ગ્રેપફ્રૂટ (ચકોતરું) : દ્વિદલા વર્ગનું રુટેસી કુળનું 6થી 14 મીટર ઊંચાઈ ધરાવતું નાનું વૃક્ષ. શાસ્ત્રીય નામ Citrus paradisi Malf. દ્રાક્ષની જેમ તેનાં ફળ લૂમમાં ઊગતાં હોવાથી તે ગ્રેપફ્રૂટ તરીકે ઓળખાય છે. ઘણા દેશોમાં નાસ્તામાં તેનો ઉપયોગ થતો હોવાથી તેને ‘બ્રેકફાસ્ટ ફ્રૂટ’ પણ કહે છે. તેનું મૂળ વતન વેસ્ટ ઇન્ડીઝ છે; પણ આજે ઘણા દેશોમાં તેનું વાવેતર કરવામાં આવે છે. ભારતમાં તેનું વાવેતર દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થાય છે. ગ્રેપફ્રૂટના સહસભ્યોમાં કાગદી લીંબુ, મીઠાં લીંબુ, સંતરાં, મોસંબી, તુરંજ વગેરેનો સમાવેશ થાય છે. તેનો પર્ણદંડ પર્ણસશ (foliate) હોય છે. પાંદડાના અક્ષ(axil)માંથી તેનાં ફૂલો એકલ તેમજ સમૂહમાં ઊગે છે. ફળો ગોળ અથવા તો સહેજ લંબગોળ હોય છે. તેની છાલ લીલી, કોમળ અને ચળકાટવાળી હોય છે. પાક્યા પછી તે પીળી બને છે. માવો સફેદ અથવા તો ગુલાબી રંગનો અને સ્વાદમાં ખટમીઠો હોય છે. તેમાં લોહ અને વિટામિન હોય છે. વળી તે ક્ષુધાવર્ધક હોવાથી તેના માવામાં ખાંડ ઉમેરીને નાસ્તામાં ખવાય છે. તે મલેરિયા અને પિત્તપ્રકોપના દર્દીઓ માટે હિતકારક ગણાય છે. તેનો રસ શરદી મટાડે છે. તેના રસમાંથી મદ્ય બનાવાય છે.

ગ્રેપફ્રૂટ

ગ્રેપફ્રૂટના રોગો : ગ્રેપફ્રૂટ કેટલાક વિસ્તારમાં અગત્યનો રોકડિયો પાક છે, જે સાધારણ હવામાન અને સારી નિતારવાળી રાતી જમીનમાં સારો થાય છે. તેને ભેજવાળું હવામાન માફક આવતું નથી. કેટલીક ફૂગો ગ્રેપફ્રૂટમાં રોગો કરી ઝડપથી ફેલાઈ ખૂબ જ નુકસાન કરે છે. તેના કેટલાક રોગ નીચે મુજબ છે :

(1) પીંછછારો : Plasmopara viticola નામની ફૂગથી થતો આ રોગ દુનિયાના દરેક પ્રદેશમાં જોવા મળે છે. રોગગ્રસ્ત છોડના દરેક નવા નાજુક ભાગમાં આક્રમણ કરે છે. શરૂઆતમાં નાજુક નવા પાનની ઉપરની સપાટી પર તે ઝાંખાં પીળાં ધાબાં કરે છે અને તેની નીચેના ભાગમાં સફેદ ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. તે નીચેની સપાટીએ ઝડપથી ફેલાઈ અને ઉપરની સપાટી પર ધાબાં કરે છે. ફૂગની વૃદ્ધિ નીચેની બાજુને ઝડપથી આવરી લેતાં પાન ભૂખરાં થઈ, કરમાઈ સુકાઈ જાય છે. થોડા દિવસોમાં નવી ડાળીની કૂંપળો પર આક્રમણ કરી પાણીપોચા જખમો કરે છે અને ફૂગની સફેદ વૃદ્ધિ દેખાય છે. કૂંપળો કરમાઈ સુકાઈ જાય છે. આ સમયમાં ફૂલ અને ફળ પર આક્રમણ થતાં, ફૂગની વૃદ્ધિ થાય છે અને ફૂલ અને ફળ ભૂખરાં થતાં છાલ જાડી થઈ ચીમળાઈ ખરી પડે છે.

બોર્ડો મિશ્રણનો પ્રથમ છંટકાવ છોડની છટણી કરી, બીજો છંટકાવ સંપૂર્ણ વૃક્ષની વૃદ્ધિ સમયે, ત્રીજો છંટકાવ ફૂલ આવવાના સમયે, ચોથો છંટકાવ ફળ બેસે પછી અને છેલ્લો છંટકાવ ફળ ઉતારવાના 10થી 15 દિવસ પહેલાં કરવાથી રોગને અટકાવી શકાય છે.

(2) ભૂકીછારો : Uncinula nector નામની ફૂગથી થતો આ રોગ ગ્રેપફ્રૂટ ઉગાડતા દરેક પ્રદેશમાં જોવા મળે છે. જે દર વર્ષે નુકસાન કરે છે. આ રોગ સામે અગમચેતી રાખી ફૂગનાશકના છંટકાવ વિના પાક લેવો શક્ય નથી.

આ ભૂકીછારાની ફૂગ પાન, ડાળી, ફૂલ અને ફળ પર આક્રમણ કરે છે. રોગની શરૂઆત કુમળા પાનની બંને બાજુ સફેદ ધાબાંથી થાય છે, જે ઝડપથી વધીને પાનની બંને સપાટી આવરી લઈને સફેદ બીજાણુની ભૂકીના સ્વરૂપમાં જોવા મળે છે. આક્રમણવાળાં પાન સમય જતાં ભૂખરાં સફેદ થાય છે. આક્રમિત પાન વળી જાય અને વૃદ્ધિ ન થતાં નાનાં રહી બેડોળ દેખાય છે. આક્રમિત ડાળી ભૂખરી થઈ ઘેરા ભૂખરા રંગની થઈ સુકાય છે.

ફૂલગુચ્છમાં આક્રમણ થતાં ફૂલના ભાગો પર ફૂગની સફેદ છારી જોવા મળે છે. આ ફૂલ ખરી પડે છે. ફૂલની દાંડી ભૂખરી થઈ, ફૂલ ખરી પડતાં ફક્ત ફૂલની વાંઝણી દાંડી જ જોવા મળે છે. નાના ફળની છાલ ઘેરી ભૂખરી થઈ વૃદ્ધિ બરાબર ન થતાં નાની અને બેડોળ થઈ જાય છે. કેટલીક વાર છાલ ફાટી જાય છે.

સલ્ફરની ભૂકીનો પ્રથમ છંટકાવ નવી કૂંપળો બે અઠવાડિયાંની થતાં, બીજો છંટકાવ ફૂલો આવે તે પહેલાં અને ફળો અડધાં પરિપક્વ થતાં ત્રીજો છંટકાવ કરવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે. બોર્ડોમિશ્રણ કે રીડોમીલનો છંટકાવ પણ ઉપયોગી છે.

(3) કાલવ્રણ : Gloeosporium ampolophagum નામની ફૂગથી થતો આ રોગ ગ્રેપફ્રૂટ ઉગાડતાં આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિળનાડુ રાજ્યમાં દર વર્ષે નુકસાન કરે છે. આ ફૂગ ડાળી, નવી કૂંપળો, પાન અને ફળ પર આક્રમણ કરે છે. પાન પર આ ફૂગ આક્રમણ કરી નાનાં ગોળ ટપકાંની મધ્યમાં ઘેરા ભૂખરા રંગનું કેન્દ્ર અને પીળા રંગવાળી કિનારીનાં ટપકાં કરે છે. આ ટપકાંના મૃતકોષો અથવા પેશીઓ સુકાઈને ખરી પડે છે જેનાથી પાનમાં ગોળી વડે છિદ્ર પડ્યું હોય એવાં લક્ષણો પાછળની અવસ્થામાં જોવા મળે છે. આક્રમિત ડાળી અને નવી કૂંપળો પર અનિયમિત કાળાં ગોળ ટપકાં થાય છે અને પાછળથી તે ઊપસી સડેલી ગાંઠ (સોજા) રૂપે વિકસે છે. તે ફળ પર ગોળ ભૂખરા રંગનાં ટપકાં કરે છે જે પક્ષીની આંખ જેવાં દેખાય છે. તેથી કેટલાક પ્રદેશમાં પક્ષીની આંખના રોગના નામે તે ઓળખાય છે. આ ફૂગ આક્રમિત ફળમાં સીમિત ન રહેતાં માવામાં પણ દાખલ થાય છે, જેને લીધે ફળનો સડો થતાં ખૂબ જ નુકસાન કરે છે.

આ ફૂગ ડાળીની છટણી કરવા છતાં, આક્રમિત ડાળીમાં એક ઋતુથી બીજી ઋતુ સુધી સુષુપ્ત અવસ્થામાં જીવંત રહે છે, જે નવી ઋતુમાં નવી કૂંપળો નીકળતાં પ્રથમ આક્રમણ કરી રોગ ફેલાવે છે અને દ્વિતીય આક્રમણ ફૂગના બીજથી પવન મારફત ફેલાય છે. પવન સાથેનું ગરમ અને વરસાદવાળું વાતાવરણ રોગોના ફેલાવા માટે ખૂબ જ અનુકૂળ છે. આ ફૂગમાં બીજાણુઓ એકલિંગી અને દ્વિલિંગી એમ બંને રીતે પેદા થાય છે.

પીંછછારા માટેનો બોર્ડોમિશ્રણનો છંટકાવ આ રોગને કાબૂમાં રાખવા કેટલેક અંશે મદદરૂપ થાય છે. બોર્ડોમિશ્રણના ચાર જેટલા છંટકાવ છટણીથી શરૂ કરી ફળ પરિપક્વ થાય ત્યાં સુધીમાં કરવા જરૂરી છે. ગ્રેપની નવી વાવણી માટે રોગિષ્ઠ બગીચામાંથી રોપણી માટે ડાળીઓ પસંદ ન કરવાથી રોગનિયંત્રણને મદદ થાય છે.

આ ઉપરાંત ગ્રેપફૂટમાં થતા અન્ય રોગો જેવા કે : (1) કાળો સડો જે Guiganardia bidwellii નામની ફૂગથી થાય છે, તેમાં ફળ પર કાળાં ઝીણાં ટપકાં થાય છે. (2) P. vitis નામની ફૂગ પાન પર ગેરુના ફોલ્લા કરે છે જેથી પાનના કોષો અને પેશીઓનું મૃત્યુ થવાથી પાન ખરી પડે છે. (3) ભૂખરાં ટપકાંનો રોગ Cercospora viticola નામની ફૂગથી થાય છે જે પાન પર ચોક્કસ ખૂણાવાળાં ટપકાં અને કૂંપળો પર અનિયમિત ટપકાં કરે છે. આ ભૂખરાં ટપકાં અને કાળો સડો બોર્ડોમિશ્રણથી નિયંત્રણમાં આવે છે.

મ. શિ. દૂબળે

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ