ગ્રીન્યાર પ્રક્રિયા : આલ્ડિહાઇડ તથા કીટોનમાં ગ્રીન્યાર પ્રક્રિયકની યોગશીલ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં ફૉર્માલ્ડિહાઇડ દ્વારા પ્રાથમિક આલ્કોહૉલ, અન્ય આલ્ડિહાઇડ દ્વારા દ્વિતીયક આલ્કોહૉલ તથા કીટોન દ્વારા તૃતીયક આલ્કોહૉલ બને છે. આ પ્રક્રિયાનો ખૂબ જ વ્યાપક ઉપયોગ થાય છે અને બધા પ્રકારનાં આલ્કોહૉલ સંયોજનો આ રીતે બનાવી શકાયાં છે.
ઉપરના સમીકરણમાં R આલ્કિલ કે ઍરાઇલ સમૂહ હોય છે. મોટા ભાગની પ્રક્રિયાઓમાં જળવિભાજન માટે મંદ HCl કે H2SO4 વપરાય છે; પરંતુ તૃતીયક આલ્કોહૉલ, જેમાં ઓછામાં ઓછું એક આલ્કિલ (R) સમૂહ હોય તે મેળવવા જળવિભાજન HCl કે H2SO4થી થઈ શકતું નથી, કારણ આવા તૃતીયક આલ્કોહૉલનું ઍસિડિક પરિસ્થિતિમાં સહેલાઈથી નિર્જળીકરણ થાય છે. આવી પરિસ્થિતિમાં તેમજ બીજા આલ્કોહૉલ માટે પણ ઍસિડને બદલે જલીય એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ વાપરવામાં આવે છે.
જ. પો. ત્રિવેદી