ગ્રોશિયસ, હ્યૂગો (જ. 10 એપ્રિલ 1583, હોલૅન્ડ; અ. 28 ઑગસ્ટ 1645, રૉસ્ટોક, જર્મની) : આંતરરાષ્ટ્રીય કાયદાના પિતા. હોલૅન્ડમાં એક ગરીબ ધાર્મિક પરિવારમાં જન્મ. પિતા ધર્મશાસ્ત્રના વિદ્વાન હોવાથી હ્યૂગોને ધર્મગુરુ પાસે અભ્યાસાર્થે મોકલેલા. નાની વયથી જ અસાધારણ બૌદ્ધિક પ્રતિભા ધરાવતા હ્યૂગો 8 વર્ષની વયે તો લૅટિનમાં કરુણપ્રશસ્તિઓ (elegies) લખતા થઈ ગયેલા. 15 વર્ષની વયે એક રાજદૂત તેમને ફ્રાન્સ લઈ ગયા. તેના જ્ઞાનથી મુગ્ધ થઈ ફ્રાન્સના રાજા હેન્રી ચોથા તેમને ‘હોલૅન્ડના ચમત્કારિક પુરુષ’ કહેતા. તેઓ ગ્રીક અને લૅટિન ભાષામાં સુંદર કાવ્યો લખતા. 16 વર્ષની વયે તેઓ વકીલ બન્યા અને ઑર્લિયન્સ યુનિવર્સિટીએ તેમને ‘ડૉક્ટર ઑવ્ લૉઝ’ની
ઉપાધિ આપી. 1599માં તેમણે હેગમાં વકીલાત શરૂ કરી; પરંતુ સંસ્કારે ધાર્મિક હોઈ તેમને વકીલાતમાં ખાસ રસ પડ્યો નહિ. તેમની પસંદગીના વિષયો ઇતિહાસ અને ધર્મશાસ્ત્ર હતા. ઉપરાંત, તેઓ કાવ્યશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રના નિષ્ણાત હતા. 1601માં તેમની નિમણૂક ઇતિહાસસંશોધક તરીકે થઈ અને તેમને સ્પેનની ગુલામીમાંથી હોલૅન્ડની મુક્તિનો ઇતિહાસ લખવાનું કામ સોંપાયું. 1607માં તેઓ નાણાખાતાના ઍટર્ની જનરલ બન્યા. અને પછી તેમની નિમણૂક રોટરડામના મુખ્ય ન્યાયાધીશ તરીકે થઈ. 1613માં તેમને હોલૅન્ડના રાજદૂત તરીકે ઇંગ્લૅન્ડના રાજા જેમ્સ પહેલાના દરબારમાં મોકલવામાં આવ્યા. ત્યારબાદ કૅલ્વિનિસ્ટો અને પ્રૉટેસ્ટન્ટોના ઝઘડાના સંદર્ભમાં તે રાજકારણમાં પડ્યા. તે જમાનામાં તે બંને પંથવાળા કટ્ટર ધાર્મિક ઝનૂનથી એકબીજા સાથે ઝઘડતા હતા, જ્યારે ગ્રોશિયસનું વલણ સમાધાનકારી હતું. તે કેલ્વિનિસ્ટ હોવાથી હોલૅન્ડની સરકારે તેમને અને તેમની પત્નીને 1618માં આજીવન કેદની સજા કરીને લુવેસ્ટાઇનના કિલ્લામાં પૂર્યાં. ત્યાંથી તે બંને એક નોકરાણીની મદદથી ચોપડીઓની પેટીમાં સંતાઈને 1621માં ફ્રાન્સ ભાગી ગયાં. ફ્રાન્સમાં પણ તે કેલ્વિનિસ્ટ હોવાથી તેમને પ્રોફેસરની નોકરી ન મળી. પોતાનાં પુસ્તકોની ટાંચી આવકમાંથી તેમણે ત્યાં ઘણા દુ:ખના દહાડા વિતાવ્યા. ફ્રાન્સના રાજા લુઈ તેરમાએ તેમને પેન્શન બાંધી આપ્યું તે પણ તેમને નિયમિત મળતું નહિ. 1631માં ફરી તે પોતાના વતન રોટરડામ ગયા. પણ ત્યાં કારાવાસની ધમકીઓ મળવાથી ફરીથી ભાગીને સ્વીડન ગયા. તેમની વિદ્વત્તા અને કાયદાના જ્ઞાનથી પ્રભાવિત થઈને સ્વીડનની સરકારે તેમને પોતાના એલચી તરીકે 1634માં પૅરિસ મોકલ્યા. પણ તે કામ તેમને ગમ્યું નહિ અને તે સ્વીડન પાછા ફર્યા. પાછા ફરતાં રોટરડામ અને આમસ્ટરડામ શહેરોએ તેમનું ભાવભીનું સન્માન કર્યું અને સ્વીડનની રાણી ક્રિસ્ટિનાએ પણ તેમને માન આપ્યું પણ તેમને કોઈ હોદ્દો આપ્યો નહિ.
ફ્રાન્સમાં અભ્યાસકાળ દરમિયાન જ તેમણે રાજ્યશાસ્ત્રનું પુસ્તક ‘પોન્તીફે રોમાનસ’ (‘Pontifex Romanus’) 1598માં લખ્યું હતું. 18 વર્ષની વયે 1601માં તેમણે લૅટિન કાવ્યગ્રંથ ‘સેક્રો’ અને નાટક ‘એદમસ એક્સલ’ (‘Adam in Exile’) બહાર પાડેલ. જે વખતે સ્પેન અને પોર્ટુગલ જેવાં યુરોપનાં રાષ્ટ્રો અમુક અમુક મહાસાગરોને પોતાની આગવી માલિકીનાં ગણતાં ત્યારે 21 વર્ષની ઉંમરે તેમણે કુદરતી કાયદાના સિદ્ધાંત પર આધારિત ‘ઑન ધ લૉ ઑવ્ પ્રાઇઝ ઍન્ડ બૂટી’ નામનું પુસ્તક લખ્યું જેના એક પ્રકરણમાં તેમણે તમામ દેશો માટે ખુલ્લા દરિયાના વહાણવટાની સ્વતંત્રતાનું પ્રતિપાદન કર્યું.
તેમની ન્યાયવિદ તરીકેની કારકિર્દીનું શિરમોર પુસ્તક ‘દે જુર બેલી એ પેસિસ’ (ઑન ધ લૉ ઑવ્ વૉર ઍન્ડ પીસ) 1625માં બહાર પડ્યું. તેના આધારે દુનિયાભરના ઘણા ન્યાયવિદો તેમને આંતરરાષ્ટ્રીય કાયદાના પિતા ગણે છે. આ ગ્રંથમાં તેમણે કુદરતના કાયદાના સિદ્ધાંતને પુન:સ્થાપિત કરતાં પ્રતિપાદિત કર્યું કે રૂઢિ અને સંધિ ઉપરાંત કુદરતનો કાયદો પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો એક સ્વતંત્ર મૂળ સ્રોત છે. આ સિદ્ધાંતનો આધુનિક સમયમાં પણ ન્યૂરેમ્બર્ગ ખટલામાં તેમજ ઍમ્નિસ્ટી ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓનાં કાર્યોમાં સ્વીકાર થયેલો છે. આ ગ્રંથમાં તેમણે યુદ્ધ અને શાંતિના કાયદા ઉપરાંત, તે વખતની આંતરરાષ્ટ્રીય રૂઢિઓ અને સંધિઓનું વિશ્લેષણ કર્યું અને વિધિશાસ્ત્રના ઘણા સિદ્ધાંતોની પણ ચર્ચા કરી, જેથી તે આંતરરાષ્ટ્રીય કાયદાનું સર્વગ્રાહી પુસ્તક ગણાય છે. હ્યૂગોનો ‘કુદરતી કાયદો’ – (દ જુર પ્રૅદે) ધર્મ-આધારિત નથી પણ ધર્મનિરપેક્ષ બુદ્ધિ અને સામાજિક વ્યક્તિના તર્કયુક્ત સ્વભાવ પર નિર્ભર છે. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત તથા બીજી ઘણી અદાલતોએ યુદ્ધ, વ્યક્તિના મૂળભૂત હકો અને વ્યક્તિસ્વાતંત્ર્ય, નિયંત્રિત તટસ્થતા, શાંતિનો ખ્યાલ વગેરે વિવાદોમાં વારંવાર ગ્રોશિયસના સિદ્ધાંતોનો આધાર લીધેલો છે.
ગ્રોશિયસે રાજ્યની ધાર્મિક નીતિ પર પણ એક પુસ્તક લખ્યું હતું. તેમણે ગૉથ પ્રજાનો ઇતિહાસ અને પોતાના જ જીવન પર આધારિત નાટક ‘જોઝેફ ઍટ ધ કોર્ટ’ સહિત ઘણાં નાટકો તેમજ સુંદર લૅટિન કાવ્યો લખેલાં છે. લુવેસ્ટાઇનના કિલ્લાની કેદમાં તેમણે સાચા ખ્રિસ્તી જેવા ખલાસીઓના જીવન પર એક દીર્ઘકાવ્ય લખેલું જેનું અરબી અને ઉર્દૂ સહિત 13 ભાષામાં ભાષાંતર થયેલ છે. પાછળથી તેમણે તેનું ગદ્ય-રૂપાંતર પણ કરેલું.
આવા વિલક્ષણ પ્રતિભાવંત કવિ, સાહિત્યકાર, ધર્મનિષ્ઠ ન્યાયવિદનું અવસાન સ્વીડનથી પોતાના વતન પાછા ફરતાં તેમનું વહાણ ડૂબતાં થયેલી ઈજાથી થયું હતું.
છોટાલાલ છગનલાલ ત્રિવેદી