ગ્રીન, ગ્રેહમ (જ. 2 ઑક્ટોબર 1904, બર્કમસ્ટેડ, હાર્ટફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 3 એપ્રિલ 1991, વેવે, સ્વિટ્ઝર્લૅન્ડ) : અંગ્રેજી નવલકથાકાર અને નાટ્યકાર. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ. તેમણે 1926માં રોમન કૅથલિક ચર્ચને અપનાવ્યું જે તેમના જીવનનો કેન્દ્રવર્તી બનાવ ગણી શકાય.
તેમની પ્રથમ કૃતિ ‘ધ મૅન વિધિન’ નામની નવલકથા હતી, જે 1929માં પ્રગટ થઈ. આમાં પીછો, પાપભાન, દગો, નિરાશા જેવા એકથી વધુ વિષયો છેડાયા છે જે એમની આ પછીની કૃતિઓમાં પડઘાતા રહ્યા. ‘સ્ટૅમ્બૂલ ટ્રેન’ (1932) એમની પ્રથમ સફળ નવલકથા છે. આ પછી તેમણે વિવિધ અને વિપુલ સાહિત્ય લખ્યું જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસવર્ણન અને નાટકો વગેરેનો સમાવેશ થાય છે.

ગ્રેહમ ગ્રીન
1938માં પ્રસિદ્ધ થયેલી ‘બ્રાઇટન રૉક’ કૃતિ પ્રથમ વાર લેખકની ધાર્મિક શ્રદ્ધાઓ પ્રગટ કરે છે. અહીં જેને ગ્રીન ‘ધી અપૉલિંગ સ્ટ્રેન્જનેસ ઑવ્ ધ મર્સી ઑવ્ ગૉડ’ એટલે ઈશ્વરની કરુણાની લગભગ આઘાતજનક રીતે વિચિત્ર ગણી શકાય તેવી લીલા – તેની વાત થાય છે, અને આ વિષય-વસ્તુ પછીની ‘ધ પાવર ઍન્ડ ધ ગ્લોરી’ (1940), ‘ધ હાર્ટ ઑવ્ ધ મૅટર’ (1948), ‘ધી એન્ડ ઑવ્ ધિ અફેર’ (1951) કૃતિઓમાં પણ કેન્દ્રમાં રહે છે.
આવી ધાર્મિક માન્યતાઓ ઉપરાંત ભૌગોલિક પાર્શ્વભૂનું વૈવિધ્ય એ પણ ગ્રીનના સર્જનનું મહત્વનું લક્ષણ છે. 1961માં પ્રસિદ્ધ થયેલી ‘અ બર્ન્ટ આઉટ કેસ’નું ર્દશ્ય બેલ્જિયન કૉંગો પ્રદેશમાં વિસ્તરે છે અને ‘ધી ઑનરરી કૉન્સલ’ (1973) આર્જેન્ટિનાના પ્રદેશને આલેખે છે.
‘ટ્રાવેલ્સ વિથ માય આન્ટ’ (1969) એ ગ્રીનની હળવી શૈલીમાં લખાયેલી નવલ છે. ‘ધ બેઝમેન્ટ રૂમ ઍન્ડ અધર સ્ટોરીઝ’ (1935), ‘ટ્વેન્ટીવન સ્ટોરીઝ’ (1954) વગેરે એમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે, ‘ધ લિવિંગ રૂમ’ (1953) એમની નાટ્યકૃતિ છે.
ચિંતનાત્મક વલણ ધરાવતા આ સર્જકની વિલક્ષણતા એ છે કે તે ‘થ્રિલર’ એટલે કે રોમાંચક બનાવોભરી વાર્તા કે ડિટેક્ટિવ વાર્તાના અંશો ઘણી વાર અપનાવીને કૃતિનો વાર્તારસ જાળવી રાખે છે. ‘અ સૉર્ટ ઑવ્ લાઇફ’ (1971) જેવા આત્મકથાત્મક લખાણમાં તેમણે પોતાના અંતરંગને સ્પર્શ્યું છે.
દિગીશ મહેતા