પહોળો અને 0.54 મી. ઊંડો વૉટર-જમ્પ પણ હોય છે.

હર્ડલ-ઠેક સ્પર્ધામાં દરેક હર્ડલ 1.04 મી. ઊંચો હોય છે. પ્રથમ 1.218 કિમી. અંતરમાં ઓછામાં ઓછા 8 હર્ડલ અને પછી દરેક 0.402 કિમી. અંતરે એક હર્ડલ ગોઠવવામાં આવે છે.

સપાટ દોડ માટેનું અંતર 0.8 કિમી.થી 4.4 કિમી. જેટલું, વિઘ્નઠેક રેસ માટેનું અંતર 2.4 કિમી.થી 7.2 કિમી. જેટલું તથા હર્ડલ-ઠેક રેસ માટેનું અંતર 2.4 કિમી.થી 5.2 કિમી. જેટલું હોય છે.

ઘોડો પાંચ વર્ષની ઉંમર સુધી વછેરો (colt) અને તે પછી અશ્વ (horse) તરીકે ઓળખાય છે, જ્યારે ઘોડી પાંચ વર્ષની ઉંમર સુધી વછેરી (filly) અને તે પછી ઘોડી (mare) તરીકે ઓળખાય છે. સપાટ દોડ રેસમાં ભાગ લેવા માટે ઘોડો બે વર્ષનો, હર્ડલ-રેસ માટે ત્રણ વર્ષનો અને વિઘ્ન-રેસ માટે ચાર વર્ષનો થયેલો હોવો જોઈએ. લાંબા અંતરની રેસ માટે મોટી ઉંમરના ઘોડા અને ટૂંકા અંતરની રેસ માટે નાની ઉંમરના ઘોડા સરસ કામ આપે છે.

આ સિવાય વિઘ્ન-ઠેક સ્પર્ધાપ્રકારમાં ‘શો જમ્પિંગ’ અશ્વ અને આરોહકનાં આવડત અને કૌશલની બરોબર કસોટી કરતી ખાસ પ્રકારની સ્પર્ધા છે. તેમાં અશ્વારોહકે અશ્વારૂઢ થઈને ખાસ પ્રકારનાં વિવિધ વિઘ્નો ઓળંગીને નિયત સ્થાને પહોંચવાનું હોય છે. આ પ્રકારમાં ‘ગ્રાં પ્રી’ (Grand Prix) રેસ જગવિખ્યાત છે.

ચીનુભાઈ શાહ