ગ્રોમીકો, આન્દ્રે આંદ્રેવિચ

February, 2011

ગ્રોમીકો, આન્દ્રે આંદ્રેવિચ (જ. 18 જુલાઈ 1909, સ્ટાર્યે ગ્રોમીકી, બાયલોરશિયા; અ. 2 જુલાઈ 1989, મૉસ્કો, સોવિયેત યુનિયન) : સોવિયેત સંઘના અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી, ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ તથા વિદેશનીતિના નિષ્ણાત. ખેડૂત કુટુંબમાં જન્મ. મિન્સ્ક ખાતેની કૃષિ શિક્ષણસંસ્થા તથા મૉસ્કો ખાતેની અર્થશાસ્ત્ર શિક્ષણસંસ્થામાં શિક્ષણ. 1936માં કૃષિ અર્થશાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કર્યા પછી 1939 સુધી મૉસ્કો વિશ્વવિદ્યાલયમાં અધ્યાપનકાર્ય કર્યું. તે જ અરસામાં સોવિયેત અકાદમી ઑવ્ સાયન્સીઝની અર્થશાસ્ત્રના સંશોધન માટેની સંસ્થામાં વરિષ્ઠ સંશોધન-વૈજ્ઞાનિક તરીકે સેવાઓ આપી તથા ‘વોપ્રોસી ઇકૉનૉમિકી’ સામયિકનું સંપાદન કર્યું. 1939માં વિદેશખાતામાં (diplomatic service) જોડાયા તથા વિદેશનીતિ અંગેની રાષ્ટ્રીય કાઉન્સિલની અમેરિકાને લગતી શાખાના વડા બન્યા. 1939–43 દરમિયાન સોવિયેત સંઘના વૉશિંગ્ટન ખાતેના રાજદૂતાલયના સલાહકાર (counsellor) અને 1943–46 દરમિયાન અમેરિકામાં રાજદૂત રહ્યા.

આન્દ્રે આંદ્રેવિચ ગ્રોમીકો

યુદ્ધોત્તર સુરક્ષા વ્યવસ્થા પર વિચારવિનિમય કરવા 1949માં યોજાયેલ ડંબાર્ટન ઑક્સ પરિષદમાં સોવિયેત સંઘના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. દરમિયાન તહેરાન, યાલ્ટા તથા પોટ્સડૅમ ખાતે યોજાયેલી મિત્રરાષ્ટ્રોની પરિષદોમાં પોતાના દેશ વતી હાજરી આપી. 1945માં સાન ફ્રાન્સિસ્કો ખાતે આયોજિત રાષ્ટ્રસંઘની પરિષદમાં સોવિયેત સંઘના પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે હાજર રહ્યા. 1946–49 દરમિયાન રાષ્ટ્રસંઘમાં સોવિયેત સંઘના પ્રમુખ પ્રતિનિધિની ફરજ બજાવી. 1952–53 દરમિયાન ઇંગ્લૅન્ડમાં રાજદૂત અને 1953માં દેશના નાયબ વિદેશપ્રધાન તથા 1954માં વિદેશખાતાના પ્રથમ નાયબ પ્રધાન નિમાયા. 1957–85ના ગાળામાં દેશના વિદેશપ્રધાન તરીકે કામ કર્યું અને એ રીતે 28 વર્ષના દીર્ઘકાળ સુધી વિદેશપ્રધાન રહેવાનો વિક્રમ સર્જ્યો. 1956માં સોવિયેત સામ્યવાદી પક્ષની મધ્યસ્થ સમિતિ તથા 1973માં પૉલિટબ્યૂરોના સભ્ય બન્યા. 1983માં મંત્રીમંડળમાં પ્રથમ ઉપાધ્યક્ષ તથા 1985–88 દરમિયાન દેશના પ્રમુખપદ પર કાર્ય કર્યું. તેઓ સામ્યવાદી પક્ષની રૂઢિવાદી અને કટ્ટરવાદી પાંખના રાજનીતિજ્ઞ ગણાતા હતા.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી સોવિયેત સંઘના નેતૃત્વ હેઠળના સામ્યવાદી દેશો અને અમેરિકાના નેતૃત્વ હેઠળના પશ્ચિમના દેશો વચ્ચે ચાર દાયકા કરતાં પણ વધુ સમય સુધી ચાલુ રહેલા ઠંડા યુદ્ધનું સામ્યવાદી જૂથ વતી કઠોરતાથી સંચાલન કરવાનો તેમના પર આક્ષેપ હતો, જેને લીધે ગૉર્બાચૉફની ખુલાવટ(ગ્લાસનૉસ્ટ) અને માળખાગત સુધારા(પેરેસ્ટ્રૉઇકા)ની નીતિના પરિણામે જે કેટલાક સોવિયેત નેતાઓને સહન કરવું પડ્યું તેમાં ગ્રોમીકો પણ હતા. 1988માં પ્રમુખપદેથી મુક્ત કરવામાં આવ્યા પછી અવસાન (1989) સુધી તેઓ એક અદના નાગરિક તરીકે મૉસ્કોમાં જીવન ગાળતા રહ્યા.

તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન છ વાર તેમને ‘ઑર્ડર ઑવ્ લેનિન’ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે