ગ્રૅમ્પિયન પર્વતમાળા : સ્કૉટલૅન્ડની મુખ્ય પર્વતમાળા. 56° ઉ. અક્ષાંશ તેમજ 2° પ. રેખાંશથી 6° પ. રેખાંશ વચ્ચે આવેલ છે. આ પર્વતમાળા નૈર્ઋત્યથી ઈશાન બાજુએ 241.35 કિમી. સુધી વિસ્તરેલી છે. આ પ્રાચીન પર્વતશ્રેણી નાઇસ, શિસ્ટ અને સ્લેટ ખડકોના પ્રકારથી બનેલી છે. આ પર્વતમાળા પર બહુ લાંબા કાળ સુધી બરફનું આવરણ હતું, તેને કારણે શિખરો પરના ઘસારાને કારણે શિખરો ગોળાકાર બની ગયાં છે. આ પર્વતમાળાનો ઢાળ પશ્ચિમથી પૂર્વ તરફનો છે. સર્વસામાન્ય ઊંચાઈ સમુદ્રસપાટીથી 610થી 914 મીટરની વચ્ચે છે. બેન નેવિસની ઊંચાઈ 1331 મીટર છે. તે બ્રિટિશ ટાપુઓમાં આવેલું સૌથી ઊંચું શિખર છે. સ્કૉટલૅન્ડમાં આવેલ વાયવ્ય અને મધ્યની પર્વતમાળા ગ્લેન મોરની ઘાટી વડે છૂટી પાડે છે. પશ્ચિમ કિનારા પર પર્વતમાળા ખૂબ ખાંચાખૂંચીવાળી હોવાને કારણે ફિયોર્ડ બન્યાં છે.
ગિરીશ ભટ્ટ