ઘારેખાન, ચિન્મય (જ. 4 જુલાઈ 1934, ડભોઈ) : ભારતના અગ્રણી રાજદૂત. પિતાનું નામ રજનીનાથ અને માતાનું નામ સુરભિલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ નવસારીમાં મેળવ્યું. 1949માં વડોદરામાં રહી મૅટ્રિક થયા. 1953માં બકિંગ અને એકાઉન્ટન્સીના વિષયો સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી બી.કૉમ.ની પદવી પ્રાપ્ત કરી. બકિંગના વિષયમાં પ્રથમ ક્રમે આવી તેમણે ઝાલા પારિતોષિક મેળવ્યું હતું. 1955માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. તે જ વર્ષમાં મુંબઈ હાઈકૉર્ટની બાર કાઉન્સિલનું સભ્યપદ પણ મેળવ્યું.
1958માં તેઓ ભારતીય વિદેશસેવામાં જોડાયા. તેમનો અરબી ભાષાનો મહાવરો ધ્યાનમાં લઈને તેમની નિમણૂક ભારતીય એલચી-કચેરી, ઇજિપ્તમાં કરવામાં આવી. ત્યારબાદ કૉંગો અને યુગોસ્લાવિયાની ભારતીય કચેરીમાં પણ તેમણે સેવાઓ આપી.
1973–’75નાં વર્ષોમાં વિયેટનામ યુદ્ધ દરમિયાન તેમની નિમણૂક સંયુક્ત રાષ્ટ્રસંઘના આંતરરાષ્ટ્રીય નિયમન આયોગના પ્રમુખ તરીકે કરવામાં આવી. કહેવાય છે કે વિયેટનામ યુદ્ધની સુલેહ-શાંતિની પ્રક્રિયામાં તેમણે અગ્રભાગ લીધો હતો. 1975–’76માં તેમણે વિયેટનામમાં ભારતના એલચી તરીકે સેવા આપી હતી. 1977–’80 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘ, જિનીવામાં ભારતીય રાજદૂત તથા કાયમી કાર્યવાહક તરીકે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1981થી ’86નાં વર્ષોમાં ભારતીય વડાપ્રધાનના દફતરમાં અધિક-સચિવ તરીકે ફરજ બજાવી હતી. 1986–’92 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘ, ન્યૂયૉર્કમાં ભારતીય રાજદૂત તરીકે કાર્યશીલ રહ્યા હતા. 1992થી ’99 સુધી સંયુક્ત રાષ્ટ્રસંઘમાં નાયબ મુખ્ય સચિવના પદ પર કામ કર્યું. તે જ સમય દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં નિયતક્રમ પ્રમાણે અવારનવાર પ્રમુખપદ સંભાળ્યું હતું.
તેઓ સુગમ સંગીતના જાણકાર ગાયક છે. 1955માં તેમણે મુંબઈમાં યોજાયેલ સુગમ સંગીત હરીફાઈમાં સાયગલ વિજયપદ્મ મેળવ્યું હતું. 1990માં તેમને વિશ્વ ગુર્જરી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 1992માં વર્ષના શ્રેષ્ઠ ભારતીય તરીકે ન્યૂયૉર્કમાં તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
તેઓ અરબી ઉપરાંત જર્મન, ફ્રેન્ચ અને રશિયન ભાષાઓના પણ જાણકાર છે.
જિગીશ દેરાસરી