ઘટક, ઋત્વિક (જ. 4 નવેમ્બર 1925, ઢાકા; અ. 6 ફેબ્રુઆરી 1976, કૉલકાતા) : વિખ્યાત બંગાળી ચલચિત્રસર્જક. સામાજિક ક્રાંતિ માટે ફિલ્મના માધ્યમનો ઉપયોગ કરનાર ડાબેરી વિચારસરણી ધરાવતા આ ફિલ્મસર્જકનાં જીવન અને કાર્ય પર તત્કાલીન રાજકીય ઘટનાઓની ઘેરી અસર થઈ હતી.
ઘટક યુવાન હતા ત્યારે તેમનું કુટુંબ ઢાકાથી કૉલકાતા આવ્યું. 1943થી 1945ના ગાળા દરમિયાન બીજા વિશ્વયુદ્ધને કારણે અને પછી બંગાળના ભીષણ દુષ્કાળને કારણે ભયંકર માનવવિધ્વંસ સર્જાયો, જેમાં આશરે 20 લાખ માનવો બલિ બન્યા.
1947માં ભારત-પાકિસ્તાન વચ્ચે હિંદુ-મુસ્લિમની જે હિજરત થઈ તે વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટી હિજરત ગણાય છે. તેમાં 5 લાખ માનવો રહેંસાઈ ગયા હતા. યુવાન ઋત્વિક ઘટકના સંવેદનશીલ હૃદય ઉપર આ કારમી ઘટનાની ઊંડી અસર થઈ હતી, જેનો પડઘો તેમના ચલચિત્રસર્જન પર સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.
1946માં ઘટક માર્કસવાદી ચળવળમાં સક્રિય બન્યા. દેશના ભાગલાના સમયે તે કૉલકાતામાં હતા; જ્યાં આશરે 5,000 માનવીઓની કરપીણ હત્યા થઈ હતી. ઘટકની સંવેદના સર્જન તરફ વળી ગઈ. તેમણે નવલિકા લખવાનો આરંભ કર્યો. તેમના અવસાન સુધીમાં તેમણે લખેલી 100 જેટલી નવલિકાઓ પ્રગટ થઈ હતી.
ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન(IPTA)ના સાંસ્કૃતિક વિભાગના તેઓ સક્રિય સભ્ય હતા. નાટ્યલેખક, અભિનેતા અને દિગ્દર્શક તરીકે 1954 સુધી તેઓ વ્યસ્ત રહ્યા.
1948થી તેમનામાં ફિલ્મ-સર્જનનો રસ જાગ્યો. તેમને લાગ્યું કે થિયેટર કરતાં સિનેમાનું માધ્યમ ઘણું વિશાળ છે, જે એક મોટા વર્ગ સુધી પહોંચી શકે છે. 1949 અને 1951માં તેઓ બે ફિલ્મોના સહાયક દિગ્દર્શક અને અભિનેતા હતા. 1953માં નાટ્યપ્રવૃત્તિ માટે ઘટકને શ્રેષ્ઠ અભિનેતા અને દિગ્દર્શકનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં હતાં. 1970માં તેઓને પદ્મશ્રી આપીને ભારત સરકારે સન્માનિત કર્યા હતા.
તેમણે પ્રથમ ફિલ્મ ‘નાગરિક’નું સર્જન કર્યું. ફિલ્મસર્જનના 20 વર્ષના ગાળા દરમિયાન તેમણે કુલ 8 ફિલ્મોનું સર્જન કર્યું હતું જેમાં ‘નાગરિક’ (1952–53), ‘અજાંત્રિક’ (1958), ‘બારી ઠેકે પલિયે’ (1959), ‘મેઘે ઢાકા તારા’ (1960), ‘કોમલ ગાંધાર’ (1961), ‘સુવર્ણરેખા’ (1965), ‘તિતાશ એકતી નાદિર નામ’ (1973) અને ‘જુકતી ટક્કો ઔર ગપ્પો’(1974)નો સમાવેશ થાય છે. તેમની ફિલ્મોમાં સ્વરૂપ પરત્વેના કૌશલ ઉપરાંત ધ્વનિમુદ્રણ અને સંગીત એ બેની ખાસ વિશેષતા અને નિપુણતા જોવા મળે છે. તેમના ગુરુ સંગીતકાર અલ્લાઉદ્દીનખાને તેમને ક્યારેય કોઈનું અનુકરણ કરવું નહિ એવી ખાસ સલાહ આપી હતી; કારણ કે સર્જન માટે મૌલિકતા એ પહેલી આવશ્યકતા છે એવું તેમના ગુરુ માનતા હતા. ઘટકે તેમની ફિલ્મોમાં આ સલાહનું પૂરેપૂરું પાલન કર્યું હતું.
પીયૂષ વ્યાસ