ગ્રોપિયસ, વૉલ્ટર (જ. 18 મે 1883, બર્લિન, જર્મની; અ. 5 જુલાઈ 1969, બૉસ્ટન, યુ.એસ.) : આધુનિક સ્થાપત્યકલા માટે વિશ્વવિખ્યાત પ્રયોગશીલ સ્થપતિ ‘બાઉહાઉસ’ વિચારધારાના ઉદગાતા સ્થાપત્ય-શિક્ષક. જર્મનીના પાટનગર બર્લિનના મધ્યમ વર્ગના સ્થપતિ વૉલ્ટર
ઍડૉલ્ફના પુત્ર. પિતાએ એમને મ્યૂનિકની ટૅકનિક હોકશુલના સ્થાપત્યની તાલીમ માટે મૂક્યા, પછી વિયેનામાં તાલીમ પામેલ જાણીતા સ્થપતિ પીટર બેહરેન્સની સંસ્થાના મુખ્ય મદદનીશ તરીકે કામ શરૂ કર્યું. ત્યાં એમના સહકર્મીઓમાં પછી જાણીતા બનેલા લૂદવિક મીઝવાન ડર રોહ અને લા કાર્બૂઝિયે પણ હતા. ગ્રોપિયસે સૌપ્રથમ પગરખાંના એક કારખાનાની ડિઝાઇન કરી. એની સફળતા અને ખ્યાતિ પછી એમને જર્મનીના કોલોનમાં રેકબન્ડ પ્રદર્શન-સ્થળની ડિઝાઇનની જવાબદારી સોંપાઈ. બે સંસ્થાઓમાં સ્થાપત્યકલાની તાલીમ આપતાં આપતાં એમણે ‘બાઉહાઉસ’ તાલીમ સંસ્થા શરૂ કરી જેમાં સ્થાપત્યકલાની તાલીમને સર્વાંગીણ નવું કલેવર મળ્યું; દેશવિદેશોમાં એની વિચારધારાને પ્રતિભાવ મળ્યો. 1937માં તેમણે હાર્વર્ડની ડિઝાઇન સ્કૂલના વડા તરીકે કામ શરૂ કર્યું હતું અને 1952થી કેમ્બ્રિજમાં સ્થપતિ તરીકે સ્વતંત્ર કારકિર્દી શરૂ કરી હતી.
મન્વિતા બારાડી