ગ્રૂન્બર્ગ, પીટર એન્ડ્રિયાઝ (Grunberg, Peter Andreas) [જ. 18 મે 1939, પિલ્સેન (ઝેક રિપબ્લિક) અ. 7 અપ્રિલ 2018, યુલિશ, જર્મની] : જર્મન ભૌતિકવિજ્ઞાની. તેમને આલ્બર્ટ ફર્ટની ભાગીદારીમાં 2007નો નોબેલ પુરસ્કાર મળ્યો. ગીગાબાઇટ હાર્ડ ડિસ્ક ડ્રાઇવની સફળતા માટે જવાબદાર બૃહત્કાય ચુંબકીય અવરોધની શોધ, જોગાનુજોગ, ગ્રૂન્બર્ગ અને ફર્ટે એક જ સમયે પણ સ્વતંત્રપણે કરી.
યુદ્ધ બાદ તેમનો પરિવાર નજરકેદમાં હતો. તેમનાં માતા-પિતાને લશ્કરી છાવણી(camp)માં ગોંધી રાખવામાં આવેલ. તેમના પિતા જન્મે રશિયન અને વ્યવસાયે ઇજનેર હતા. તેઓ 27 નવેમ્બર, 1945માં ઝેક (Czech) જેલમાં મૃત્યુ પામ્યા અને વિલ્સેનની સામૂહિક કબરમાં દફનાવવામાં આવ્યા. તે પછી ગ્રૂન્બર્ગના પરિવાર અને બીજા જર્મનોને ચેકોસ્લોવૅકિયામાંથી તગેડી મૂકવામાં આવ્યા. ગ્રૂન્બર્ગ સાત વર્ષની વયે જિમ્નેશિયમમાં જોડાયા.
1962માં જોહાન વુલ્ફગૅન્ગ ગ્યૂઇથે (Goethe) યુનિવર્સિટી-(ફ્રૅન્કફર્ટ)માંથી તેમણે ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ તેઓ ડર્મસ્ટેડ (Darmstadt) યુનિવર્સિટી ઑવ્ ટૅક્નૉલૉજીમાં જોડાયા. ત્યાંથી ભૌતિકવિજ્ઞાનમાં 1966માં ડિપ્લોમા મેળવ્યો અને 1969માં
પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1969–72 દરમિયાન ઓટાવાની કાર્લેટન યુનિવર્સિટી(કૅનેડા)માં પોસ્ટ-ડૉક્ટરલ સંશોધનકાર્ય કર્યું. ત્યારબાદ જુલિક (Jülich) રિસર્ચ સેન્ટરના ઘનાવસ્થાભૌતિકવિજ્ઞાનના ઇન્સ્ટિટ્યૂટ સાથે તેઓ જોડાયા. અહીં તેમણે પાતળી ફિલ્મ (thin film) અને બહુસ્તરીય ચુંબકત્વ (multilayer magnetism) ઉપર મોખરાનું સંશોધનકાર્ય નિવૃત્તિ સુધી કર્યું. 1988માં તેમણે બૃહત્કાય ચુંબકીય અવરોધીય ઘટના (Giant megnetoresistive effect – GMR) શોધી. GMR ઘટના આલ્બર્ટ ફર્ટે તે જ સમયે સ્વતંત્રપણે શોધી હતી. તે આધુનિક હાર્ડ ડિસ્ક ડ્રાઇવમાં વ્યાપક રીતે વપરાય છે. GMR ઘટનાનો બીજો ઉપયોગ અબાષ્પશીલ ચુંબકીય યાર્દચ્છિક અભિગમન સ્મૃતિતંત્ર(magnetic random access memory)માં પણ થાય છે.
વળી નોબેલ પુરસ્કાર ઉપરાંત તેમના ક્ષેત્રના સંશોધન માટે દેશ-વિદેશના કેટલાય પ્રતિષ્ઠિત ઍવૉર્ડ, પુરસ્કાર, માન-અકરામ અને ફેલોશિપ તેમને મળ્યાં છે.
પ્રહલાદ છ. પટેલ