ઘાલી, બુતરસ બુતરસ (જ. 14 નવેમ્બર 1922, કૅરો, ઇજિપ્ત; અ. 16 ફેબ્રુઆરી 2016, કૅરો, ઇજિપ્ત) : ઇજિપ્તના અગ્રણી રાજનીતિજ્ઞ તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના છઠ્ઠા મહામંત્રી. ઇજિપ્તની કુલ વસ્તીમાં માત્ર 10 %નું પ્રમાણ ધરાવતી ખ્રિસ્તી લઘુમતી કોમમાં જન્મ. 1946માં કૅરો યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની પદવી મેળવ્યા પછી 1949માં પૅરિસ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર તથા આંતરરાષ્ટ્રીય કાયદામાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. અન્વર સાદાતના નેતૃત્વ હેઠળની સરકારમાં ઑક્ટોબર, 1977માં તેઓ ઇજિપ્તના ખાતા વિનાના પ્રધાન નિમાયા હતા. 1977–91 દરમિયાન ઇજિપ્તના વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે કાર્ય કર્યું. તે એક પંકાયેલા રાજદ્વારી મુત્સદ્દી છે તથા મધ્યપૂર્વ અને આફ્રિકાના દેશોની સમસ્યાઓના ખાસ નિષ્ણાત છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના પાંચમા મહામંત્રીપદે(1982–91)થી પેરેસ દે જેવિયર ક્વેલ્યાર નિવૃત્ત થતાં 1 જાન્યુઆરી, 1992ના રોજ બુતરસ ઘાલી 194 દેશોનું સભ્યપદ ધરાવતા આ વિશ્વસંગઠન(યુનો)ના છઠ્ઠા મહામંત્રી બન્યા હતા. તેમણે આ પદનો કાર્યભાર સંભાળ્યો ત્યારે વિશ્વના રાજકારણમાં પાયાના ગણાય તેવા અત્યંત મહત્વના ફેરફારો થઈ રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના અંત પછી વિશ્વની મહાસત્તાઓનાં બે જૂથો વચ્ચે ચાલતું શીતયુદ્ધ સમાપ્ત થયું હતું, વિશ્વયુદ્ધ પછી વિભાજિત થયેલ જર્મનીનું એકીકરણ થયું હતું, સોવિયત સંઘનું વિઘટન થતાં વિશ્વનું રાજકારણ ‘બાય-પોલૅરિટી’ના સ્થાને ‘યુનિ-પોલૅરિટી’ તરફ ઝડપથી ધસી રહ્યું હતું તથા વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં શાંતિ સ્થાપવાની દિશામાં રાષ્ટ્રસંઘે મહત્વનાં પગલાં લીધાં હતાં. રાષ્ટ્રસંઘના મહામંત્રી તરીકે શરૂઆતનાં બે વર્ષ (1992–94) દરમિયાન ઘાલીએ જે રીતે કાર્ય કર્યું છે તેનાથી તેમની કુનેહ અને કુશળતામાં વિશ્વના લોકોની શ્રદ્ધા બેઠી છે.
સપ્ટેમ્બર, 1994માં તેમણે ભારતની મુલાકાત લીધી હતી તથા ભારત-પાકિસ્તાન વચ્ચે કોયડારૂપ બનેલ કાશ્મીર સમસ્યાના ઉકેલમાં ‘એક પ્રામાણિક દલાલ’ (An honest broker) તરીકે ભૂમિકા ભજવવાની તૈયારી બતાવેલ જેનો ભારત સરકારે અસ્વીકાર કર્યો હતો. તે પહેલાં એમણે કાશ્મીરની સમસ્યા ભારત અને પાકિસ્તાન વાટાઘાટો દ્વારા ઉકેલે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. સાથોસાથ પાકિસ્તાન પાસે અણુબૉમ્બ હોવાની શક્યતા અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમને ‘ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ રોમાનિયા’ ઍવોર્ડથી સન્માનિત કરાયા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે