ગ્રીન્યાર, વિક્ટર

February, 2011

ગ્રીન્યાર, વિક્ટર (જ. 6 મે 1871, ચેસ્બર્ગ ફ્રાન્સ; અ. 13 ડિસેમ્બર 1935, લિયોં) : ગ્રીન્યાર પ્રક્રિયકની શોધ માટે રસાયણવિજ્ઞાનનો 1912નો નોબેલ પુરસ્કાર (પૉલ સૅબેત્યેર સાથે) મેળવનાર ફ્રેન્ચ રસાયણજ્ઞ. કાર્બ-મૅગ્નેશિયમ સંયોજનોના તેમના સંશોધનકાર્યે કાર્બનિક રસાયણમાં સંશોધનની નવી ક્ષિતિજો ખોલી.

વિક્ટર ગ્રીન્યાર

1898માં તેમણે ફિલિપ બાર્બ્યેના વિદ્યાર્થી તરીકે આલ્કાઇલ ઝિંક સંયોજનોનો અભ્યાસ શરૂ કર્યો. આ સંયોજનો અગાઉ સર એડવર્ડ ફ્રૅન્કલૅન્ડે વર્ણવેલાં. ગ્રીન્યારે તેમની પીએચ.ડી.ની પદવી માટેના સંશોધન-ગ્રંથમાં (1901) કાર્બ-મૅગ્નેશિયમ સંયોજનો દ્વારા આલ્કોહૉલ, ઍસિડ તથા હાઇડ્રોકાર્બન બનાવવાની રીતો વર્ણવી. આ કાર્બ-મૅગ્નેશિયમ સંયોજનો હવે ગ્રીન્યાર પ્રક્રિયકો તરીકે ઓળખાય છે, કારણ આ પ્રક્રિયકની વ્યાપક સંશ્લેષણ-રીતો દ્વારા કાર્બનિક રસાયણમાં વિવિધ સમૂહ ધરાવતાં અનેક સંયોજનો બનાવી શકાય છે.

1910માં તે નાન્સીમાં રસાયણશાસ્ત્રના વ્યાખ્યાતા બન્યા તથા 1919માં લિયોંમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર થયા. તેમના મૃત્યુ સુધીના સમયગાળામાં ગ્રીન્યાર પ્રક્રિયકના ઉપયોગ અંગે લગભગ 6000 સંશોધનલેખો પ્રસિદ્ધ થયેલા એ હકીકત આ પ્રક્રિયકના વ્યાપક ઉપયોગના પુરાવારૂપ છે.

જ. પો. ત્રિવેદી