ગ્રૉસ ડેવિડ જોનાથન (જ. 19 ફેબ્રુઆરી 1941, વૉશિંગ્ટન ડી.સી., યુ.એસ.) : અમેરિકન કણ-ભૌતિકવિજ્ઞાની (particle physicist), રજ્જુ સિદ્ધાંતકાર (string theorist) અને ફ્રેન્ક વિલ્ઝેક અને ડેવિડ પોલિટ્ઝરની ભાગીદારીમાં વર્ષ 2004ના નોબેલ પુરસ્કારના વિજેતા. ઉપગામી (અનંતસ્પર્શી) સ્વતંત્રતા(asymptotic freedom)ની શોધ બદલ તેમને આ પુરસ્કાર મળ્યો છે.
તેમની કિશોરાવસ્થામાં તેમનો પરિવાર ઇઝરાયલમાં જઈને વસ્યો. ત્યાં તેમને પોતાને બિલકુલ અજાણી એવી ભાષા હિબ્રૂમાં અધ્યયન માટે મૂકવામાં આવ્યા, પણ ત્યાં તેઓ ભૌતિકવિજ્ઞાનથી આકર્ષાઈને તે જ ક્ષેત્રને વળગી રહ્યા. માત્ર 13 વર્ષની વયે તેમણે સૈદ્ધાંતિક ભૌતિક-વિજ્ઞાની બનવાનો નિર્ણય કર્યો હતો.
ગ્રૉસે જેરૂસલેમની હિબ્રૂ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી મેળવી. 1966માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તે પછી હાર્વર્ડ યુનિવર્સિટીમાં જુનિયર ફેલો તરીકે અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું.
1973માં, પ્રિન્સ્ટન યુનિવર્સિટી ખાતે, તેમના પ્રથમ સ્નાતક વિદ્યાર્થી ફ્રેન્ક વિલ્ઝેક સાથે સંશોધનકાર્ય કરતાં કરતાં ઉપગામી સ્વતંત્રતાની શોધ કરી. તેને આધારે તેઓ દર્શાવે છે કે ક્વાર્કસ જેમ વધુ નજીક હોય તેમ તેમની વચ્ચેની પ્રબળ આંતરક્રિયા (અથવા વર્ણવીજભાર [color charge]) મંદ પડે છે, જ્યારે ક્વાર્કો અત્યંત સમીપ આવે છે ત્યારે તેમની વચ્ચેનું ન્યૂક્લિયર બળ એટલું બધું નબળું પડી જાય છે કે તેથી કણો લગભગ સ્વતંત્ર બની જાય છે. ડેવિડ પોલિટ્ઝરે સ્વતંત્ર રીતે શોધેલ, ઉપગામી સ્વતંત્રતા ક્વૉન્ટમ-વર્ણગતિ વિજ્ઞાન(chromodynamics)ના વિકાસ માટે ખાસ મહત્વ ધરાવે છે.
1987માં મૅક્આર્થર ફાઉન્ડેશન ફેલોશિપ મળી, 1988માં ડિરાક ચંદ્રક અને બીજાં પદકો તથા ઍવૉર્ડ પણ તેમને એનાયત થયાં છે.
હાલમાં તેઓ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના કાવલી ઇન્સ્ટિટ્યૂટ ફૉર થિયરેટિકલ ફિઝિક્સ(સાન્તા બાર્બરા)ના નિયામક અને ફ્રેડરિક ડબ્લ્યૂ. ગ્લક સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન–સ્વાધ્યાયપીઠ(chair)ના અધ્યક્ષ છે.
પ્રહલાદ છ. પટેલ