ઘોડિયા ઇયળ : એરંડા, કપાસ જેવા પાકને નુકસાન કરતી ઇયળ. આ ઇયળો પાન પર ચાલે છે ત્યારે શરીરનો વચ્ચેનો ભાગ ઊંચો થઈ અર્ધગોળાકાર બને છે, તેથી તેને ‘ઘોડિયા ઇયળ’ તરીકે ઓળખવામાં આવે છે. આ કીટકનો સમાવેશ રોમપક્ષ (lepidoptera) શ્રેણીના Noctuidae કુળમાં કરવામાં આવ્યો છે.

દિવેલાની ઘોડિયા ઇયળ : તેનો ઉપદ્રવ મુખ્યત્વે દિવેલા ઉપર જોવા મળે છે. તે ઉપરાંત દાડમ, મધુમાલતી, થોર, દુધેલી, પિલ્યુલિફોરામાં પણ તે નુકસાન કરતી જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ ભારતમાં દિવેલા ઉગાડતાં બધાં જ રાજ્યોમાં જોવા મળે છે. છોડનાં પાનની બંને બાજુએ લીલાશ પડતાં ભૂખરાં, ગોળ એકલદોકલ લગભગ 400 જેટલાં ઈંડાં મૂકે છે. 2થી 5 દિવસમાં તેનું સેવન થતાં નીકળેલી ઇયળો કાળી, આછી કાળી કે રાખોડી રંગની હોય છે. તે પાનની નીચેની બાજુએ રહીને અનિયમિત આકારનાં કાણાં પાડે છે. ઇયળો મોટી થતાં બદામી શરીર પર લાલ તથા સફેદ પટ્ટા ધરાવે છે. આવી ઇયળો પાનની નસો સિવાયનો બધો જ ભાગ ખાઈ જાય છે. વધુ ઉપદ્રવમાં છોડ પાન વગરના બુઠ્ઠા બની જાય છે. ઑગસ્ટ–સપ્ટેમ્બર દરમિયાન આ જીવાતની ઇયળો દિવેલાના પાકને ખૂબ જ નુકસાન કરે છે. ઇયળ અવસ્થા 15થી 20 દિવસમાં પૂર્ણ થતાં જમીન ઉપર પડેલાં પાનમાં કોશેટો બનાવે છે. આ સુષુપ્ત અવસ્થા 10થી 27 દિવસમાં પૂર્ણ થતાં તેમાંથી ફૂદી બહાર આવે છે. આ જીવાતને ઉપદ્રવની શરૂઆતથી જ કાબૂમાં લેવી જરૂરી છે. ઇયળો મોટી થઈ ગયા બાદ કોઈ પણ ઉપાયોથી સંતોષકારક નિયંત્રણ થઈ શકતું નથી. તેની વસ્તી ઓછી કરવા માટે પાકની કાપણી બાદ તુરત જ ખેતરો ખેડી નાખવાથી છોડના ખરી પડેલા ભાગોમાં કે જમીનમાં રહેલા કોશેટાનો તાપથી કે પક્ષીઓથી નાશ થશે. દિવેલાના પાકનું નિયમિત નિરીક્ષણ કરતા રહી નાનીમોટી ઇયળો જણાય તો હાથથી વીણીને નાશ કરવો પડે છે. પક્ષીઓ પણ તેનો ઉપદ્રવ અટકાવે છે. એન.પી.વી.યુક્ત પ્રવાહી પાક ઉપર છાંટવામાં આવે તો ઇયળોને તેના સંસર્ગમાં આવતાં રોગ લાગુ પડે છે અને મરી જાય છે. વધુ ઉપદ્રવ વખતે ક્વિનાલફૉસ 0.05 % અથવા ઍન્ડ્રોસલ્ફાન 0.07 % અથવા મિથાઇલ 0.05 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે.

કપાસની લીલી ઘોડિયા ઇયળ (એનોમિસ ફલેવા) : આ જીવાતનો ઉપદ્રવ પણ ભારતમાં બધે જ જોવા મળે છે. તે કપાસ તથા તેની જાતના છોડ ઉપર નુકસાન કરે છે. 8થી 12 દિવસમાં માદા લગભગ 600 જેટલાં ઈંડાં પાનની ઉપરની બાજુએ છૂટાંછવાયાં મૂકે છે. 4થી 5 દિવસમાં તેનું સેવન થતાં ઇયળો બહાર આવે છે. લીલા રંગની આ ઇયળોના શરીર ઉપર ઊભી પાંચ સફેદ લીટીઓ હોય છે. આવી ઇયળો પાન પર કાણાં પાડી, પાન કાપી ખાઈને નુકસાન કરે છે. 18થી 20 દિવસમાં ઇયળ-અવસ્થા પૂરી થતાં પાન ચોંટાડી કોશેટા-અવસ્થા ધારણ કરે છે. કોશેટા-અવસ્થા 8થી 9 દિવસની હોય છે; પુખ્ત કીટક 12થી 13 દિવસ જીવે છે. તેનો ઉપદ્રવ નહિવત્ હોય છે; તેમ છતાં જો ઉપદ્રવ વધારે જણાય તો ઍન્ડોસલ્ફાન 0.07 % અથવા ક્વિનાલફૉસ 0.05 % અથવા ફૉઝેલોન 0.05 % અથવા કાર્બારિલ 0.2 % અથવા મૉનોકોટોફૉસ 0.36 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવાથી તેને કાબૂમાં લઈ શકાય છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ