ગ્રૅનાઇટીકરણ : ગ્રૅનાઇટ નામથી ઓળખાતા અંત:કૃત ઉત્પત્તિવાળા ઍસિડિક અગ્નિકૃત ખડકની ઉત્પત્તિની એક વિવાદાસ્પદ સમસ્યા. ગ્રૅનાઇટ ખડક સંપૂર્ણ સ્ફટિકમય કણરચનાવાળો હોય છે અને ખનિજ ઘટકો અપૂર્ણ પાસાદાર હોય છે. તેના બંધારણમાં રહેલાં ખનીજોમાં ક્વાર્ટ્ઝ (10 % કે તેથી વધુ), આલ્કલી ફેલ્સ્પાર (ઑર્થોક્લેઝ, માઇક્રોક્લિન), આલ્બાઇટ પ્લેજિયૉક્લેઝ, બાયૉટાઇટ, મસ્કોવાઇટ તેમજ અન્ય અનુષંગી ખનીજો રહેલાં હોય છે; અને તે બધાં નરી આંખે કે ર્દગકાચની મદદથી જોઈ ઓળખી શકાય તેમ હોય છે.

આ ખડકની ઉત્પત્તિ માટે બે મંતવ્યો પ્રચલિત છે : એક મંતવ્ય પ્રમાણે ગ્રૅનાઇટની ઉત્પત્તિ મૅગ્માની સ્ફટિકીકરણની ક્રિયાથી થાય છે; બીજા મંતવ્ય પ્રમાણે તે મૅગ્માજન્ય ઉત્પત્તિવાળો ગણાતો નથી; પરંતુ ગ્રૅનાઇટીકરણની પ્રક્રિયાથી ઉત્પન્ન થતો માનવામાં આવે છે. ગ્રૅનાઇટીકરણની પ્રક્રિયામાં ઘન ખડકો મૅગ્માની અવસ્થામાંથી પસાર થયા વિના ગ્રૅનાઇટ લક્ષણવાળા ખડકસ્વરૂપમાં પરિવર્તન પામે છે.

ગ્રૅનાઇટીકરણની પ્રક્રિયા સમજાવવા માટે ઊંડાણમાં દટાઈ ગયેલા ખડકોનું પુનર્ગલન કે વિકૃતિ અને પૃથ્વીના પેટાળમાંથી મોટા પ્રમાણમાં આવતા પ્રવાહી કે વાયુરૂપ પ્રવહનની અસરોને કારણભૂત ગણવામાં આવે છે. વેગ્મૅન નામના ખડકશાસ્ત્રીએ સૂચવ્યું છે કે ગ્રૅનાઇટીકરણ વિવિધ પ્રકારના ખડકોમાં થતો એક એવો ફેરફાર છે જેમાં છેવટે ગ્રૅનાઇટ કે નાઇસ લક્ષણવાળા ખડકો ઉદભવે છે. ગ્રૅનાઇટીકરણના આ ફેરફાર માટે વેગ્મૅને ‘આંતરકણ પ્રવાહી’ને મહત્વ આપ્યું છે. ગ્રૅનાઇટીકરણને ઉચ્ચ કક્ષાની વિકૃતીકરણની પ્રક્રિયા માનવામાં આવે છે.

ગ્રૅનાઇટીકરણમાં એવી કક્ષાનો સમાવેશ થાય છે કે જેમાં મિગ્મેટાઇટ નામથી ઓળખાતો ખડક અસ્તિત્વમાં આવે છે. મિગ્મેટાઇટ જેવા મિશ્ર પ્રકારના ખડકમાં ગ્રૅનાઇટ બંધારણવાળો ઘટક સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે