ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર

February, 2011

ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર : ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર. 33.09 હેક્ટર જેટલા વિસ્તારમાં સ્થપાયેલ આ કેન્દ્ર, વિજાપુર શહેરની ઉત્તર દિશાએ આવેલ છે. રાજ્યનું મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર હોવાના નાતે વિજાપુર સહિત યુનિવર્સિટીનાં અન્ય કેન્દ્રો (જેવાં કે, જૂનાગઢ, સરદાર કૃષિનગર, અરણેજ, ધંધૂકા, બારડોલી, આણંદ, અમરેલી, ધારી) ખાતે ઘઉંના પાક વિશે સંશોધન-કાર્યક્રમનું આયોજન કરીને પિયત તથા બિન-પિયત ઘઉંની નવીન, વધુ ઉત્પાદન આપતી, રોગ-પ્રતિકારક જાતો વિકસાવવી તથા ઘઉંની આર્થિક રીતે નફાકારક વૈજ્ઞાનિક ખેતીપદ્ધતિ વિકસાવવી; નીંદામણ, જીવાત તથા રોગોના નિયંત્રણ માટેના ઉપાયો શોધવા વગેરે કામગીરી હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ઘઉંના પાકમાં સંશોધનની સઘળી જવાબદારી આ કેન્દ્રના વડા, સંશોધન-વિજ્ઞાની(ઘઉં)ની છે. રાષ્ટ્રકક્ષાએ ઘઉંના પાક વિશે સંશોધન કરવા માટે ભારત સરકારના અનુદાનથી અખિલ ભારતીય ઘઉં-સુધારણા યોજના ચાલે છે. આ અખિલ ભારતીય ઘઉં સંશોધન યોજના તરફથી ઘઉં ઉગાડતા દરેક રાજ્યમાં સંશોધન-પ્રૉજેક્ટ ચાલે છે જે પૈકી ગુજરાત રાજ્યમાં વિજાપુર કેન્દ્ર ખાતે મલ્ટીડિસિપ્લિનરી પ્રૉજેક્ટ ચાલે છે. કૃષિસંશોધન કેન્દ્ર, વિજાપુરની શરૂઆત 1944–45 પહેલાં વડોદરા રાજ્ય દ્વારા થઈ હતી, બાદમાં 1960–61માં ગુજરાત રાજ્યમાં તેનો વિકાસ થયો. તે પહેલાં વિજાપુર શહેરની નજીક આવેલ મણિપુરા ગામમાં વર્જિનિયા તમાકુ વિશે કામગીરી કરવામાં આવતી હતી. વિજાપુર ખાતે સંશોધનકેન્દ્રની શરૂઆત થતાં તમાકુ ઉપરાંત બાજરી, ઘઉં, એરંડા, ઇસબગૂલ તેમજ મરીમસાલાના વિવિધ પાકો ઉપર સંશોધન હાથ ધરવામાં આવેલ. 1970માં વિજાપુર કેન્દ્રને રાજ્યના મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્રનો દરજ્જો આપવામાં આવ્યો અને 1972માં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થતાં ઘઉંના પાક ઉપર સંશોધનની પ્રવૃત્તિઓ વિસ્તરતાં ઘઉં સિવાયના પાકો વિશે સંશોધન-યોજનાઓને યુનિવર્સિટીનાં બીજાં કેન્દ્રો ખાતે ખસેડવામાં આવી.

આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ ઘઉંની વધુ ઉત્પાદન આપતી, રોગપ્રતિકારક અને દાણાની સારી ગુણવત્તા ધરાવતી જાતો તથા ઘઉંની વધુ નફાકારક વૈજ્ઞાનિક ખેતીપદ્ધતિ વિકસાવવાનો, ઘઉંના જર્મપ્લૉઝમની જાળવણી કરવાનો અને ગુજરાત રાજ્યમાં ઘઉંની ભલામણ કરવામાં આવેલ જાતો માટે પાયાનું શુદ્ધ બિયારણ પૂરું પાડવાનો છે. આ ઉપરાંત વિવિધ માધ્યમો દ્વારા ઘઉંની આધુનિક ખેતીપદ્ધતિ વિશે ખેડૂતોને જાણકારી આપવાની કામગીરી પણ કરવામાં આવે છે.

ભગવતસિંહ જાદોન