ગ્રેનેડા 3 (Granada 3) : સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું પાટનગર. અગાઉના સમયમાં અરબી ભાષામાં તે ‘ગરનાતા’ તરીકે ઓળખાતું હતું. આ શહેર 37° 10´ ઉ. અ. અને 3° 36´ પ. રે.ની આજુબાજુનો 88 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સમુદ્ર-સપાટીથી 738 મીટરની ઊંચાઈએ વસેલું આ શહેર સિયેરા નેવાડા પર્વતીય હારમાળાથી ઘેરાયેલું છે. તે બીરો, ડારો અને જેનિલ નદીઓના સંગમસ્થાને આવેલું છે.

આ શહેર ખેતીની પેદાશોનું મુખ્ય વેપારી મથક છે. દારૂ, સાબુ, કાગળ, ગાલીચા અને ગરમ વસ્ત્રો બનાવવાના એકમો અહીં આવેલા છે. અહીંની કુલ વસ્તીના માત્ર 3.3 % લોકો જ સ્પેનનું નાગરિકત્વ ધરાવે છે. અહીંના 31 % જેટલા લોકો દક્ષિણ અમેરિકામાંથી આવીને વસેલા છે. 1531માં સ્થપાયેલી ગ્રેનેડા યુનિવર્સિટીનું મહત્વ વધુ છે. તેની વસ્તી 2,37,929 (2007) જેટલી છે.

અલહમરા(રાતો મહેલ)ની અદભુત ઇમારતો અહીંનું સૌથી મોટું આકર્ષણ છે; તેના રંગીન નળિયાં અને ટાઇલ્સ વર્ષો પછી પણ આજે એવાં જ સુંદર રહ્યાં છે. તે મૂર લોકોની શ્રેષ્ઠ સ્થાપત્યરચના ગણાય છે. કેટલાક મૂર લોકોના આવાસો તથા ફર્ડિનાન્ડ બીજા તેમજ ઈસાબેલા પ્રથમની રેનેસાં કેથીડ્રલમાંની કબરો અને ચાર્લ્સ પાંચમાની અધૂરી કબર અહીંનાં જોવાલાયક સ્થળો છે.

અલહમરા (રાતો મહેલ)

ઇતિહાસ : સ્પેનની દક્ષિણે આવેલા ગ્રેનેડા પ્રાંતના પાટનગર ગ્રેનેડા પાસે પ્રાચીન રોમન શહેર વસ્યું હતું. ઈ. સ. 1031માં કોર્ડોવાની ઉમૈયા ખિલાફતના પતન પછી, ગ્રેનેડા પર સ્થાનિક સત્તા હતી. ઈ. સ. 1154થી ઉત્તર આફ્રિકાના અલ્મોહેડ વંશના શાસકોએ 1229 સુધી સત્તા ભોગવી. ત્યારપછી ગ્રેનેડા નસરીદ વંશનું પાટનગર બન્યું. આ વંશના શાસકોએ 250 વર્ષ રાજ્ય કર્યું. તે દરમિયાન કલા, વિજ્ઞાન અને આર્થિક ક્ષેત્રે વિકાસ થયો. મૂર લોકોની સત્તાનો 1492માં અંત આવ્યો અને ગ્રેનેડામાં સ્પેનની સત્તા સ્થપાઈ.

ઈ. સ. 1569માં મોરીસ્કો(ખ્રિસ્તી થયેલા મુસ્લિમો)નો બળવો કચડી નાખવામાં આવ્યો. યહૂદીઓને તથા મોરીસ્કોને શહેરમાંથી દૂર કરવામાં આવ્યા. 19મી સદીમાં ઔદ્યોગિક વિકાસ થયો અને રેલવે શરૂ થઈ; એટલે શહેરનો વિકાસ થયો. ગ્રેનેડામાં ઉદ્દામોના કેટલાક બળવા થયા. 1936થી 1939ના આંતરવિગ્રહ પછી રાષ્ટ્રવાદીઓએ શહેર કબજે કર્યું. ખાંડ, ફર્નિચર, ચામડાના માલના ઉદ્યોગોને લીધે ગ્રેનેડાનો આધુનિક વિકાસ થયો. તે વેપાર તથા કલા અને પ્રવાસનનું પણ કેન્દ્ર છે.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ