ઘઉં : માનવજાત માટે ડાંગર પછી ખોરાક તરીકે વપરાશમાં આવતો ખૂબ જ અગત્યનો ધાન્ય પાક. તે પોએસી (Poeceae) કુળમાંથી ઊતરી આવેલ છે. ટ્રિટિકમ પ્રજાતિ(Genus triticum)નો આ પાક વિવિધ જાતિઓ (species), જેવી કે ઍસ્ટિવમ, ડ્યૂરમ, ડાયકોકમ, મૉનોકોકમ, સ્પેલ્ટા આદિમાં વહેંચાયેલો છે. ઘઉંના પાકના ઉદભવસ્થાન વિશે હજુ સુધી એક ચોક્કસ સ્થાન નક્કી કરી શકાયું નથી. જૂની નોંધો પરથી જણાય છે કે તે ચીન, ઇજિપ્ત તથા સ્વિટ્ઝર્લૅન્ડના લોકોમાં અતિપ્રાચીન સમયથી જાણીતો છે. એમ માનવામાં આવે છે કે ઍબિસિનિયા ડ્યૂરમ ઘઉંનું મૂળ સ્થાન છે અને ઈશાન એશિયા બીજા વર્ગોના ઘઉંનું મૂળ સ્થાન છે. મોહેં-જો-દરોના ખોદકામ વખતે કાર્બનયુક્ત ઘઉંના કાળા દાણા મળી આવેલ છે જે ફલિત કરે છે કે ભારતમાં પાંચ હજાર વર્ષ પૂર્વે પણ ઘઉંનો પાક થતો હતો. શરૂઆતમાં ઘઉં તેની જંગલી અવસ્થામાં થતો હતો; પરંતુ તેમાં કાળક્રમે વિવિધ પેટાજાતો વચ્ચે કુદરતી સંકરણ થવાના કારણે હાલમાં વાવવામાં આવતી એસ્ટિવમ, ડ્યૂરમ તેમજ અન્ય જાતો અસ્તિત્વમાં આવી છે.
દુનિયામાં હાલમાં ઘઉંની વિવિધ પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવે છે : ટ્રિટિકમ પ્રજાતિમાં મૂળભૂત 7 (n = હેપ્લોઇડ) રંગસૂત્રો હોય છે. ડીપ્લોઇડમાં 14 (AA) રંગસૂત્રો; ટેટ્રાપ્લોઇડમાં 28 રંગસૂત્રો (AABB) અને હેક્ઝાપ્લોઇડમાં 42 રંગસૂત્રો (AABBDD) હોય છે. વિવિધ સંકરણો(hybridization)માંથી ઘઉંની પેટા જાતિઓ પેદા કરવામાં આવે છે; જેમ કે : (1) ટ્રિટિકમ એસ્ટિવમ(Triticum aestivum L. em. THELL)નાં રંગસૂત્રોની સંખ્યા 42 (2n = 42) છે અને AA BB DD જનીનપ્રકાર (genotype) ધરાવે છે અને ટ્રિટિકમ ડ્યૂરમ(Triticum durum DESF)માં 28 રંગસૂત્રો (2n = 28) અને AA BB જનીનપ્રકાર ધરાવે છે; તે મુખ્ય જાત છે. આ ઉપરાંત ટ્રિટિકમ ડાયકોકમ (Triticum dicoccum), ટ્રિટિકમ સ્પેલ્ટોઇડ (T. speltoid) જાતોનું વાવેતર પણ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. ભારત દેશમાં ઘઉંની ત્રણ પેટાજાતિઓનું વાવેતર કરવામાં આવે છે. તે પૈકી લગભગ 88 % વિસ્તારમાં એસ્ટિવમ ઘઉંનું વાવેતર થાય છે. દેશનાં લગભગ બધાં જ રાજ્યોમાં તે વવાય છે. આ ઘઉંને બ્રેડ વ્હીટ (ટુકડા ઘઉં) તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના આટામાંથી બ્રેડ અને રોટલી ખૂબ જ સારી ગુણવત્તાવાળી થાય છે; જ્યારે લગભગ 11 % વિસ્તારમાં ડ્યૂરમ ઘઉં જેને મૅકરોની વ્હીટ (દાઉદખાની) પણ કહે છે, તેનું વાવેતર થાય છે. તેમાંથી પેસ્ટ્રિની વાનગીઓ અને સ્પગેટી જેવી વાનગીઓ તેમજ લાડવા, સોજી, ભાખરી વગેરે વાનગીઓ સારી થાય છે. ડ્યૂરમ ઘઉંનું વાવેતર ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થાય છે. આ ઉપરાંત ખૂબ જ ઓછા વિસ્તારમાં ડાયકોકમનું પણ વાવેતર થાય છે; તેને ઇમર વ્હીટ (પોપટિયા) પણ કહે છે. આ પ્રકારના ઘઉંના દાણા ઉપર ફોતરી ચોંટેલી રહે છે અને દાણા છૂટા પાડવા માટે તેને ખાંડણિયામાં ખાંડવા પડે છે. આ પ્રકારના ઘઉંમાંથી લાપશી અને શીરા જેવી વાનગીઓ ખૂબ જ સારી અને મીઠાશવાળી થાય છે.
બીજા ધાન્ય પાકોની માફક ઘઉં પણ વાર્ષિક કે મોસમી છોડ છે. જમીનની ફળદ્રૂપતા અને આબોહવા અનુસાર તે 2થી 6 ફૂટ ઊંચો વધે છે. એનો કાંડ પોલો અને નળાકાર હોય છે અને ઊંબી બેસતાં તે લંબાય છે. પુષ્પજૂથનાં બનેલાં અનેક કણસલાંવાળું (spikelets) ઘીચ ઊંબી (compact spike) ઘઉંની પુષ્પશાખા છે. તે કણસલાં પર એકાંતરિત આવેલ હોઈ વાંકીચૂકી દેખાય છે. ઘઉંનું વર્ગીકરણ કરતી વખતે તેને સુળાખા અથવા મૂછો (awns) છે કે નહિ તે ધ્યાનમાં લેવાય છે. તેનો આ ગુણ આનુવંશિક છે. સામાન્ય રીતે ઘઉંનું ફલીકરણ સ્વપરાગીકરણથી જ થાય છે અને બીજા ધાન્ય પાકની માફક તેને જટામૂળ હોય છે.
દાણામાં રહેલ ગ્લુટિન પ્રોટીનની વિશિષ્ટ ભૌતિક તેમજ રાસાયણિક ગુણવત્તાને કારણે અન્ય ધાન્યો કરતાં ઘઉંમાંથી ખૂબ જ સારી ગુણવત્તાવાળી અને વધુ રોચક રોટલી કે બ્રેડ બને છે. પ્રોટીન ઉપરાંત કાર્બોહાઇડ્રેટ્સ, લિપિડો, ખનિજતત્વો અને પાણી એ ઘઉંના દાણાનાં મુખ્ય રાસાયણિક તત્વો છે. સામાન્ય રીતે તે તત્વોનું પ્રમાણ ઘઉંના આખા દાણામાં આ પ્રમાણે જોવા મળે છે : પ્રોટીન – 12 %; લિપિડો – 18 %; સ્ટાર્ચ – 58.5 %; રિડ્યુસિંગ સુગર – 2.0 %; સેલ્યુલોઝ – 2.3 %; પેન્ટોસન્સ – 6.6 %; રાખ – 1.8 %.
દાણામાં ભેજનું પ્રમાણ 15 % હોય ત્યારે આ પ્રમાણ જોવા મળેલ છે. ભાખરી, રોટલી, બ્રૅડ, સ્પગેટી, સેવ – એ ઉષ્ણકટિબંધના દેશોમાં ઘઉંની મુખ્ય વાનગીઓ છે. આ બધામાં (આથો આવેલી) બ્રેડ ખૂબ જ પ્રચલિત છે. ભારતમાં આથો આવેલ બ્રેડ અથવા તવા ઉપર તપાવી આગ ઉપર શેકવામાં આવેલી રોટલી ખૂબ જ પ્રચલિત ખોરાક છે. ગુજરાતમાં નાની અને પાતળી રોટલી બનાવવામાં આવે છે અને ઘી ચોપડીને પછી ખાવામાં આવે છે. આ ઉપરાંત ભાખરી અને પૂરી, સેવ, લાડુ અને શીરા જેવી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. આ સિવાય ઘઉંમાંથી બિસ્કિટની વિવિધ જાતો તૈયાર કરવામાં આવે છે. ઘઉંના ભૂસાનો ઉપયોગ ઢોરના ખોરાકમાં, હાર્ડબોર્ડ બનાવવામાં અને પેપર-ઉદ્યોગમાં થાય છે.
ઘઉંનું વાવેતર રવી પાક તરીકે શિયાળામાં કરવામાં આવે છે; આ પાકને ઠંડું વાતાવરણ માફક આવે છે. આ પાકની સંતોષકારક વૃદ્ધિ તેમજ દાણાના સારા વિકાસ માટે તેના વૃદ્ધિકાળ દરમિયાન ઠંડું અને ભેજવાળું વાતાવરણ તેમજ પાકવાનાં 6થી 8 અઠવાડિયાં દરમિયાન સૂકું, પ્રકાશવાળું અને ગરમ વાતાવરણ તેમજ સરેરાશ 18° થી 19° સેન્ટિગ્રેડ તાપમાન જરૂરી છે. દુનિયામાં મોટા પાયા ઉપર ઘઉં પકવતા દેશો 30°થી 60° ઉ. અ. અને 27°થી 40° દ. અ. વચ્ચે આવેલા છે. ઘઉંનો પાક દરેક પ્રકારની જમીનમાં અન્ય પાકોની સરખામણીએ ખૂબ જ સારી રીતે લઈ શકાય છે તેમજ દરિયાની સપાટીથી લઈને તિબેટ જેવા દેશમાં આશરે 4,250થી 4,600 મી.ની ઊંચાઈએ પણ તેનું વાવેતર કરવામાં આવે છે. રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, ભારત, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, કૅનેડા, ઇટાલી અને આર્જેન્ટિના ઘઉં પકવતા મુખ્ય દેશો છે.
ઘઉં ભારતનો ખૂબ જ પ્રાચીન પાક છે; પરંતુ આ પાકની સુધારણાની કામગીરી વર્ષો પર્યંત ખેડૂતો દ્વારા જ કરવામાં આવી. ખેડૂત પોતે પોતાની રીતે સારી લાગે તેવી જાત પોતાના ખેતરમાંથી પસંદ કરતો હતો. વનસ્પતિ-સંવર્ધન અંગેની વૈજ્ઞાનિક સમજ ગ્રેગર મેન્ડલના ‘આનુવંશિકતાના સિદ્ધાંતો’ જે 1900માં ફરીથી સંશોધિત કરવામાં આવ્યા ત્યારબાદ થઈ. ભારતમાં આધુનિક વૈજ્ઞાનિક સંશોધનની શરૂઆત 1905માં પુસા (બિહાર) ખાતે સ્થાપવામાં આવેલ ભારતીય કૃષિ અનુસંધાન પ્રતિષ્ઠાન (જે શરૂઆતમાં ઇમ્પીરિયલ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નામે ઓળખાતું હતું) તેમજ કેટલાંક રાજ્યોની ખેતીવાડી કૉલેજમાં ઘઉં સહિત અન્ય પાકોના સંશોધનની કામગીરી હાથ ધરવામાં આવી.
વીસમી સદીની શરૂઆતમાં જાણવા મળ્યું કે પાકસંવર્ધન જ પાકની સુધારણામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. તે સમયે ખેડૂતો આધુનિક ખેતી અપનાવી શકે એ પરિસ્થિતિમાં ન હતા તેમજ સંશોધનનું માળખું પણ એટલું વ્યવસ્થિત ન હતું કે ખેડૂતોને નક્કર પાયાનું જ્ઞાન આપી શકે. પણ સામાન્ય ખેડૂત નવી સુધારેલ જાત અપનાવવા માટે તૈયાર હતો કારણ કે ખેડૂત વર્ષોથી જે કાંઈ સુધારણાની પ્રક્રિયા કરતો હતો તેમાં બિયારણની બદલીની જરૂરિયાત પણ હતી. ઉપરની બાબતોને ધ્યાનમાં રાખી ઘઉંસુધારણાના પ્રાથમિક તબક્કામાં વધુ ઉત્પાદન આપતી જાતો અને વિવિધ પાક-પરિસ્થિતિમાં સારો દેખાવ કરી શકે તેવી જાતો તૈયાર કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ. સર આલ્બર્ટ હાવર્ડ અને તેમનાં પત્ની જી. એલ. સી. હાવર્ડના માર્ગદર્શન હેઠળ દેશમાં વિવિધ લક્ષણો ધરાવતી ઘઉંની જાતોનો વ્યાપક સંગ્રહ કરી સાદી પસંદગીની રીતે પ્રથમ નવી જાતો તૈયાર કરી અને તેમણે તૈયાર કરેલ જાત પુસા-4 ઝડપથી ભારત તેમજ દુનિયાના બીજા દેશોમાં પ્રચલિત થઈ. આ જાત વધુ ઉત્પાદનક્ષમતાવાળી છે અને વહેલી પાકે છે. વળી દાણાની સારી ગુણવત્તા ધરાવવાને કારણે વર્ષો સુધી તે બીજી જાતોની ચકાસણીમાં નિયંત્રણ (control) જાત તરીકે પણ ઉપયોગમાં લેવાતી હતી. ‘પુસા-4’ પછી ‘પુસા-6’ અને ‘પુસા-12’ જાતો પણ બહાર પાડવામાં આવેલી.
આ સમયે અમુક રાજ્યોમાં ઘઉંસંવર્ધકો પણ નવી જાતો તૈયાર કરવાના કામમાં લાગેલા હતા, જેના પરિણામે જે તે રાજ્યની જમીન અને આબોહવાને માફક આવે તેવી જાતો તૈયાર કરવામાં આવી. આમાં પંજાબ રાજ્યમાં ખૂબ જ આગળ પડતી કામગીરી હાથ ધરવામાં આવેલ અને ‘8 એ’ અને ‘9 ડી’ જેવી જાતો સાદી પસંદગીથી તૈયાર કરવામાં આવી; પરંતુ 1925માં ધાન્યશાસ્ત્રી રામધનસિંહે સંકરણની કામગીરી હાથ ધરી અને ઘઉંની જાતોની આખી શ્રેણી ઉત્પન્ન કરી; ‘સી–518’ જાત મજબૂત સાંઠો અને ઢળી પડવા સામે પ્રતિકારશક્તિ ધરાવતી હતી તેમજ ‘સી–591’ રોટલી માટે ઉત્તમ ગુણવત્તાના દાણા ધરાવતી હતી; તે ખૂબ જ પ્રચલિત થઈ. આ ઉપરાંત ‘સી–217’, ‘સી–228’, ‘સી–274’ અને ‘સી–231’ જાતો પણ બહાર પાડવામાં આવી. બીજું રાજ્ય તે જૂનો મુંબઈ પ્રાંત. તેનું મુખ્ય કેન્દ્ર નિફાડ ખાતે આવેલ; ત્યાં ડ્યૂરમ ઘઉંની ખૂબ જ પ્રચલિત ‘બંસી–202’, ‘મોતી’ અને ‘ગુલાબ’ જેવી જાતો પસંદગીથી તૈયાર કરવામાં આવી. ઉપરાંત સંકરણપદ્ધતિથી બ્રેડ વ્હીટની જાતો જેવી કે ‘નિફાડ-4’ અને ‘કૅન્ફાડ’ શ્રેણીની જાતો વિકસાવવામાં આવી. મધ્યપ્રદેશમાં પણ પસંદગીની રીતથી ‘ઓઓ’ શ્રેણીની જાતો તૈયાર કરવામાં આવી. ત્યારબાદ સંકરણનું કામ હાથ ધરવામાં આવ્યું. તેના પરિણામે ‘હાઈબ્રીડ-65’ જેવી જાતો વિકસાવવામાં આવી. ઉત્તરપ્રદેશમાં પણ સ્થાનિક જાતોમાંથી પસંદગીની રીતે ‘કે-13’ જાત વિકસાવવામાં આવી. ત્યારબાદ ‘કે-13’માંથી પસંદગીથી ‘કે-46’ જાત તૈયાર કરવામાં આવી. 1942માં રાજસ્થાન રાજ્યની સ્થાપના પછી ઘઉંસંવર્ધનની કામગીરી હાથ ધરવામાં આવી અને ‘આર એસ 31-1’ જેવી વહેલી પાકતી અને ભેજની ખેંચ સામે સારી પ્રતિકારશક્તિ ધરાવતી જાત વિકસાવવામાં આવી.
ઘઉંની જાતોના સુધારણાના પ્રાથમિક તબક્કામાં ઘઉંની સારી ગુણવત્તા તેમજ વધુ ઉત્પાદન આપતી જાતો તૈયાર કરવામાં આવી; પરંતુ તેમાં રોગ, જીવાત વગેરે ધ્યાનમાં લેવામાં આવ્યાં ન હતાં. સામાન્ય રીતે ઘઉંમાં જીવાતને કારણે વૃદ્ધિ ઉપર કોઈ માઠી અસર જણાતી નથી; પરંતુ રોગને કારણે પાક-ઉત્પાદન(production)માં ખૂબ જ ઘટાડો થાય છે. તે પૈકી ગેરુ રોગ મુખ્ય છે. ઘઉંમાં સળીનો કાળો ગેરુ (black rust), પાનનો ભૂરો (brown rust) તેમજ પીળો ગેરુ (yellow rust) – એમ ત્રણ પ્રકારના ગેરુ જોવા મળે છે. અન્ય દેશમાં ઉપરના ત્રણ ગેરુ પૈકી એક યા બે ગેરુથી પાકને નુકસાન થાય છે, જ્યારે ભારતમાં ત્રણેય ગેરુથી નુકસાન થાય છે. વળી દરેક ગેરુમાં ફૂગની વિવિધ જાતિઓ(races)ને કારણે ગેરુરોગપ્રતિકારક જાતોની સંવર્ધન કામગીરી ખૂબ જ જટિલ બની જાય છે. આ ગેરુરોગનો વિસ્તૃત અભ્યાસ કે. સી. મહેતાએ (આગ્રા કૉલેજ) કર્યો અને ભારતમાં ગેરુ રોગના વિવિધ પ્રકારો અને તે રોગના ફેલાવા વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી. વળી મુક્ત અંગારિયો (loose smut) અને કર્નાલબંટથી પણ પાકને નુકસાન થાય છે. આ પ્રકારના રોગો સામે પણ પ્રતિકારશક્તિ ધરાવતી જાતો વિકસાવવા માટે પણ જરૂરિયાત ઊભી થઈ.
અગાઉનાં વર્ષોમાં ભારત તેમજ વિશ્વના બીજા દેશોમાં ઘઉંની જે જાતો વિકસાવવામાં આવી તે વધુ ઊંચાઈ ધરાવતી અને ખાતરના વધુ પ્રમાણથી ઢળી પડે તેવી હતી, તેથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકતો ન હતો; પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન જ્યારે યુ.એસ.ના અંકુશમાં થોડો સમય માટે આવ્યું ત્યારે જનરલ મૅક આર્થરના હાથમાં વહીવટ હતો અને તેઓ સારું વૈજ્ઞાનિક જ્ઞાન પણ ધરાવતા હતા. તેમની ટુકડીના એક જીવવિજ્ઞાની ડૉ. સોલોમનના ધ્યાન ઉપર નૉરિન એક્સપેરિમેન્ટ સ્ટેશન (જાપાન) ઉપર વાવવામાં આવેલ ઘઉંની ઠીંગણી (બટકી) તેમજ લાંબી ઊંબીઓવાળી જાતો આવી. તેમને જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા અને તેના થોડા દાણા અમેરિકા લઈ જઈને ઘઉં-સંવર્ધકોને તેમની ફાળવણી કરી. આ બટકી જાતોના ઠીંગણાપણાના ગુણધર્મને ઉપયોગમાં લઈ વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના વિજ્ઞાની ઓ. વેગેલે, ‘ગેઇન્સ’ નામથી 1961માં અર્ધઠીંગણી જાત બહાર પાડી. આ જાત ‘વિન્ટર વ્હીટ’ની કક્ષાની જાત હતી. તે કક્ષાની જાતોને ફૂલ આવવાના સમયે દિવસ દરમિયાન 15 કલાક જેટલો લાંબો સૂર્યપ્રકાશ અને મધ્યમ તાપમાન જોઈએ છે. તે પ્રકારની પરિસ્થિતિ ફક્ત ઉષ્ણકટિબંધ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં જ પ્રવર્તમાન હોય છે. ભારતમાં ઘઉં શિયાળામાં વવાતા હોવા છતાં ટૂંકા પ્રકાશવાળા દિવસોમાં પણ ફૂલ આવે છે અને દાણા પણ તૈયાર થાય છે. આ પ્રકારના ઘઉં ‘સ્પ્રિંગ વ્હીટ’ની કક્ષામાં આવે છે.
રૉકફેલર ફાઉન્ડેશન અને મેક્સિકન ગવર્નમેન્ટ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામના સંયુક્ત કાર્યક્રમ હેઠળ ડૉ. નૉર્મન ઈ. બૉર્લોગે નોરિન ઘઉંના ઠીંગણા જનીનનો ઉપયોગ કરી સ્પ્રિંગ વ્હીટની અર્ધઠીંગણી જાતો લેર્મારોઝો–64એ, સોનોરા–63, સોનોરા–64 અને માયો–64 તૈયાર કરી 1963માં ભારતમાં ચકાસણી માટે મોકલી. ડૉ. બૉર્લોગ અને તેમના સહકાર્યકર્તાઓએ નવી જાતોમાં ઠીંગણાપણાના ગુણો ઉતાર્યા અને ઉપરાંત તે જાતો બહોળા વિસ્તારમાં માફક આવે તે માટે અભ્યાસ કરીને છોડ પસંદ કરવામાં આવ્યા. આ ઉપરાંત ગેરુરોગ સામે પ્રતિકારશક્તિ ધરાવતા ગુણો પણ ઉમેરવામાં આવ્યા, જેના કારણે મેક્સિકન ઠીંગણી જાતોમાં વધુ ઉત્પાદનક્ષમતા અને બહોળા વિસ્તાર માટેની અનુકૂળતા જેવા ગુણો આવ્યા; પરંતુ આ જાતોના દાણાનો રંગ લાલ હતો જે ભારતમાં ખેડૂતો તેમજ ગ્રાહકો પસંદ કરતા નથી, તેથી ડૉ. બૉર્લોગના સહયોગથી સોનેરી રંગના દાણાવાળી બે જાતો કલ્યાણ સોના અને સોનાલિકાને સામાન્ય વાવેતર માટે બહાર પાડવામાં આવી અને આ બંને જાતો ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર દેશમાં પ્રચલિત થઈ ગઈ. લગભગ ત્રણ દાયકા સુધી તેનું એક યા બીજાં રાજ્યોમાં વાવેતર થયું. આ મેક્સિકન અર્ધઠીંગણી જાતો રોગ સામે પ્રતિકારશક્તિ ધરાવે છે; પરંતુ તેમની ખેતી-પદ્ધતિ અગાઉની ઊંચી જાતો કરતાં જુદી હોવાથી વાવણી-સમય, વાવણી-અંતર, વાવણી-ઊંડાઈ, બિયારણ, ખાતરનું પ્રમાણ તેમજ પિયતનો સમય અને તેનું પ્રમાણ વગેરે બાબતો ઉપર વિવિધ અખતરા કરીને આધુનિક ખેતી-પદ્ધતિઓ વિકસાવવામાં આવી, જેથી વધુ ઉત્પાદન મેળવી શકાય. આ ઉપરાંત મેક્સિકન જાતોનો બહોળા પ્રમાણમાં સંકરણોમાં ઉપયોગ કરી વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા ધરાવતી અને રોગ સામે પ્રતિકાર કરતી અનેક જાતો વિકસાવીને ખેડૂતો માટે ભલામણ કરવામાં આવી, જેના ફળસ્વરૂપે 1950–51માં ભારતનું ઘઉંનું કુલ ઉત્પાદન અને હેક્ટરદીઠ કુલ ઉત્પાદકતા અનુક્રમે 63 લાખ મે.ટન અને 655 કિગ્રા. હતાં તે વધીને 1992–93માં 570 લાખ મે.ટન અને 2,322 કિગ્રા. થયેલ છે અને ભારત ઘઉં-ઉત્પાદન-ક્ષેત્રે સ્વાવલંબી બનેલ છે.
જૂના મુંબઈ રાજ્યમાં ઘઉંસંશોધનનું મુખ્ય કાર્ય નિફાડ (નાસિક) ખાતે થતું હતું. ગુજરાત પ્રદેશમાં અરણેજ મુકામે પેટાકેન્દ્ર હતું. તેની સ્થાપના 1940માં થઈ હતી. તે સમયે નિફાડ-4, કેનફાડ બંસી, અરણેજ–206, અરણેજ–624 જેવી ઘઉંની જાતો બહાર પડેલ, જે ગુજરાત પ્રદેશમાં પણ પ્રચલિત થયેલ.
ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના બાદ ઘઉંસંશોધનકાર્યમાં વેગ આવ્યો. 1944–45 પહેલાં વડોદરા રાજ્યે ઘઉં અને તમાકુ ઉપર સંશોધન કરવાનું કેન્દ્ર વિજાપુરમાં ચાલુ કર્યું, જે ત્યારબાદ ગુજરાત રાજ્યે વિકસાવ્યું. તે ઉપરાંત પિયત ઘઉં માટે જૂનાગઢ, વિજાપુર (મહેસાણા) તથા બારડોલી (સૂરત) મુકામે કેન્દ્રો સ્થપાયાં. બિનપિયત ઘઉં માટે રાષ્ટ્રીય કૃષિસંશોધન યોજના હેઠળ અરણેજ કેન્દ્રનો વિકાસ કરવામાં આવ્યો તથા ધંધૂકા (અમદાવાદ) અને તણછા (ભરૂચ) મુકામે નવાં કેન્દ્રો સ્થપાયાં. આ કેન્દ્રો પર ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા, નવી દિલ્હી, દ્વારા તૈયાર કરેલ ઘણી નવી જાતોની ચકાસણી કરીને રાજ્ય માટે ઉત્તમ જાત એન.પી.–824ની ભલામણ કરવામાં આવી જે ખૂબ જ પ્રચલિત થયેલ. ત્યારબાદ ઘઉંની મેક્સિકન જાતો વાવેતર હેઠળ આવી. કલ્યાણસોના અને સોનાલિકા જેવી જાતોની ગુજરાત રાજ્યમાં ચકાસણી કરી, વાવેતર માટે ભલામણ કરવામાં આવી તેમજ સાથોસાથ અર્ધઠીંગણી મેક્સિકન જાતોનો સંકરણમાં ઉપયોગ કરી જૂનાગઢ કેન્દ્ર તરફથી જે-17, જે-24 અને જે-40 જેવી જાતોની ભલામણ કરવામાં આવી. અરણેજ કેન્દ્ર પરથી જી.ડબ્લ્યૂ–1 નામની જાત મળી. આ સમયે અર્ધઠીંગણી જાતોનો સંકરણમાં ઉપયોગ કરી નિવૃત્ત વિજ્ઞાની ઝવેરભાઈ પટેલે, લોકભારતી સંસ્થા, સણોસરાની મદદથી લોક-1 નામની જાત વિકસાવી જે ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત થયેલ અને ઘણા સમય સુધી ગુજરાત રાજ્યમાં વાવેતર હેઠળ રહેલ. છેલ્લાં પાંચ વર્ષ (1989–1994) દરમિયાન ગુજરાત કૃષિ યુનિવર્સિટીના વિજાપુર કેન્દ્ર દ્વારા ઘઉંની જી.ડબ્લ્યૂ–496, જી.ડબ્લ્યૂ–503, જી.ડબ્લ્યૂ–190 અને જી.ડબ્લ્યૂ–173 નામની ચાર નવી જાતો બહાર પાડવામાં આવી છે. આ પૈકી જી.ડબ્લ્યૂ–190 અને જી.ડબ્લ્યૂ–173 ઘઉંની જાતોને ગુજરાત સિવાય મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશના બુંદેલખંડ વિસ્તાર માટે પણ ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ છે. ગુજરાત રાજ્યમાં જી.ડબ્લ્યૂ–496 અને જી.ડબ્લ્યૂ–503 જાતોને ખેડૂતોએ ખૂબ જ ઝડપથી અપનાવી લીધેલ છે અને આ જાતોએ લોક-1ની જગ્યા લીધેલ છે.
ઘઉંની નવી જાતો વિકસાવવાની કામગીરીની સાથોસાથ ગુજરાત કૃષિ યુનિવર્સિટીનાં વિવિધ કેન્દ્રો ઉપર ઘઉંની ખેતીને વધુ નફાકારક બનાવવાની નવી પદ્ધતિઓ પણ વિકસાવેલ છે, જેમાં ઘઉંની જાતનો અનુકૂળ વાવેતર-સમય, વાવેતરની નવી પદ્ધતિ, બિયારણનું પ્રમાણ, ખાતર અને પિયતનો કાર્યક્ષમ ઉપયોગ અને પાક-સંરક્ષણનાં પગલાં અગત્યનાં છે.
ગુજરાત રાજ્યના ઘઉંના દાણાની ગુણવત્તા ખૂબ જ સારી હોઈ બજારભાવ પણ વધારે મળે છે. માટે ઘઉંની નવી જાતો ગુણવત્તામાં સારી રહે અને ખેડૂતને વધુ નફો મળે તેવી આધુનિક પદ્ધતિ વિકસાવવાની ભલામણ કરવામાં આવે છે.
સંશોધનોનાં પરિણામોના ખેડૂતો દ્વારા બહોળા ઉપયોગથી ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1960માં રાજ્યમાં કુલ ઘઉં-ઉત્પાદન ફક્ત 3.54 લાખ મે.ટન હતું તે વધીને હાલમાં 16.26 લાખ મે.ટન થયેલ છે. તેવી જ રીતે હેક્ટરદીઠ ઘઉંની ઉત્પાદકતા 779 કિગ્રા./હેક્ટરથી વધીને પિયતવાળા વિસ્તારમાં 2,787 કિગ્રા./હેક્ટર થવા પામેલ છે. આમ ઘઉંની ઉત્પાદકતામાં રાજ્યમાં ત્રણ દાયકામાં સાડાત્રણ ગણો વધારો થયેલ છે. હાલમાં ઉ. ગુજરાતમાં વિઘે 55–60 મણ ઘઉં પકવી શકાય છે.
ઘઉંના રોગો (ફૂગજન્ય) : ઘઉંનો પાક લેતી વખતે થતા રોગો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘઉં શિયાળાનો અગત્યનો ધાન્ય પાક છે. તેમાં દર વર્ષે રોગનું પ્રમાણ વધતું જોવા મળે છે. રોગનું પ્રમાણ વધવાનાં મુખ્ય કારણો છે : વધુ ઉત્પાદન આપતી જાતો, પિયતનો વધારે પડતો ઉપયોગ, રાસાયણિક ખાતરનો વધારે વપરાશ અને ભેજવાળું હવામાન વગેરે. આ પાકમાં રોગ સામે પાકસંરક્ષણનાં ખૂબ જ ઓછાં પગલાં લેવામાં આવે છે. તેથી રોગને સાનુકૂળ વાતાવરણ મળે તો ખૂબ જ નુકસાન થાય છે. તેથી જે તે રોગને ઓળખી તેને માટે ભલામણ કરેલ દવાનો છંટકાવ કરવો જરૂરી બને છે.
(1) ઊગસૂકનો રોગ : આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થતો હોય છે. આ રોગમાં ધરુના મૂળમાં અથવા અંકુરમાં સડો લાગવાથી ધરુ ઊગ્યા પછી સાત-આઠ દિવસમાં સુકાઈ જતાં હોય છે. આ રોગની અસર સ્ફુરણ થયા બાદ 15 દિવસમાં જોવા મળે છે. આ રોગથી પાકમાં છોડની સંખ્યા ઘટી જાય છે. આથી હેક્ટરદીઠ ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
નિયંત્રણ : આ રોગ માટે બીજને માવજત આપવી ખાસ જરૂરી છે. બીજને વાવતાં પહેલાં 1 ટકાવાળી પારાયુક્ત દવાઓમાંથી એગ્રોસાન, સેરેસાન અથવા થાયરમ કે કૅપ્ટન જેવી કોઈ પણ એક દવાનો, એક કિલો બીજમાં 3થી 4 ગ્રામના પ્રમાણમાં પટ આપવાથી રોગને ફેલાતો અટકાવી શકાય છે.
(2) મુક્ત અંગારિયો : ફૂગથી થતો અંગારિયાનો રોગ ઘઉંની મેક્સિકન જાત એટલે કે સોનેરા-64 તથા શરબતી સોનારામાં જોવા મળે છે. પાકમાં જ્યાં સુધી ઊંબી ન આવે ત્યાં સુધી આ રોગની ખબર પડતી નથી કારણ કે આ રોગ બીજ દ્વારા વ્યવસ્થિત ફેલાતો હોવાથી શરૂઆતમાં જાણી શકાતો નથી; પરંતુ જ્યારે ઘઉંના પાકમાં ઊંબીઓ નીઘલવા લાગે છે ત્યારે ઊંબીની અંદર દાણાની જગ્યાએ કાળા રંગનો પાઉડર જોવા મળે છે અને દાણા બિલકુલ બેસતા નથી.
નિયંત્રણ : આ રોગને કાબૂમાં લેવા માટે ઘઉંના બીજને વાવતાં પહેલાં ફૂગનાશક દવાનો પટ આપી ઠંડા પાણીમાં ચાર કલાક પલાળ્યા બાદ ગૅલ્વેનાઇઝ્ડ પતરા ઉપર બીજને સૂર્યના તાપમાં બપોરના 12થી 3 વાગ્યા સુધી રહેવા દેવામાં આવે છે. આવી રીતે બે દિવસ કર્યા બાદ બીજને વાવવાના ઉપયોગમાં લેવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે.
(3) ગેરુ : ઘઉંના પાકમાં ત્રણ પ્રકારના ગેરુરોગ જોવા મળે છે, જેવા કે :
(ક) કાળો અથવા દાંડીનો ગેરુ
(ખ) બદામી અથવા પાનનો ભૂરો (કથ્થાઈ) ગેરુ અને
(ગ) પીળો અથવા પીળી પટ્ટીનો ગેરુ.
(ક) કાળો અથવા દાંડીનો ગેરુ : આ રોગ પાકની પાછળની અવસ્થામાં આવે છે. શરૂઆતમાં થડ, પાન અને ઊંબી પર ટપકાં જોવા મળે છે. આ ટપકાં પાછળથી એકબીજા સાથે ભળી જાય છે અને વિસ્તૃત થઈને લંબગોળ કથ્થાઈ રંગનાં ઊપસી આવેલાં બીજાણુફળ બને છે; પાછળથી તે ફાટવાથી કથ્થાઈ રંગના સૂક્ષ્મ બીજાણુઓ બહાર પડે છે. અસંખ્ય પ્રમાણમાં આવાં બીજાણુફળ ફાટવાથી પુષ્કળ પ્રમાણમાં બીજાણુઓ ફેલાય છે અને તંદુરસ્ત થડ, પાન, ઊંબી વગેરેમાં દાખલ થાય છે. રોગિષ્ઠ ભાગો દૂરથી લાલાશ પડતા કથ્થાઈ રંગથી સ્પષ્ટ ઓળખાઈ આવે છે. પાકની છેલ્લી અવસ્થામાં સહેલાઈથી નજરે પડે તેવાં લાંબાં ગાઢા કથ્થાઈથી કાળા રંગનાં અંતિમબીજાણુપુંજ (telutosorus) ઉત્પન્ન થાય છે. એકબીજાં સાથે તે ભળી જવાથી લાંબાં રેખામય કાળાં ચિહ્નોના પટ્ટા રૂપે જોઈ શકાય છે. રોગના કારણે છોડ ઠીંગણા રહે છે અને તેથી પૂળીઓની લંબાઈ ટૂંકી રહે છે અને ચીમળાઈ ગયેલા હલકા દાણા ઉત્પન્ન થાય છે.
(ખ) બદામી અથવા પાનનો ભૂરો (કથ્થાઈ) ગેરુ : રોગનાં પ્રારંભિક લક્ષણોમાં મોટા ભાગે પાન પર (દાંડી પર ભાગ્યે જ) છૂટાંછવાયાં, અતિ ઝીણાં, ગોળ, નારંગી કથ્થાઈ રંગનાં ઊપસી આવેલાં નિદાઘબીજાણુપુંજ (uredosorus) જોવા મળે છે. પાકવાની અવસ્થાએ તે ગાઢા કથ્થાઈ રંગનાં અંતિમ બીજાણુપુંજમાં રૂપાંતર પામે છે. તેમાં નાનાં કાળાશ પડતાં, અંડાકારથી રેખામય પ્રકારના અંતિમ બીજાણુઓ (telutospore) હોય છે. તે બાહ્ય ત્વચાથી ઢંકાયેલાં હોય છે.
નિયંત્રણ : (અ) રોગના નિયંત્રણ માટે સારામાં સારી પદ્ધતિ એ છે કે લોક-1, રાજ–1555, ડબ્લ્યૂ.એચ–283 અને ડબ્લ્યૂ.એચ–291 જેવી રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું. તેમ છતાં પણ રોગપ્રેરક નવી નવી દેહધાર્મિક જાતો ઉત્પન્ન થવાને પરિણામે રોગપ્રતિકારક જાતો પણ થોડાં વર્ષોમાં રોગગ્રાહ્ય બની જાય છે, તેથી જૂની જાતોની જગ્યાએ ભલામણ કરેલી નવી જાતોનો ઉપયોગ કરતા રહેવાય તે ઇષ્ટ છે.
(આ) રોગનાં ચિહનો દેખાવાની શરૂઆત થયે ઝાયનેબ (0.2 %) અથવા મૅન્ક્રોઝેબ(0.2 %)નો છંટકાવ કરવો જરૂરી છે. એ પછી દર 15 દિવસના અંતરે બીજા બે છંટકાવ પણ કરવાના રહે છે.
(ગ) પીળો અથવા પીળી પટીનો ગેરુ : પીળો ગેરુ ગુજરાત રાજ્યમાં ખાસ જોવા મળતો નથી; પરંતુ ઉત્તર ભારતના ઊંચા પર્વતીય પ્રદેશોમાં કાળા ગેરુ કરતાં પીળો ગેરુ વધુ નુકસાન કરે છે. પાન ઉપર તે આક્રમણ કરી પટ્ટી રૂપે ફૂગની વૃદ્ધિ કરી પીળા રંગના સૂક્ષ્મ બીજાણુ નિદાઘબીજાણુ તૈયાર કરે છે જે પાન પર પીળી પટ્ટીના આકારમાં હોવાથી તે પીળા ગેરુ કે પીળી પટ્ટીના ગેરુ તરીકે ઓળખાય છે. તે પાન, પર્ણદંડ, દાંડી અને દાણા પર પણ આક્રમણ કરે છે. આક્રમણવાળા દાણા ઊગતા નથી.
ત્રણેય ગેરુની ફૂગ તેનાં લક્ષણો પરથી યુરિડોસ્પૉર અને ટીલિયોસ્પૉર સૂક્ષ્મ બીજાણુના જેવા આકાર અને ફૂગના જીવનચક્રથી જુદી ઓળખી શકાય છે. આ ગેરુનો દ્વિતીય આશ્રયદાતા (host) ધરુહળદર નામની દ્વિદળ વનસ્પતિ છે, જે હિમાલયના પર્વતીય પ્રદેશોમાં ઊગે છે. આ દ્વિતીય આશ્રયદાતાને નિયંત્રણમાં લેવામાં આવે તો ગેરુનું ચક્ર અટકી જાય અને ઘઉં ઉપરના ગેરુના રોગનું નિયંત્રણ શક્ય બને. ગુજરાતમાં વાડમાં ઊગતી કેટલીક દ્વિદળ વનસ્પતિ/વેલા દ્વિતીય આશ્રયદાતા તરીકે વર્તે છે અને ગેરુનું જીવનચક્ર પૂરું કરવા મદદ કરે છે.
(4) ઘઉનાં પાનનો સુકારો : આ રોગ ઑલ્ટરનેરિયા ટ્રિટિસીના અને હેલ્મિન્થોસ્પૉરિયમ સટાઇવમ નામની ફૂગ દ્વારા થાય છે. વાવેતર કર્યા બાદ પાક 6–8 અઠવાડિયાંનો થયેથી રોગ દેખાવાની શરૂઆત થાય છે. તેમ છતાં પણ હેલ્મિન્થોસ્પૉરિયમ પ્રજાતિ દ્વારા થતો રોગ સાધારણ વહેલો જોવા મળે છે. રોગની શરૂઆત છોડનાં નીચેનાં પાન ઉપરથી થાય છે. પાન ઉપર સ્પષ્ટ ઘાટા ભૂખરા રંગનાં મર્યાદિત અંડાકાર ટપકાં જોવા મળે છે. તે પાછળથી વિકાસ પામીને અનિયમિત અને ચળકતી પીળી કિનારીવાળાં બને છે. કેટલાંક ડાઘા-ટપકાં એકબીજા સાથે ભળી એકરૂપ થઈને પાનનો ઘણોખરો વિસ્તાર આવરી લેવાને પરિણામે પાન સુકાઈ જાય છે. વધારે ભેજવાળું વાતાવરણ રોગના ફેલાવા માટે કારણભૂત બને છે. રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય તો દૂરથી ખેતર આગથી દઝાઈ ગયાં હોય તેવાં સુકાયેલાં લાગે છે.
નિયંત્રણ : (ક) રોગિષ્ઠ ખેતરમાંથી બીજ પસંદ કરાતું નથી. (ખ) રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવામાં આવે છે. (ગ) લિટર પાણીમાં મૅન્ક્રોઝેબ અથવા ઝાયનેબનું 2.5 ગ્રામ પ્રમાણ રાખી 6થી 8 અઠવાડિયાંનો પાક થયેથી છંટકાવ શરૂ કરે છે. દર 10 દિવસના અંતરે બીજા 2થી 3 છંટકાવ કરવામાં આવે છે.
(5) કૃમિ દ્વારા થતો ઈયર કોકલનો રોગ : આ રોગ કૃમિ દ્વારા થાય છે. છોડનું થડ જ્યાં જમીનને અડકતું હોય ત્યાં આ રોગ લાગ્યા પછી 20 થી 25 દિવસમાં તે કદમાં વધી જાય છે. પાન ચીમળાઈ જાય છે અને છોડ કદમાં નાના રહે છે અને એક છોડમાંથી બીજા ઘણા જ છોડ ફૂટી નીકળે છે અને ઊંબીમાં દાણા બેસતા નથી.
નિયંત્રણ : આ રોગને કાબૂમાં લેવા માટે બીજને 20 ટકાવાળા મીઠા અને પોટૅશિયમ ક્લોરાઇડના મિશ્રણમાં ડુબાડી ઉપર તરતી ગાંઠોને દૂર કરી બીજને વાવવાં પડે છે.
ભગવતસિંહ જાદોન
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ