ગ્રેવિલિયા : દ્વિબીજ દલાના કુળ Proteaceaeનું 10થી 12 મી. ઊંચું ઠીક ઠીક ઝડપથી વધતું વૃક્ષ. અં. silver oak; ગુ. રૂપેરી ઓક. તેનું લૅટિન નામ Grevillea robusta Cunn છે. ઝાડનું ગ્રેવિલિયા નામ વનસ્પતિશાસ્ત્રી C. F. Grevilleના સંભારણા રૂપે છે. તે વૃક્ષની અન્ય જાતો ફક્ત ઠંડા પ્રદેશમાં પાંગરે છે. તે ઠીક ઠીક ઝડપથી વધતું હોવાથી કોઈ જગ્યાએ જીવંત આડશ કે દીવાલ ઊભી કરવા માટે ઓછા અંતરે આના છોડ રોપીએ તો ધારી અસર ઉત્પન્ન કરી શકાય છે.

તે મૂળ ઑસ્ટ્રેલિયાનું વતની હોવા છતાં ગુજરાતમાં શોભાના વૃક્ષ તરીકે વવાય છે. તેનાં ફર્ન જેવાં પાન 15થી 30 સેમી. લાંબાં, લીલાંછમ અને નીચેની બાજુએ આછા લીલા રૂપેરી રંગનાં હોય છે. ઝાડનો ઘાટ શંકુ આકારનો મોહક હોય છે છતાં તે કોનિફર નથી. આબુ જેવાં ઊંચાણવાળાં સ્થળોએ તે કેસરી રંગનાં ફૂલ કલગી(raceme)માં વસંત ઋતુથી શરૂ કરીને ઉનાળાના અંત (માર્ચથી મે) સુધી આકર્ષક લાગે છે.

નાના છોડ શોભાયમાન હોવાથી કૂંડામાં, બગીચામાં અને રસ્તાની બન્ને બાજુએ તેની હાર (avenue) સુંદર લાગે છે. ગરમી અને ભારે વરસાદથી કૉફીના છોડને બચાવવા ગ્રેવિલિયાના વૃક્ષની નીચે તેની સાચવણી કરવાથી તેનો સારો વિકાસ થાય છે.

તેના પુષ્પમાં ચાર પરિપુષ્પપત્રો (pepals) નલિકા રચે છે, ચાર પુંકેસરો પરિપુષ્પપત્રોની સામે આવેલાં હોય છે. બીજાશય એક જ સ્ત્રીકેસરનું બનેલું હોય છે. બીજાશયમાં ઘણા અંડકો ચર્મીય અથવા એકાકી અને લટકતા હોય છે. આથી વર્ગીકરણ કરવામાં વિદ્વાનોને આ કુળની જાતિનો વિકાસ આલેખવામાં મૂંઝવણ થાય છે.

દક્ષિણ ભારતના મહાન ગર્ભવિજ્ઞાની એસ. બી. કૌશિકે 1942માં ક્રમિક છેદો (serial sections) ઉપરાંત પૂર્ણ સ્થાપન(whole mounts)ની નવી પદ્ધતિ વિકસાવીને ગ્રેવિલિયાના ભ્રૂણપોષ-(endosperm)માં ચૂષકાંગ(haustorium)નો વિકાસ સૌ પ્રથમવાર દર્શાવ્યો. તેને પરિણામે દેહધર્મવિદ્યામાં પદાર્થોના સ્થળાંતરનું નવું જ પ્રકરણ ઉમેરાયું છે.

મ. ઝ. શાહ