ગ્રેવ્ઝ, રૉબર્ટ (જ. 24 /26 જુલાઈ 1895, વિમ્બલડન, લંડન; અ. 7 ડિસેમ્બર 1985, મૉનોકો) : અંગ્રેજી કવિ, નવલકથાકાર અને વિવેચક. આયર્લૅન્ડના લેખક એ. પી. ગ્રેવ્ઝના પુત્ર. લંડનની ચાર્ટરહાઉસ શાળામાં અભ્યાસ. પ્રથમ વિશ્ર્વયુદ્ધને કારણે 1914માં અભ્યાસ છોડી રૉયલ વેલ્સ ફૂસિલિયર્સમાં જોડાયા અને લશ્કરની કામગીરીનો અનુભવ મેળવ્યો. 1919માં ફરીથી અભ્યાસ અર્થે ઑક્સફર્ડ સેન્ટ જ્હૉન કૉલેજમાં જોડાયા. 1926માં સ્નાતક થયા. તે જ વર્ષે તે સમયની ઇજિપ્શિયન અને હાલની કૅરો યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક થયા. 1954માં કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં ક્લાર્ક લેક્ચરર તરીકે અને 1961થી 1966 સુધી પ્રોફેસર ઑવ્ પોએટ્રી તરીકે સેવાઓ આપેલી.
ઑક્સફર્ડની સેન્ટ જ્હૉન કૉલેજમાં અન્ય કવિમિત્રોની પ્રેરણાથી આર્થિક મુશ્કેલી હોવા છતાં લેખક બનવાનું નક્કી કરેલું. 1916માં એમની પ્રથમ કૃતિ ‘ઓવર ધ બ્રેસિયર’ બહાર પડેલી. 1925માં બી. લિટ્. માટે ‘પોએટિક અનરીઝન ઍન્ડ અધર સ્ટડીઝ’ વિવેચનલેખ લખેલો. 1920થી 1925 સુધી પ્રત્યેક વર્ષે એમણે એક કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો હતો. 1921માં પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા પછી તેમણે મૅજોર્કામાં કાયમી વસવાટ કરેલો. સ્પેનના આંતરવિગ્રહ અને બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન થોડો સમય મૅજોર્કામાંથી બહાર જવું પડેલું.
અમેરિકન કવયિત્રી લૉરા રીડિંગ સાથે ‘સરવે ઑવ્ મૉડર્નિસ્ટ પોએટ્રી’ 1927માં પ્રકાશિત કરેલું. કવિ અને કાવ્યજ્ઞ તરીકે ગ્રેવ્ઝે શુદ્ધ કવિતાનો આદર્શ સેવેલો. તેમની ર્દષ્ટિએ શુદ્ધ કવિતામાં અંગત ઊર્મિ અને નૈતિક ખ્યાલોને સ્થાન નહોતું.
વૈવિધ્યપૂર્ણ શૈલીમાં લખાયેલી એમની ઐતિહાસિક નવલકથાઓમાં ‘ફર્સ્ટ ક્લૉડિયસ’ (1934) અને ‘કાઉન્ટ બેલિસેરિયસ’ (1938) કૃતિઓએ એમને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવેલી. આમાંની પ્રથમ કૃતિને હોથોર્ડન પારિતોષિક અને જેમ્સ ટેઈટ બ્લૅક પારિતોષિક એનાયત થયેલાં. ‘ક્લૉડિયસ ધ ગૉડ’ (1934), ‘ધ સ્ટોરી ઑવ્ મેરી પોવેલ : વાઇફ ટુ મિ. મિલ્ટન’ (1943), ‘ધ ગોલ્ડન ફ્લીસ’ (1944), ‘કિંગ જિસસ’ (1946) વગેરે એમની અન્ય નવલકથાઓ છે.
ગ્રેવ્ઝનાં પ્રકાશિત થયેલાં કાવ્યોમાં વિદ્વત્તાની એકસરખી ગુણવત્તા અને શ્રેષ્ઠ ઊર્મિકાવ્યોમાં જણાતો વિનોદ સાનંદ આશ્ચર્ય પ્રગટાવે તેવાં છે. 1968માં ગ્રેવ્ઝને સાંસ્કૃતિક ઑલિમ્પિક્સમાં સુવર્ણચંદ્રક અને કવિતા માટે ક્વીન્સ ગોલ્ડ મેડલ એનાયત થયા હતા. ‘ધ ક્રાઉનિંગ પ્રિવિલેજ’ (1958) અને ‘ફૂડ ફૉર સેન્ટૂર્સ’(1960)માં ગ્રેવ્ઝના વિવેચનાત્મક નિબંધો અને પ્રવચનો સંગ્રહાયેલાં છે. ‘ધ કૉમન આસ્ફોડેલ’ (1949) એમનો અન્ય નિબંધસંગ્રહ છે.
‘ધ વ્હાઇટ ગૉડેસ’ (1948), ‘ધ ગ્રીક મિથ્સ’ (1955), ‘હિબ્રૂ મિથ્સ’ (રાફેલ સાથે, 1964) વગેરેમાં પુરાકલ્પનો અને ખ્રિસ્તી પરંપરાનો અભ્યાસ છે.
ગ્રેવ્ઝના બાલ્યકાળના અને યુદ્ધના અંગત અનુભવોને વર્ણવતી ‘ગુડબાય ટુ ઑલ ધૅટ’ (1929, 1957) આત્મકથનાત્મક સ્વરૂપની શિષ્ટ કૃતિ ગણાઈ છે.
તેમના કાવ્યસંગ્રહોમાં ‘કલેક્ટેડ પોએમ્સ’ (1955, 1959, 1961, 1975), ‘મોર પોએમ્સ’ (1961), ‘ન્યૂ પોએમ્સ’ (1963) અને ‘પોએમ્સ 1970–1972’ (1973) વગેરે છે.
‘ઑન ઇંગ્લિશ પોએટ્રી’(1922)માં કાવ્યસર્જન એ કવિ ગ્રેવ્ઝ અને તેમની સમકાલીન માંદી સંસ્કૃતિ માટે ઊર્મિમય ઉપચાર છે એ સિદ્ધાંતનું વિસ્તૃત વિવરણ મળે છે.
કાવ્ય વિશેના ગ્રેવ્ઝના છેલ્લામાં છેલ્લા વિચારોનું નિરૂપણ ‘ઑક્સફર્ડ લેક્ચર્સ ઑન પોએટ્રી’(1962)માં મળે છે.
ઑમર અલી શાહ સાથે તેમણે કરેલું ભાષાંતર ‘ધ રુબાયત ઑવ્ ઓમર ખય્યામ’ 1967માં પ્રકાશિત થયું હતું. અન્ય અનુવાદ અને રૂપાંતરમાં ‘ઇલિયડ’, ‘ગોલ્ડન ઍસ’ (1949), ‘સિવિલ વૉર્સ’ (1956), ‘ટ્વેલ્વ સિઝર્સ’ (1956) અને ‘કૉમેડીઝ’ (1962) વગેરે મળે છે.
સ્પૅનિશ ટાપુ મૅજોર્કામાં ઘણાં વર્ષો રહ્યા છતાં ગ્રેવ્ઝે પોતાની કવિતામાં ઍંગ્લો-આઇરિશ પ્રણાલીને જ સાચવી છે. 1968માં કાવ્યસર્જન માટે એમને સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
ધીરુ પરીખ