ગ્રેસ (જ. 1939, નાગપુર; અ. 26 માર્ચ, 2012, પુણે) : મરાઠી કાવ્યસૃષ્ટિમાં ‘ગ્રેસ’ તખલ્લુસથી જાણીતા બનેલા અગ્રણી મરાઠી કવિ અને ગીતકાર. એમનું મૂળ નામ માણિક ગોડઘાટે. સમગ્ર શિક્ષણ નાગપુર ખાતે લીધું હતું. મરાઠી વિષય સાથે બી.એ. અને એમ.એ.ની પદવીઓ મેળવ્યા પછી ત્યાંની મૉરિસ કૉલેજમાં મરાઠીના અધ્યાપક નિમાયા. તેમની વિશિષ્ટ પ્રકૃતિ અને મિજાજના કારણે તેઓ એકલવાયું જીવન જીવતા હોય છે એવી તેમના વિશેની પ્રચલિત છાપ છે; પરંતુ હકીકતમાં તેમનો સ્વભાવ અફલાતૂન છતાં આત્મમગ્ન છે. રોજ પરોઢિયે સાડા ત્રણ વાગ્યે ઊઠીને નાગપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા ઑફિસર્સ ક્લબમાં જઈને ત્યાંના સ્વિમિંગ પુલમાં નાહવાનો તેમને ભારે શોખ છે.

તેમના અત્યાર સુધીનાં પ્રકાશનોમાં ‘ચંદ્રમાઘવીચે પ્રદેશ’, ‘સંધ્યામગ્ન પુરુષાચી લક્ષણે’, ‘મૃગજળાચે બાંધકામ’, ‘સંધ્યાકાળચ્યા કવિતા’, ‘રાજપુત્ર અને ડાર્લિંગ’, ‘સંધ્યાપ્રકાશાતીલ વૈષ્ણવી’ ‘સાંજભરાચ્યા સજણી’, ‘મિતવા’ અને ‘વાવ્યાચે હલતે રાન’ ઉલ્લેખનીય છે.

તેમની મોટા ભાગની કાવ્યરચનાઓ ગેય સ્વરૂપની હોય છે; જે મરાઠીના વિદ્યમાન જાણીતા સંગીતકારોએ સ્વરબદ્ધ કરી છે અને અગ્રણી ગાયક-ગાયિકાઓએ તેને કંઠ આપ્યો છે.

તેમને 2010માં નાગ ફાઉન્ડેશનનો ‘નાગ ભૂષણ પુરસ્કાર’ એનાયત થયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે