ગ્રેનેડા (Grenada) : વિન્ડવર્ડ ટાપુઓના ભાગરૂપ, દક્ષિણ અમેરિકાથી 150 કિમી. દૂર આવેલ સ્વતંત્ર રાજ્ય. ભૌગોલિક સ્થાન : 12° 05´ ઉ. અ. અને 61° 40´ પ. રે.. તે કૅરિબિયન સમુદ્રમાં આવેલા ગ્રેનેડાના મુખ્ય ટાપુ અને કેરિયાકૂ અને પેટી માર્ટિનીક નામના બે નાના ટાપુઓનું બનેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 344 ચોકિમી. છે, જે પૈકી ગ્રેનેડાનું 311 ચોકિમી. ક્ષેત્રફળ છે.

ગ્રેનેડા

આ ટાપુના મધ્યભાગમાં શંકુ આકારના મુખવાળો સુષુપ્ત જ્વાળામુખી પર્વત છે. તેનું શિખર 840 મી. ઊંચું છે. પર્વતવાળો ભાગ ગાઢ જંગલથી છવાયેલો છે. અહીં સાગ અને મેહૉગનીનાં વૃક્ષો છે. ડુંગરાળ પ્રદેશમાં અનેક ઝરણાં અને સરોવરો આવેલાં છે. નદીની ખીણોની થોડી સપાટ જમીન ફળદ્રૂપ છે.

અહીં ઉષ્ણકટિબંધ જેવી ગરમ ને ભેજવાળી આબોહવા છે. સરેરાશ તાપમાન 23° સે. છે. નૈર્ઋત્યના ડુંગરાળ પ્રદેશમાં જૂનથી નવેમ્બર દરમિયાન 1,000 મિમી.થી 4,190 મિમી. જેટલો વરસાદ પડે છે. સૌથી વધુ વરસાદ નવેમ્બરમાં પડે છે.

સૂરણ, શકરિયાં, કોળું, વટાણા અને મકાઈ ખાદ્ય પાકો છે. નિકાસ માટે કોકો, જાયફળ, જાવંત્રી અને કેળાંનું વાવેતર થાય છે. અહીં ખનીજોનો અભાવ છે. ઉદ્યોગો મુખ્યત્વે ખાદ્ય વસ્તુઓની પ્રક્રિયાને લગતા છે. રમ, બિયર પણ બનાવાય છે. ખેતી મુખ્ય વ્યવસાય છે. આ સિવાય પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસી રહ્યો છે. અહીં 600 કિમી. લાંબા રસ્તા છે. રેલવે નથી.

2021 મુજબ બૃહ્દ ગ્રેનેડાની કુલ વસ્તી આશરે 1,04,980 છે.. તે પૈકી 75% હબસીઓ હતા. આ સિવાય મિશ્ર જાતિની પ્રજા અને થોડા ભારતીયો છે. હબસીઓને ગુલામ તરીકે સત્તરમીથી ઓગણીસમી સદી દરમિયાન ખેતીમાં મજૂર તરીકે લવાયા હતા. 1830માં ગુલામી પ્રથા બંધ થતાં પૂર્વ ભારતમાંથી અમુક મુદત માટેની શરત સાથે ભારતીયો વસાવાયા છે. તેઓ ગિરમીટિયાના વંશજો છે. મોટા ભાગના લોકો રોમન કૅથલિક અને ઍંગ્લિકન ચર્ચના અનુયાયીઓ છે. ભારતીયો મુખ્યત્વે હિંદુઓ છે. અહીં ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષા બોલાય છે. 17 ટકા લોકો શહેરોમાં અને 83% ગ્રામવિસ્તારમાં રહે છે.

અનાજ, ખોરાકી ચીજો તથા ઔદ્યોગિક માલ આયાત થાય છે. નિકાસ કરતાં આયાત વધારે છે. પૂર્વ કૅરિબિયન ડૉલરનું અહીં ચલણ છે.

ગ્રેનેડા ટાપુનું દૃશ્ય

આ ટાપુના મૂળ નિવાસીઓ કૅરિબ ઇન્ડિયનોની વસ્તી હવે નામશેષ થઈ ગઈ છે. 1498માં સર્વપ્રથમ યુરોપિયનો કોલમ્બસના આગમન સાથે આવ્યા હતા. તે વખતે તે ટાપુ સ્પેનને તાબે હતો; પરંતુ 1650માં ફ્રેન્ચોએ પ્રભુત્વ સ્થાપ્યું. ઈ. સ. 1763 અને 1783ની ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે થયેલી સંધિ મુજબ ઇંગ્લૅન્ડ આ ટાપુનું માલિક બન્યું હતું. 1958 સુધી ગ્રેનેડા વેસ્ટ ઇન્ડીઝ સમવાયતંત્રના ભાગરૂપ બ્રિટિશ કૉલોની હતું. 1967માં તેને ‘બ્રિટિશ એસૉશિયેટ’ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો અને આંતરિક સ્વશાસનનો લાભ મળ્યો હતો. 7–2–1974 થી તેને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો છે. તેનો વહીવટ પાર્લમેન્ટરી પદ્ધતિથી ચાલતો હતો. 1974ના માર્ચમાં અહીં ક્રાંતિ થઈ હતી.

‘ન્યૂ જ્વેલ મૂવમેન્ટ’ના નેજા નીચે ક્રાંતિ કરીને ડાબેરી વલણ ધરાવતા બિશપ મૉરિસે સત્તા કબજે કરી હતી. ઑક્ટોબર, 1983માં ક્રાંતિકારીઓના એક વિભાગે બિશપને પદભ્રષ્ટ કરીને સત્તા હાંસલ કરી હતી.

આ સત્તાપલટો અમેરિકાની સરકારને અનુકૂળ ન લાગતાં પ્રમુખ રેગને 6,000 અમેરિકન સૈનિકો તથા 300 કૅરિબિયનમાંનાં સાત રાજ્યોના લશ્કર સાથે ગ્રેનેડા ઉપર આક્રમણ કરી તેની ઉપર કબજો જમાવ્યો હતો.

શિવપ્રસાદ રાજગોર