ઘાવરી, કરસન (જ. 28 ફેબ્રુઆરી 1951, રાજકોટ) : ભારતીય ટેસ્ટ ક્રિકેટના પૂર્વ સમર્થ ડાબોડી ઑલરાઉન્ડર. 1969–70માં સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રૉફી સ્પર્ધામાં પદાર્પણ કરીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો. 1972–73 સુધી સૌરાષ્ટ્ર તરફથી રમ્યા પછી 1973–74થી 1981–82 સુધી તે રણજી ટ્રૉફી સ્પર્ધામાં મુંબઈ તરફથી રમ્યા અને 1982–83થી ફરી સૌરાષ્ટ્ર તરફથી રમ્યા. 1983–84થી સૌરાષ્ટ્ર ટીમના કપ્તાન નિમાયા.

કરસન ઘાવરી

62 રણજી ટ્રૉફી મૅચોમાં તેમણે 102 રનના સર્વોચ્ચ જુમલા સાથે કુલ 2,167 રન નોંધાવ્યા છે અને 25.83ની સરેરાશથી કુલ 188 વિકેટો ઝડપી છે.

1974–75માં પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ સામે કૉલકાતા ખાતે ત્રીજી ટેસ્ટમાં તેમણે ભારત તરફથી ટેસ્ટ પદાર્પણ કર્યું. 1976–77માં મુંબઈ ખાતે પ્રવાસી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં એક દાવમાં તેમણે 33 રનમાં 5 વિકેટો ઝડપી હતી. 1974–75થી 1980 –81માં ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ટેસ્ટશ્રેણી સુધીમાં તેમણે 39 ટેસ્ટમાં 86 રનના સર્વોચ્ચ જુમલા સાથે 913 રન નોંધાવ્યા હતા અને 109 વિકેટો ઝડપી હતી.

રણજી ટ્રૉફી સ્પર્ધામાં 1976–77માં મુંબઈ ખાતે હરિયાણા સામે એક દાવમાં 34 રનમાં તેમણે 7 વિકેટો તથા એ જ મૅચમાં 78 રનમાં 10 વિકેટો ઝડપી; એ તેમનો તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સર્વોત્તમ બૉલિંગ દેખાવ છે.

રણજી ટ્રૉફીમાં 1978–79માં મુંબઈ ખાતે ઉત્તરપ્રદેશ સામે તેમણે 102 રનનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો ખડક્યો હતો.

આ ઉપરાંત તેઓ દુલીપ ટ્રૉફી તથા ઈરાની કપ ક્રિકેટ સ્પર્ધાઓમાં પણ રમ્યા હતા. ડાબોડી મધ્યમ ઝડપી ગોલંદાજ હોવા છતાં, ક્યારેક સ્પિન ગોલંદાજી પણ કરનાર કરસન ઘાવરીએ એક દાવમાં 5 વિકેટો ઝડપવાની સિદ્ધિ પણ મેળવી હતી.

1973–74માં શ્રીલંકાનો બિનસત્તાવાર પ્રવાસ ખેડ્યા બાદ તેમણે 1975 અને 1979માં ઇંગ્લૅન્ડનો, 1977–78 અને 1980–81માં ઑસ્ટ્રેલિયાનો તથા 1980–81માં ન્યૂઝીલૅન્ડનો પ્રવાસ ખેડ્યો હતો.

હાલ તેઓ રાજકોટ ખાતે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.

જગદીશ બિનીવાલે