ઘન ઇંધનો : ઊર્જા મેળવવા માટે વપરાતાં ઇંધનોનો એક પ્રકાર. હવામાંના ઑક્સિજનના સંસર્ગથી ઉષ્મા નિપજાવનારા પદાર્થોને ઇંધન કહે છે. તે મધ્યમ ઉષ્માએ સળગે છે, ઝડપથી સળગે છે તથા પ્રમાણમાં સસ્તાં પડે છે.

હાલમાં પ્રવાહી અને વાયુરૂપ ઇંધનો વધુ વપરાય છે; પરંતુ ઘન ઇંધનો આ બંને કરતાં સસ્તાં પડે છે તથા તે દ્વારા કેટલીક ઉપયોગી આડ-પેદાશ પણ મળે છે. તેમનું વહન પણ સહેલાઈથી કરી શકાય છે. ઘન ઇંધનના દહન દ્વારા ધુમાડો તથા ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે. તે કેટલેક અંશે નુકસાનકારક હોય છે. આ ઘન ઇંધનની મર્યાદા છે. વિશ્વની પેટ્રોલ અનામતોના પ્રમાણમાં કોલસાની અનામતો અનેકગણી વધુ છે તેથી જો ઊર્જાના વૈકલ્પિક સ્રોત શોધાશે નહિ તો કોલસો ઊર્જાનો મુખ્ય સ્રોત બની રહેશે.

કુદરતી ઘન ઇંધનો : લાકડું : જંગલોમાંથી ઓછા ખર્ચે લાકડું પ્રાપ્ત કરી શકાય છે. લાકડામાંથી કોલસો મેળવી શકાય છે. લાકડાનું કૅલરીમૂલ્ય 3,000થી 4,000 કિકૅ./કિગ્રા. છે. પર્યાવરણ સાચવવા માટે જંગલો કાપવાં હિતાવહ ન હોવાથી લાકડાનો ઇંધન તરીકે ઉપયોગ મર્યાદિત રાખવો જરૂરી બને છે. લાકડામાં 40 % કાર્બન,
20 % જળાંશ તથા 34 % ઑક્સિજન હોય છે.

પીટ (Peat) : ખનિજ કોલસાની પ્રાથમિક અવસ્થાનો પ્રકાર પીટ તરીકે ઓળખાય છે. આ પીટ પોચું હોય છે અને લગભગ 85 % જેટલું પાણી ધરાવે છે. કોલને બદલે તેને બૉઇલરમાં વાપરવામાં આવે છે. ઘરગથ્થુ વપરાશમાં તે ઉપયોગી છે. વાયુના ઉત્પાદન માટે પણ તે વાપરી શકાય છે. પીટનું કૅલરીમૂલ્ય 4500–5500 કિકૅ./કિગ્રા. છે.

કોલ (કોલસો, Coal) : ભારતમાં ખાણોમાંથી વિપુલ પ્રમાણમાં તે મળી આવે છે. તેના ત્રણ પ્રકાર જાણીતા છે : (क) લિગ્નાઇટ, જેમાં 70 % જેટલો કાર્બન હોય છે. તેનો ઉપયોગ પ્રવાહી તથા વાયુ ઇંધનોના ઉત્પાદન માટે થાય છે. (ख) નરમ કોલ (soft coal), જેમાં 75 % કાર્બન હોય છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગમાં તે વાપરવામાં આવે છે. (ग) સખત કોલ (hard coal), જેમાં 90 % કાર્બન હોય છે અને ભઠ્ઠીમાં તથા બૉઇલરમાં તે વપરાય છે. કોલનું કૅલરીમૂલ્ય 8300 કિકૅ./કિગ્રા. છે.

કૃત્રિમ ઘન ઇંધનો : ચારકોલ : હવાની ગેરહાજરીમાં લાકડાને બાળવાથી ચારકોલ મળે છે. તે છિદ્રાળુ હોય છે તથા તેને બાળતાં ધુમાડો થતો નથી. ઘરવપરાશ ઉપરાંત ગનપાઉડર બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. તેનું કૅલરીમૂલ્ય 7000 કિકૅ./કિગ્રા. છે.

કોક (Coke) : કોલના વિચ્છેદક નિસ્યંદન દ્વારા તે મેળવવામાં આવે છે. ઊંચા તાપમાને ઓછી સિલિકા ધરાવતા કોલનું વિચ્છેદક નિસ્યંદન કરવાથી સખત કોક મળે છે. કોકને બાળવાથી ધુમાડો થતો નથી. તે સસ્તું ઇંધન છે અને મુખ્યત્વે ભઠ્ઠીમાં વપરાય છે. તેનું કૅલરીમૂલ્ય 7000થી 8000 કિકૅ./કિગ્રા. છે.

બ્રિકેટ : ડામર જેવા પદાર્થોને પીટ કે લિગ્નાઇટની ભૂકીમાં મિશ્ર કરીને તૈયાર કરવામાં આવતા ઇંધનને બ્રિકેટ કહે છે. બીજાં ઇંધનોની અછત હોય ત્યારે આ અગત્યનું અને ઉપયોગી ઇંધન છે. ચારકોલની ભૂકીમાંથી પણ તે બનાવી શકાય છે.

ઘન ઇંધનોના તત્વાત્મક વિશ્લેષણ(ultimate analysis)ની રીતે ઇંધનમાં રહેલાં મુખ્ય તત્વો(C, H, O, N, S)નું ટકાવાર પ્રમાણ શોધવામાં આવે છે. બીજી વધુ વપરાતી રીત પ્રૉક્સીમેટ વિશ્લેષણમાં ઇંધનમાંના ભેજની ટકાવારી, બાષ્પશીલ દ્રવ્યો, નિયત (fixed) કાર્બન તથા રાખનું પ્રમાણ શોધવામાં આવે છે.

કેન્દ્રીય ઇંધનો (nuclear fuels) માં U235, Pu239, Th232 વગેરે ગણાવી શકાય જે કેન્દ્રીય વિઘટનથી અણુશક્તિ ઉપજાવે છે. તે ન્યૂક્લિયર રિઍક્ટર દ્વારા મેળવી શકાય છે.

જ. પો. ત્રિવેદી