ઘર્સીસાગર (ગડસીસર)

February, 2011

ઘર્સીસાગર (ગડસીસર) : જેસલમેરના ગઢથી પૂર્વમાં આવેલું સરોવર. તે ગઢ અને ગામના બાંધકામ વખતે બનાવવામાં આવેલ. આ સરોવરનો ઘેરાવો લગભગ 1 ચોકિમી. વિસ્તારમાં ફેલાયેલ છે અને જ્યારે તે સંપૂર્ણ રીતે ભરાય છે ત્યારે તેમાં 3 વર્ષ સુધી વપરાય તેટલું પાણી સમાય છે. સરોવરની વચ્ચે નાની નાની બંગલી બનાવાયેલ છે અને ગઢની બાજુના કિનારા પર સુંદર કલાત્મક દરવાજો ઊભો કરાયેલ છે, જેના દ્વારા સરોવરના ઘાટ પર જઈ શકાય છે. રાજસ્થાનનાં ઘણાં શહેરો અને ગઢોની રચનાની સાથે સાથે આવાં સરોવરોની રચના પણ સાંકળી લેવાયેલી છે. લોકોપયોગી સ્થાપત્યના એક અગત્યના ભાગ રૂપે તે બાંધવામાં આવતાં. જેસલમેરના મહારાવલ ગડસી રાવલના નામ પરથી બંધાયેલું આ સરોવર લગભગ 1335માં બંધાયેલું હતું. આ સરોવરના ઘાટ પર મંદિરો અને નાની દેરીઓ પણ બંધાયેલ છે જેથી તેનું મહત્વ વધારે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીં મેળો ભરાય છે ત્યારે તેનું આકર્ષણ વધી જાય છે.

રવીન્દ્ર વસાવડા