ઘોઘા : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 21° 01´ ઉ. અ. અને 72° 16´ પૂ. રે.. તે ભાવનગરથી અગ્નિકોણમાં 21 કિમી.ને અંતરે ખંભાતના અખાતના તટ પર આવેલું છે. ઘોઘાની આજુબાજુની જમીન કાળી તેમજ પીળાશ પડતી છે. અહીંની આબોહવા ભાવનગર જેવી છે.

એક સમયે ઘોઘા સોરઠ પ્રદેશનું મુખ્ય બંદર ગણાતું હતું. અહીં અફીણ, કાશ્મીરી શાલ અને રૂનો વેપાર વધુ થતો હતો. બંદર હોવાથી ત્યાં વહાણો બનાવવાનો ઉદ્યોગ ચાલતો હતો અને ભૂમિમાર્ગે અને જળમાર્ગે નજીકના પ્રદેશો સાથે સંકળાયેલું રહેતું હતું. અમેરિકા આંતરવિગ્રહને કારણે ઘોઘાનાં વેપાર અને સમૃદ્ધિમાં વધારો થયેલો; પરંતુ વઢવાણ–વીરમગામ તેમજ વઢવાણ–ભાવનગર રેલમાર્ગો થતાં વ્યાપારી ર્દષ્ટિએ આ બંદરનું મહત્વ ક્રમશ: ઘટતું ગયું. હાલના સમયમાં (2006) ઘોઘા બંદરેથી કોઈ વ્યાપારી માલની આયાત-નિકાસ થતી નથી, અર્થાત્, તે અત્યારે મૃતપ્રાય સ્થિતિમાં રહ્યું છે.

1947માં ઘોઘાનો સમાવેશ અમદાવાદ જિલ્લામાં થતો હતો, ત્યારબાદ તેને અમરેલી જિલ્લામાં મૂકવામાં આવેલું. 1959માં સૌરાષ્ટ્રના જિલ્લાઓની પુનર્રચના થતાં તેનો સમાવેશ ભાવનગર જિલ્લામાં કરવામાં આવ્યો છે. આ તાલુકામાં 48 ગામો આવેલાં છે. તાલુકાની કુલ વસ્તી 85,623 (2001) અને ઘોઘાની વસ્તી 10,849 જેટલી છે.

ઇતિહાસ : અત્યારે ઘોઘા ઓછી વસ્તીવાળું નાનું ગામ છે; પરંતુ ઓગણીસમી સદીમાં એ મોટું શહેર અને બંદર હતું. એની દક્ષિણે પીરમ ટાપુ આવેલો છે. ‘ઘોઘા’ શબ્દનો અર્થ નાગ અથવા સર્પ થાય છે. પ્રાચીન સમયમાં અહીં નાગદેવતાનું સ્થાનક હોવાને લીધે અથવા નાગપૂજકો રહેતા હોવાને લીધે આ સ્થળનું નામ ‘ઘોઘા’ પડ્યું હોવાનો સંભવ છે.

ઘોઘાનો સૌપ્રથમ ઉલ્લેખ વલભી રાજ્ય(ઈ. સ. 480–720)માં ગુંદીગઢના બંદર તરીકે થયેલો છે. એ પછી મુસ્લિમોએ ઘોઘા ઉપર કબજો જમાવ્યો અને એમની પાસેથી ઉમરાળાના ગોહિલ રાજવી મોખડાજીએ ઈ. સ. 1325માં ઘોઘા તથા પીરમ બેટ જીતી લીધાં. સુલતાન મુહમ્મદ તુગલુક 1347માં મોખડાજી ગોહિલને મારીને ઘોઘા પાછું મેળવ્યું તથા પીરમના કિલ્લાનો નાશ કર્યો. એ પછી મુહમ્મદ તઘલખ મોખડાજીના પુત્ર ડુંગરજી ગોહિલને ઘોઘા પાછું આપીને દિલ્હી તરફ ગયો. એ પછી પચાસ વર્ષ સુધી ગોહિલોએ ઘોઘા ઉપર સત્તા ભોગવી. 1390માં અમદાવાદના સુલતાન મુઝફ્ફરખાને તેમની પાસેથી ખંડણી લેવાની શરૂઆત કરી.

ઈસુની પંદરમી સદીમાં ગુજરાતના સુલતાનોના ત્રાસથી ઘોઘાના ગોહિલ રાજાઓ ઘોઘા છોડીને ઉમરાળા ગયા. સોળમી સદીની શરૂઆતમાં ઘોઘા બંદરનો વિકાસ થયો. ત્યાં મુખ્યત્વે મુસ્લિમોની વસ્તી હતી. વર્તમાનમાં પણ ઘોઘાના દરિયાકિનારે ઘણી મુસ્લિમ કબરો આવેલી છે. 1513માં ઘોઘાથી વ્યાપારી વહાણો મલબાર અને એડન સુધી જતાં. 1531 અને 1546માં પોર્ટુગીઝોએ ઘોઘા ઉપર હુમલો કરીને એને બાળ્યું. સોળમી સદીના અંતમાં પોર્ટુગીઝોના પતન પછી ફરીથી ઘોઘાના વ્યાપારનો વિકાસ થયો.

1591માં અકબરના સરદાર ખાન-ઈ-આઝમ મીરઝા કોકલ્તશે ઘોઘા જીતી લીધું ત્યારે ઘોઘા એક મોટું તથા સમૃદ્ધ બંદર હતું. ઘોઘાના બંદરે મોટાં જહાજો લાંગરતાં અને એમાંનો માલ નાનાં વહાણો ભરીને ખંભાત બંદરે લઈ જવામાં આવતો. ખંભાતથી તે અમદાવાદ લઈ જવામાં આવતો. સોરઠના મુખ્ય બંદર તરીકે એની ખ્યાતિ હતી. એની વાર્ષિક આવક 1,666 પાઉન્ડ હતી. અંગ્રેજોએ ઈ. સ. 1612માં ઘોઘામાં વસવાટ કરવાની પરવાનગી મેળવી; પરંતુ ત્યાં કોઠી સ્થાપી ન હતી. 1614માં પોર્ટુગીઝોએ ત્રીજી વખત ઘોઘા પર હુમલો કરીને 120 વ્યાપારી વહાણો બાળ્યાં અને ઘોઘા બંદરનો નાશ કર્યો. આ સમયે અંગ્રેજોનું દરિયાઈ પ્રભુત્વ સ્થપાતાં એમણે ઘોઘા અને ખંભાતને બદલે સૂરતને ગુજરાતના મુખ્ય બંદર તરીકે વિકસાવ્યું. છતાં 18મી સદીની શરૂઆત સુધી ઘોઘાનું વ્યાપારી મહત્વ ટકી રહ્યું.

18મી સદી દરમિયાન મુસ્લિમ સરદારો, ખંભાતના નવાબ અને મરાઠી પેશ્ર્વાએ ઘોઘા ઉપર સત્તા ભોગવ્યા પછી 1802માં વસઈની સંધિથી ત્યાં અંગ્રેજોનું વર્ચસ્ સ્થપાયું. અંગ્રેજોએ 1810થી 1850 દરમિયાન ઘોઘા બંદરનો વિકાસ કરવા અને એના વેપારમાં વધારો કરવા પ્રયાસો કર્યા. 1817માં માલ ઉપર લેવાતી જકાત કાઢી નાખી. ઘોઘા બંદરનો વેપાર અફીણ, કાશ્મીરી શાલ અને રૂનો હતો. માળવાનું અફીણ કપડવંજ અને લુણાવાડાના રસ્તે ઘોઘા થઈને ચીન જતું હતું. 1841થી 1846 સુધીનાં પાંચ વર્ષોમાં રૂ. 14 લાખની 1400 પેટી અફીણની, રૂ. 10 લાખની કાશ્મીરી શાલોની અને 1760 ટન રૂની ઘોઘાથી પરદેશ નિકાસ થઈ હતી. ઘોઘાના બંદરે 50થી 250 ટનનાં વહાણો બાંધવામાં આવતાં, એટલે કે વહાણો બનાવવાનો ઉદ્યોગ પણ ત્યાં ચાલતો.

ઘોઘા શહેર ફરતા કોટની દીવાલો અને રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું. કસ્ટમ્સ હાઉસ બાંધવામાં આવ્યું. બંદરને સુધારવામાં આવ્યું. 1850માં એની વસ્તી 8,000ની હતી. 1861થી 1865 દરમિયાન અમેરિકન આંતરવિગ્રહને કારણે ઘોઘાના વેપાર તથા સમૃદ્ધિમાં વધારો થયો. રૂની નિકાસ કરવા માટે એ સૌરાષ્ટ્રનું મુખ્ય બંદર બન્યું; પરંતુ એ પછી વઢવાણ–વિરમગામ અને ભાવનગર–વઢવાણ રેલવે થતાં બંદર તરીકે તેનું મહત્વ ઘટતું ગયું. તેની પાસે જ માત્ર 21 કિમી. દૂર આવેલા ભાવનગર શહેર અને બંદરનો વિકાસ થતાં ઘોઘાનો વેપાર બિલકુલ ઓછો થયો. 1971–72માં એનો વેપાર રૂ. 15,93,100નો હતો તે 1977–78માં ઘટીને રૂ. 8,11,960નો થઈ ગયો.

1947માં આઝાદી સમયે ઘોઘાનો સમાવેશ અમદાવાદ જિલ્લામાં થયો હતો. એ પછી એને અમરેલી જિલ્લામાં મૂકવામાં આવ્યું અને 1959માં સૌરાષ્ટ્રના જિલ્લાઓની પુનર્રચના કરવામાં આવી ત્યારથી તેનો સમાવેશ ભાવનગર જિલ્લામાં કરવામાં આવ્યો છે.

ઘોઘા પ્રાચીન જૈન તીર્થ તરીકે જાણીતું છે અને ત્યાં નવખંડા પાર્શ્વનાથનું પ્રસિદ્ધ મંદિર તથા અન્ય બે જિનાલયો આવેલાં છે. થોડાં વર્ષો પૂર્વે નવખંડા પાર્શ્વનાથના મંદિરના ભોંયરામાંથી વિ. સં. 1123થી 1528 સુધીનાં વર્ષોના અભિલેખોવાળી કાંસાની 278 જૈન મૂર્તિઓ મળી આવી હતી. ઘોઘામાં પણ ધાતુની મૂર્તિઓ બનાવવામાં આવતી. ઘોઘાના મૂળ વતની હોય એવા જૈનો ‘ઘોઘારી જૈન’ તરીકે ઓળખાય છે. ઘોઘાની વ્યાપારી સમૃદ્ધિનો નિર્દેશ કરતી બે ગુજરાતી કહેવતો, ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ તથા ‘હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો’ પ્રચલિત છે. છેલ્લાં 800 વર્ષના ઇતિહાસમાં ઘોઘાએ અનેક ચડતી-પડતી જોઈ છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી