ઘાઘરા : ઉત્તરપ્રદેશ અને બિહારમાં વહેતી નદી. તેનું ઉદગમસ્થાન તિબેટમાં છે. તે 30° ઉ. અક્ષાંશ અને 88° પૂ. રેખાંશ પર છે. હિમાલયમાં આવેલી કરનાલી પર્વતશ્રેણીઓમાં વહીને તે ખીરી અને બહરાઇચ જિલ્લામાં મેદાનમાં પ્રવેશે છે. તિબેટમાં તે કરનાલી નદી તરીકે ઓળખાય છે.

ઘાઘરા નદીની જમણી બાજુએ બારાબંકી, ગોંડા, બસ્તી અને ગોરખપુર તથા ડાબા કિનારા પર ખેરી, સીતાપુર તથા ફૈજાબાદ જિલ્લા આવેલા છે.

શારદા નદીની ત્રણ શાખાઓ – સુહેલી, દહીવર અને ચાકા – તથા રાપ્તી અને ગંડકી ઘાઘરાને મળે છે. છાપ્રાની પાસે ઘાઘરા ગંગા નદીને મળે છે. આ નદી જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે, તેમાં અયોધ્યા અને પટણાની વચ્ચે સ્ટીમલૉંચ ચાલે છે.

નેપાળમાંથી આ નદી દ્વારા મોટા પાયે લાકડું, અનાજ અને મસાલા મોકલાય છે. આ નદી પર ટાંડા, બરહજ તથા રિબિલગંજ મોટાં વ્યાપારકેન્દ્રો છે. આ નદી પર બહરામઘાટ પાસે ઍલિગનપુલ (1,125.74 મી.) તથા અયોધ્યા પાસે પણ પુલ (1,191.85 મી.) આવેલા છે. ઘાઘરા નદીમાંથી 9,785.6 હેક્ટર જમીનમાં સિંચાઈ દ્વારા પાણી પહોંચાડાય છે.

ગિરીશ ભટ્ટ