ગ્રીક સાહિત્ય : ગ્રીસ દેશ યુરોપના દક્ષિણમાં આવેલા બાલ્કન દ્વીપકલ્પ ઉપરાંત તેની આસપાસના અસંખ્ય નાનામોટા ટાપુઓનો બન્યો છે. ઈ. સ. પૂ. 1500 પહેલાં ગ્રીક ભાષા બોલનારી પ્રજાએ અહીં વસવાટ કર્યો હતો. અહીંની અસામાન્ય ભૌગોલિક પરિસ્થિતિએ એ પ્રજાના ઇતિહાસમાં મોટી ઊથલપાથલો સરજી છે. ગ્રીક પ્રજા એ કારણે ભૂમધ્ય સમુદ્રને કાંઠે કાંઠે એશિયા માઇનર અને ઉત્તર આફ્રિકામાં તેમજ પશ્ચિમી યુરોપમાં સિસિલી આદિ કેન્દ્રોમાં વિસ્તરતી રહી છે. ત્રણ હજાર વર્ષોથીય વધુ લાંબા સમયના એના ઇતિહાસ દરમિયાન, રાજકીય સ્થિરતાના થોડાક ગાળાઓ બાદ કરતાં એનાં રાજકીય કેન્દ્રો અને રાજકીય સરહદો સતત બદલાતાં રહ્યાં છે. છેલ્લે ઈ. સ. 1829માં એ પ્રજા તુર્કોના શાસનમાંથી મુક્ત થઈ અને આધુનિક ગ્રીસનું નિર્માણ શરૂ થયું, ત્યારે એની રાજકીય સરહદો પ્રાચીન ગ્રીસની સીમાઓમાં સંકોચાઈ.
‘ગ્રીસ દેશ’, ‘ગ્રીસ પ્રજા’ અને ‘ગ્રીક સંસ્કૃતિ’ જેવા શબ્દપ્રયોગો, ખરેખર તો, બીજી પ્રજાઓએ તેમને માટે યોજ્યા હતા : ગ્રીકો તો પોતાના દેશને ‘હેલાસ’ અને પોતાને ‘હેલેનસ’ તરીકે હોમર-યુગથી ઓળખાવતા રહ્યા છે. હકીકતમાં, ગ્રીક પ્રજાએ ઈ. સ. પૂ. 1200થી ઈ. સ. 330 સુધીના પ્રાચીન યુગમાં એક મહાન સંસ્કૃતિનું નિર્માણ કર્યું, જે તેમની આગવી પ્રતિભાની સ્પષ્ટ મુદ્રા ધરાવે છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, મહાકાવ્ય, ટ્રૅજેડી, મહિમાસ્તોત્ર ઉપરાંત ઇતિહાસ, તત્વજ્ઞાન, વાગ્મિતાશાસ્ત્ર અને જ્ઞાનવિજ્ઞાનના અન્ય વિષયોમાં ગ્રીકોની વિરલ સિદ્ધિ રહી છે. ગ્રીસના ઇતિહાસમાં – બલકે, સમગ્ર યુરોપના ઇતિહાસમાં પ્રાચીન પ્રશિષ્ટ યુગ તરીકે એની ઓળખ થયેલી છે. મધ્યકાલીન અને આધુનિક યુરોપનાં સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસમાં ગ્રીક દેશ મુખ્ય પ્રેરણાસ્રોત બની રહ્યો છે. રાજકીય સ્તરે તેમના સંયોગો બદલાતા રહ્યા હોવા છતાં, ગ્રીક સંસ્કૃતિનો આત્મા એકંદરે અખંડ રહ્યો છે. મધ્યકાલીન યુગમાં ખ્રિસ્તી ધર્મ અને પૂર્વીય સંસ્કૃતિનાં થોડાંક તત્વો આત્મસાત્ કરીને તે પોતાપણું જાળવી રહ્યો છે. યુરોપભરનાં સાહિત્યોમાં ગ્રીક સાહિત્ય બે રીતે અલગ તરી આવે છે : એક વાત એ કે લગભગ ત્રણ હજાર વર્ષથી સાતત્યપૂર્વક એ ખેડાતું રહ્યું છે. બીજી વાત એ કે અત્યાર સુધી એ પોતાના જ આંતરસત્વમાંથી વિકસતું ને વિસ્તરતું રહ્યું છે, અન્ય સાહિત્ય અને સંસ્કૃતિનો પ્રભાવ એમાં નહિવત્ છે.
ગ્રીક સાહિત્યના ઇતિહાસમાં નીચે પ્રમાણે ચાર તબક્કાઓ આંકી શકાય : (1) ઈ. સ. પૂ. 1500થી ઈ. સ. 330 પ્રાચીન યુગ, (2) ઈ. સ. 330થી ઈ. સ. 1453 બાયઝેન્ટાઇન યુગ, (3) ઈ. સ. 1453થી ઈ. સ. 1829 તુર્કી શાસનનો યુગ, (4) ઈ. સ. 1829 પછી આધુનિક ગ્રીસનો યુગ.
પ્રાચીન યુગનું સાહિત્ય : ઈ. સ. પૂ. આઠમી સદીની આસપાસમાં લેખનપદ્ધતિ શરૂ થઈ, તે સાથે ગ્રીક સાહિત્ય ચોક્કસ પુદગલ રૂપે પ્રકાશમાં આવ્યું. પણ એ પહેલાં ગ્રીસના મુખ્ય ભૂમિખંડ પર અને જુદા જુદા ટાપુઓમાં કંઠ્ય પરંપરાનું સાહિત્ય વ્યાપક પ્રચારમાં હોવાનું સમજાય છે. ઈ. સ. પૂ. 1200 પહેલાં માયસેનિયન સંસ્કૃતિ વિકસી હતી. એ પછી કંઈક અંધકાર યુગ જેવી વચલી સદીઓને અંતે ઈ. સ. પૂ. 800ની આસપાસમાં નગર-રાજ્ય સંસ્કૃતિનો ઉદભવ થયો. પછી મહાન સાહિત્ય અને વિદ્યાઓનો યુગ મંડાયો. ગ્રીક પ્રજામાં જુદી જુદી દસ બોલીઓ પૈકી આયૉનિયન, ઇલિયન, ડૉરિયન અને ઍટિક – એ ચાર સાહિત્યિક અભિવ્યક્તિઓ માટે યોજાતી હતી અને એ સર્વના સંયોજનમાંથી એક વ્યાપક ગ્રીક ભાષા ઉત્ક્રાન્ત થતી રહી. ઈ. સ. પૂ. આઠમી સદીમાં હોમરનાં પ્રસિદ્ધ મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ની રચનાઓ થઈ તે પૂર્વે કોઈ મહાકાવ્ય-પરંપરા પ્રચારમાં ન હતી. વીરગાથાઓ, દેવીદેવતાઓનાં મહિમાસ્તોત્રો, યુદ્ધગીતો, મરસિયાઓ, દીક્ષાવિધિનાં ગીતો, લગ્નગીતો, લણણીગીતો વગેરે કંઠ્ય પરંપરામાં જીવંત હતાં. એ વિશાળ પરંપરાનો અલ્પ અંશ જ પ્રાચીન સાહિત્યમાં ગૂંથાઈને સચવાઈ રહ્યો છે. ગદ્યસ્વરૂપનું ખેડાણ ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં આરંભાયું. તત્વજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન જેવા વિષયોના ખેડાણ સાથે ગદ્યની પરંપરા વિકસી છે.
મહાકવિ હોમરની બે મહાકાવ્ય-કૃતિઓ ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ વિશ્વસાહિત્યના કીર્તિસ્તંભ (monument) સમી મહાન રચનાઓ છે. (જોકે ‘ઑડિસી’ના નિર્માતા હોમર જ છે કે બીજા કોઈ, એવો વિવાદ આધુનિક વિદ્વાનોએ ચલાવેલો છે.) એ બે પૈકી ‘ઇલિયડ’માં ટ્રૉયના શકવર્તી મહાયુદ્ધના બનાવો પશ્ચાદભૂમિકામાં રજૂ થયા છે. ગ્રીક સેનાધિપતિ ઍગેમેમ્નૉન, સેનાપતિ એકિલીઝ અને તેના પ્રતિસ્પર્ધી હેક્ટર જેવા મહાન વીરયોદ્ધાઓ વચ્ચેના આંતરસંઘર્ષની કથા નિમિત્તે હોમરે માનવહૃદયના ગહન તીવ્ર ભાવાવેશોનું અનન્ય સામર્થ્યથી એમાં નિરૂપણ કર્યું છે. દેવીદેવતાઓ પણ આ કથામાં નિર્ણાયક ભાગ ભજવે છે. પૂર્વકાલીન વીરકવિતા અને પુરાણકથાના અંશો આ મહાકાવ્યમાં વિરલ પ્રતિભાના બળે નવસંયોજન પામીને એકતા પ્રાપ્ત કરે છે. બાનીમાં કંઠ્ય પરંપરાના શબ્દસમૂહો, વિશેષણો, અલંકારોને આત્મસાત્ કરતી એક વિશિષ્ટ સાહિત્યિક ભાષા રચાઈ આવી છે. ‘ઑડિસી’ મહાકાવ્યની ગુણસમૃદ્ધિ જુદી રીતની છે. ટ્રૉયના યુદ્ધમાંથી દસેક વર્ષે પાછા ફરતા ઍાડિસ્યૂસના સમુદ્રીય ભ્રમણની આ શૌર્યભરી મહાન ગાથા છે. એમાં લોકકથા, પુરાણ અને કપોલકલ્પિતનાં પ્રચુર તત્વો ભળેલાં છે. જોકે એમાં ઑડિસ્યૂસના કુટુંબજીવનની એટલી જ માર્મિક કથા ગૂંથાયેલી છે.
હોમરના સમયમાં બીજો મોટો કવિ તે હેસિયડ. તેણે હોમરની કાવ્યરીતિનું અનુસરણ કર્યું, છતાં તેમાં કશુંક અપૂર્વ, નિજી વ્યક્તિત્વની ઘેરી છાપવાળું સાહિત્ય નિપજાવ્યું. ‘વર્ક્સ ઍન્ડ ડેય્ઝ’ તેમજ ‘થિયોગની’ તેમની જાણીતી કૃતિઓ છે. આ સમયગાળામાં ‘મહાકાવ્ય-ચક્ર’ જેવી શ્રેણીઓ પણ રચાઈ. દેવદેવીઓનાં સ્તોત્રોની વિશાળ પરંપરા ઊભી થઈ. સમાંતરે ઍલિજી અને અન્ય સ્વરૂપની ઊર્મિકવિતા લખાતી રહી. આર્કિલોકસ, આલ્કમાન, એનાક્રિયોન, એલ્સિયસ, સૅફો, સિમોનિહ્સ, ઇબિક્યસ, ઝેનોફેન્સ, સોલોન, થિયોગ્નિસ, બેકિલિડ્સ, એમ્પિડોક્લિસ, પિન્ડાર, પ્રેકિઝલા, હિમોથિયસ, એરિફોન વગેરેની ઊર્મિકવિતાના જે થોડાક અંશો મળી આવ્યા છે, તે પરથી તેની એક સમૃદ્ધ ધારા રચાઈ હોવાનું પ્રતીત થાય છે.
ઈ. સ. પૂ. પાંચમી સદીમાં ટ્રૅજેડી નાટ્યસ્વરૂપની મહાન પરંપરા ઍથેન્સમાં ઊભી થઈ. એ નગરરાજ્યમાં દર વર્ષે ભવ્ય નાટ્યમહોત્સવ યોજાતો અને એ પ્રસંગે જુદા જુદા નાટ્યકારોની રચનાઓ સ્પર્ધામાં રજૂ થતી. ટ્રૅજેડીના સર્જકોમાં એસ્કિલસ, સૉફોક્લીઝ અને યુરિપિડીઝનાં નામો ઘણાં પ્રસિદ્ધ છે. કોરસગાન, દેવતા ડાયોનિયસનો પૂજાવિધિ અને બીજાં વિધિવિધાન એ રચનાઓના ઉદભવમાં કારણભૂત છે. કોરસગાનની પરંપરામાં આરંભે આછું કથાનક લઈ તેનું નિવેદન કરતા એક નટનો અને પછીથી સંવાદ કરતા બે નટનો કે સમય જતાં ત્રણ નટોનો પ્રવેશ થયો. ક્રમશ: કોરસગાનનું સ્થાન ગૌણ બનતું ગયું અને વસ્તુસંયોજનનું મહત્વ વધતું ગયું. એસ્કિલસની ટ્રૅજેડીઓમાં જ આ રીતનો સ્વરૂપવિકાસ જોઈ શકાય છે. ઉપલબ્ધ ઉલ્લેખો અને કૃતિ-અંશો પરથી ટ્રૅજેડીનું વિશાળ સાહિત્ય હોવાનું જાણવા મળે છે. અત્યારે તો ઉપર ગણાવેલા ત્રણ નાટ્યકારોની અખંડ કહી શકાય તેવી થોડીક જ રચનાઓ મળે છે. એ પૈકી એસ્કિલસની ‘ઍગમેમ્નોન’ સૉફોક્લીઝની ‘ધ ઍન્ટિગોની’ અને ‘ધ ઇડિપસ ટાયરેનસ’ અને યુરિપિડીઝની ‘ધ મીડિયા’ જેવી કૃતિઓ વિશેષ ધ્યાનાર્હ છે. પુરોગામી મહાકાવ્યો અને વીરગાથાઓમાં પ્રચલિત રાજવંશી કથાઓમાંથી એનું નાટ્યવસ્તુ લેવામાં આવ્યું છે. પણ એને આધારે માનવ-આત્માના ગહનગંભીર નૈતિક આધ્યાત્મિક સંઘર્ષો અને ભાવાવેશો એમાં અસાધારણ સામર્થ્યથી રજૂ થયા છે. ગ્રીક પ્રજાના કૂટ દાર્શનિક પ્રશ્નોને આ નાટ્યકારોએ પોતાની વિરલ પ્રતિભાના તેજે આલોકિત કર્યા છે. માનવજીવનનું આટલું ભવ્યકરુણ દર્શન જગતના બીજા કોઈ સાહિત્યમાં ભાગ્યે જ જોવા મળે. આ યુગમાં કૉમેડીનું નાટ્યસ્વરૂપ પણ પ્રભાવક રીતે ખેડાયું છે. એરિસ્ટોફનીઝની કૃતિઓ ‘ક્લાઉડ્ઝ’, ‘બર્ડ્ઝ’ અને ‘ફ્રૉગ્ઝ’ આ સ્વરૂપનાં ઉત્તમ ર્દષ્ટાંતો છે.
આ યુગમાં ઇતિહાસલેખનની એક સમૃદ્ધ પરંપરા ઊભી થઈ છે. હેરોડોટસ, થ્યુસિડિડીસ અને ઝેનોફેન જેવા ઇતિહાસકારોનું એમાં ઘણું મહત્વનું અર્પણ છે. તત્વજ્ઞાન, વાગ્મિતાશાસ્ત્ર અને જ્ઞાનવિજ્ઞાનનાં બીજાં અનેક ક્ષેત્રો સારી પેઠે ખેડાયાં છે. એમાં પ્લેટો અને ઍરિસ્ટોટલની તત્વવિચારણા અને તેમની કાવ્યવિચારણા પશ્ચિમના જગતને સતત પ્રેરણારૂપ બનેલી છે.
ઈ. સ. પૂ. 338થી ઈ. સ. પૂ. 200ના ગાળામાં ગ્રીક પ્રજા મેસિડોનિયાના રાજ્યશાસન નીચે રહી. એ પછી ઈ. સ. પૂ. 200થી ઈ. સ. 330ના સમયગાળામાં તે રોમન સામ્રાજ્યનો ભાગ બની. તેમની રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ. જૂનાં નગરરાજ્યો લુપ્ત થયાં. નવા સંયોગોમાં રોમ એક મહાન રાજકીય કેન્દ્ર બન્યું. ગ્રીક પ્રજા એશિયા માઇનર, ઉત્તર આફ્રિકા, ઇટાલી અને બીજા યુરોપીય વિસ્તારોમાં ફેલાતી ગઈ. પણ આ નવી વસાહતોમાંય ગ્રીકોએ પોતાની ભાષા અને સંસ્કૃતિનું જતન કરવાના તેમ તેનું સંવર્ધન કરવાના પ્રયત્નો જારી રાખ્યા. પોતાનો પૌરાણિક વારસો, દેવળોનું સ્થાપત્ય, પ્રતિમાવિધાન, ધાર્મિક વિધિવિધાન, કવિતા, નાટક, તત્વજ્ઞાન, ઇતિહાસ, વાગ્મિતાશાસ્ત્ર, અન્ય જ્ઞાનવિજ્ઞાન અને ખાસ તો ગ્રીક ભાષા એ બધું પોતાની સાથે લઈને ગ્રીકો નીકળ્યા હતા. રોમનોએ તેમની સંસ્કૃતિને સુરક્ષિત રહેવા દીધી, બલકે તેમણે આદરપૂર્વક તેનો સ્વીકાર કર્યો. સીરિયનોએ પણ ગ્રીક સંસ્કૃતિ ઝડપથી અને પૂર્ણતયા અપનાવી લીધી. ઇજિપ્તમાં સ્થાનિક સંસ્કૃતિની સાથોસાથ ગ્રીક સંસ્કૃતિ પણ વિકસતી રહી. મૂળ ગ્રીસ દેશ અને ગ્રીક પ્રજાને અતિક્રમીને આ બૃહત ગ્રીક સંસ્કૃતિ જન્મી તેમાં સમય જતાં ખ્રિસ્તી ધર્મ અને પૂર્વીય સંસ્કૃતિનાં કેટલાંક તત્વો સહજ રીતે ભળી ગયાં છે. આ નૂતન વિશાળ ગ્રીક સંસ્કૃતિ હેલિનિઝમ તરીકે ઓળખાવાઈ છે. આ બદલાયેલા સંયોગોમાં સાહિત્યાદિ કળાઓ અને જ્ઞાનવિજ્ઞાનનાં ક્ષેત્રોમાં વ્યાપકપણે પ્રવૃત્તિઓ ચાલતી રહી. જોકે પ્રાચીનોના જેવી અદભુત પ્રેરણા એમાં નથી. ઍલેક્ઝાન્ડ્રિયા હવે કાવ્યપ્રવૃત્તિનું નવું કેન્દ્ર બન્યું. ઊર્મિકવિતા, વૃંદગીતો, મહાકાવ્યો, નાટકો, ઍલિજી – એ સર્વ પરંપરાગત કાવ્યસ્વરૂપો ખેડાતાં રહ્યાં. કેલિમેકસ અને તેમના શિષ્યોનું કાવ્યલેખન ઉલ્લેખનીય છે. પદ્યબદ્ધ વાર્તા, બોધલક્ષી કવિતા, ગોપકવિતા (pastoral poetry) અને એપિગ્રામ જેવાં રૂપો વ્યાપકપણે ખેડાયાં. નવી શૈલીનું સાહિત્યિક ગદ્ય, વિવેચન, ગણિતશાસ્ત્ર, ભૂગોળ, ઔષધવિજ્ઞાન, તત્વજ્ઞાન અને બીજાં પ્રાકૃતિક વિજ્ઞાનો – એ સર્વ ક્ષેત્રો વિકસતાં ગયાં. ઇતિહાસલેખનના વિષયમાં પોલિબિયસ, ડિયોડોરસ, ડાયોનિસિયસ વગેરેનું કાર્ય નોંધપાત્ર છે. લાજાઇનસનું સાહિત્યચિંતન પણ ઉલ્લેખનીય છે. આ સર્વ ક્ષેત્રોમાં ગ્રીક સાહિત્ય અને વિદ્યાઓનું સંવર્ધન અને નવસંસ્કરણ ચાલુ રહ્યું છે.
બાયઝેન્ટાઇન યુગનું સાહિત્ય : ગ્રીક સંસ્કૃતિ અને સાહિત્યના ઇતિહાસમાં ઈ. સ. 330થી ઈ. સ. 1453નો ગાળો બાયઝેન્ટાઇન યુગ તરીકે જાણીતો છે. ઈ. સ. 330માં રોમન સામ્રાજ્યનું પાટનગર બાયઝેન્ટીનમાં કૉન્સ્ટન્ટિનોપલમાં ખસેડવામાં આવ્યું ત્યાં એનો આરંભ ગણતાં તો ઈ. સ. 1453માં તુર્ક બાદશાહ મોહમ્મદ બીજાએ એ જીતી લીધું ત્યાં એ યુગ પૂરો થયો. અહીં બાયઝેન્ટીનમાં ખ્રિસ્તી ધર્મને રાજધર્મ તરીકે માન્યતા મળી. સાતમી સદી સુધી લૅટિન રાજ્યભાષા રહી. રાજ્યવ્યવસ્થા, કાયદો અને લશ્કરી માળખા જેવી જાહેર બાબતોમાં રોમન પદ્ધતિ જળવાઈ રહી, પણ પ્રજાકીય ચેતનાના સંવર્ધનમાં ગ્રીક સંસ્કૃતિનો વ્યાપક અને ઘનિષ્ઠ પ્રભાવ રહ્યો. ખાસ તો સાતમી સદી પછી રાજભાષા તરીકે ગ્રીકનો સ્વીકાર થયો તે પછી પ્રાચીન પ્રશિષ્ટ સાહિત્ય અને સંસ્કૃતિનું વધુ ગાઢ અનુસંધાન થયું. અલબત્ત, બાયઝેન્ટાઇન યુગમાં પ્રાચીન ગ્રીક પુરાણોના દેવદેવતાઓ અર્દશ્ય થતા ગયા. સ્ટૉઇકની માનવતાવાદી અને અનુપ્લેટોવાદી વિચારણાઓ એમાં મહત્વ ધારણ કરતી રહી. ખ્રિસ્તી ધર્મવિચારણામાં એવા તાત્વિક વિચારો જોડાતા ગયા. આ યુગમાં ઇજિપ્તમાં અને અન્ય વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મ-સાધુઓ માટે વિશાળ પાયા પર મઠોની સંસ્થા ઊભી થઈ. આ મઠો જ નવી વિદ્યાઓ અને ભક્તિભાવનાનાં કેન્દ્રો બની રહ્યા. આગવી શૈલીનાં ભવ્ય દેવળોનું સ્થાપત્ય, વિવિધ માધ્યમમાં મૂર્તિઓ, ચિત્રો વગેરેથી આ યુગ નોખો તરી આવે છે. સાહિત્ય અને વિવિધ જ્ઞાનવિજ્ઞાનનાં ક્ષેત્રોમાં મોટે ભાગે તો એશિયા માઇનર, સીરિયા, ઇજિપ્ત વગેરે વિસ્તારના લેખકો દ્વારા અર્પણ થયું છે. આ યુગમાં સાહિત્યલેખન માટે પ્રાચીન ગ્રંથોમાં યોજાયેલી ભાષા ખપમાં લેવી કે સમકાલીન પ્રજાની જીવંત બોલી એવો એક મોટો કટોકટીભર્યો પ્રશ્ન ઊપસી આવ્યો છે, જે આધુનિક ગ્રીક સાહિત્યના કવિઓ-લેખકો માટે અત્યંત નિર્ણાયક બની રહ્યો છે.
આ યુગમાં મહાકાવ્ય, કથાકાવ્ય અને ઍલિજી જેવાં પરંપરાગત રૂપનાં કાવ્યો લખાતાં રહ્યાં, પણ એમાં સીરિયા અને પૅલેસ્ટાઇન વિસ્તારના કવિઓની ‘પવિત્ર કવિતા’ નામે ઓળખાતી કાવ્યરચનાઓ વિશેષ ધ્યાનપાત્ર છે. જ્યૉર્જિઝ પિસીગસ અને થિયોડોરસ આ ગાળાના ખાસ ઉલ્લેખનીય કવિઓ છે. સમાંતરે તળપદ બાનીમાં રચાતાં ગીતો, કાવ્યો અને રંગરાગી કથાકૃતિઓની અલગ ધારા જન્મે છે. ધર્મના સંસ્કારોથી એ સાહિત્ય મુક્ત છે, ગદ્યસાહિત્યના ક્ષેત્રમાં ઈશ્વરવિદ્યા, ઉપદેશવચન, સંતચરિત્રો, પ્રવાસગ્રંથો, વાગ્મિતાશાસ્ત્ર, ઇતિહાસ, ક્રૉનિકલ્સ, વ્યંગકટાક્ષની તેમ પશુપંખીની કથાઓ, વ્યુત્પત્તિ, કોશ, ભાષ્ય, વ્યાકરણ, ખગોળ જેવા અનેકવિધ વિષયો ખેડાતા રહેલા છે.
તુર્કી શાસનકાળ (ઈ. સ. 1453 – ઈ. સ. 1821)નું સાહિત્ય : ઑટોમન સામ્રાજ્યમાં ઇસ્લામના પવિત્ર કાનૂનને અનુસરીને ગ્રીકોને સ્થાન મળ્યું. આ ગાળામાં ગ્રીકોની રાષ્ટ્રીય ચેતના જાગ્રત બની. ફ્રેંચ ક્રાંતિમાંથી પ્રેરણા લઈને ગ્રીકોએ તુર્કી શાસન સામે વિદ્રોહ કર્યો, અને ઈ. સ. 1821માં તે પ્રજા મુક્ત થઈ. સાડા ત્રણ ચાર સૈકાઓના તુર્ક શાસન દરમિયાન તેમના સાંસ્કૃતિક જીવનમાં કોઈ મૂળભૂત પરિવર્તન આવ્યું નથી. આ ગાળામાં લોકગીતોની પરંપરામાં વિકસેલી કવિતા અને ગીતો ધ્યાન ખેંચે છે. પરશાસનથી મુક્ત થવાની પ્રબળ ઝંખના એમાં અનેક સ્થાને વ્યક્ત થઈ છે. શોકગીતો અને ક્લેફ્ટિકો પ્રકારની ગીતરચનાઓ પણ ઉલ્લેખનીય છે. આ તબક્કામાં ક્રીટ, સાયપ્રસ, ડોડેકેનિસ અને આયૉનિયન ટાપુઓ પરના સાહિત્યમાં યુરોપીય સાહિત્યના પ્રભાવ નીચે કવિઓની વૈયક્તિક મુદ્રા ઉપસાવતી રચનાઓ મળે છે. ખાસ તો ઇટાલીની કૃતિઓનો એમાં સીધો પ્રભાવ વરતાય છે. ક્રીટન સાહિત્યમાં ‘ઇરોટોક્રિટોસ’ નામની મહાકાવ્યરચના ઘણી ઊંચી કોટિની છે.
આધુનિક ગ્રીક સાહિત્ય : ઈ. સ. 1829થી આરંભ. ઈ. સ. 1829માં ગ્રીસ તુર્કોના શાસનથી મુક્ત થયું, તે સાથે એક આધુનિક રાષ્ટ્ર તરીકે તે બહાર આવ્યું. આ આધુનિક સંસ્કૃતિના હાર્દમાં પ્રાચીન ગ્રીક સંસ્કૃતિનાં સજીવ અને ગતિશીલ તત્ત્વો પડેલાં છે, તો આધુનિક યુરોપીય સંસ્કૃતિનાં કેટલાંક નૂતન તત્ત્વો આત્મસાત્ થયાં છે. ગઈ સદીના યુરોપીય સાહિત્યમાં પ્રવર્તેલા રંગદર્શિતાવાદની ઘેરી છાયા આધુનિક ગ્રીક સાહિત્ય પર પડી છે. ક્રાંતિ પૂર્વેનાં વર્ષોમાં ઇટાલીનાં સાહિત્યકળાદિની અસર ગ્રીકોએ ઝીલી હતી. હવે આ સદીમાં ફ્રાન્સના સાહિત્યનો વિશેષ પ્રભાવ તેઓ ઝીલતા રહ્યા છે. આધુનિક ગ્રીક ચેતના મુખ્યત્વે કવિતા દ્વારા જ વ્યક્ત થઈ છે. ટૂંકી વાર્તા, નવલકથા અને નાટક જેવાં સ્વરૂપો ગૌણ રહી ગયાં છે.
આધુનિક ગ્રીક કવિઓ માટે કાવ્યભાષાનો પ્રશ્ન ઘણો નિર્ણાયક બની રહ્યો છે. ક્રાંતિ પૂર્વે લોકબાનીમાં રચાતી રહેલી કવિતા અંતે જતાં મોટું પ્રભાવક બળ બની છે. આધુનિક યુગના આરંભકાળમાં એન્દ્રિયાસ કૅલ્વોઝ અને ડાયોનિસિયસ સોલોમસ એ બે મોટા કવિઓએ નવી કવિતાની ધારા વહેતી કરી. એ પૈકી કૅલ્વોઝે ઓડ પ્રકારની સમૃદ્ધ રચનાઓ કરી. તેમની એ રચનાઓની મહત્તા તેમની પ્રાણવાન ઊર્મિઓમાં તેમ સદગુણો અને સ્વાતંત્ર્યના ઉચ્ચ આદર્શોની બળવાન અભિવ્યક્તિમાં રહેલી છે. સોલોમસમાં પણ ગહન રંગદર્શી ઊર્મિઓ વ્યક્ત થઈ. તેમણે રચેલી ‘હિમ ટુ લિબર્ટી’ નામની રચના પાછળથી ગ્રીસનું રાષ્ટ્રગીત બની. તેજસ્વી કલ્પનાશીલતા, સાચુકલી સંવેદના અને વિદગ્ધ રચનારીતિ ઉપરાંત ઉદારમતવાદી દર્શન અને સ્વાતંત્ર્યપ્રેમ એ સર્વ ગુણસમૃદ્ધિને કારણે આધુનિક ગ્રીસના તેઓ સૌથી મોટા કવિ લેખાયા છે, ‘ડાયલૉગ’ શીર્ષકના ગ્રંથમાં તેમનું ગંભીર સાહિત્યચિંતન રજૂ થયું છે. એમાં સાહિત્યની ભાષા તરીકે મૂળ લોકભાષાના સ્વીકાર માટે પ્રબળ સમર્થન કર્યું છે. ‘વુમન ઑવ્ ઝાન્તે’ એ લોકભાષામાં લખાયેલી તેમની વ્યંગકટાક્ષભરી નવલકથા છે. આ તબક્કામાં ઍન્ટૉનિયો મેટેસિસે લોકભાષામાં નાટક લખ્યું. ઍથેન્સમાં કવિતાના ક્ષેત્રે જૂની અને નવી સ્કૂલના અનેક કવિઓએ ધ્યાનપાત્ર અર્પણ કર્યું. એમાં તરવરતી રાષ્ટ્રભાવના અને પ્રણયના વિયોગવિષાદ જેવા ભાવો રજૂ થયા. આયોનિયન ટાપુ પર રંગદર્શી કવિતા સામેની પ્રતિક્રિયા રૂપે વળી જે નવી કવિતા જન્મી તે વધુ ગુણસમૃદ્ધિવાળી હતી. એમાં જ્યૉર્જિઓસ તર્સેત્સ, બ્રેયૂલસ આર્મેનિસ, જ્યૉર્જિઓસ ઝાલોકોસ્ટસ, ઍરિસ્ટોટલ વેલારિટિસ, આન્દ્રિયસ લાસ્કર્તોસ વગેરે કવિઓ ઉલ્લેખનીય છે. ગદ્યસાહિત્યમાં ક્રાંતિવીર જ્હૉન મૅકેરિયાનીસની ‘મેમ્વાર્સ’, પાવ્લોસ કેલિગસની સામાજિક કથાવસ્તુવાળી નવલકથા ‘થાનીસ લિકાસ’, સ્ટિફેનોસ ઝેનોસની કથા ‘ધ હિરોઇન ઑવ્ ધ ગ્રીક રેવૉલ્યૂશન’ અને ઇમેન્યુઅલ રોઇડ્સની ‘પોપ જોન’ એ નોંધપાત્ર કૃતિઓ છે.
નવી પેઢીના કવિઓમાં કોસ્ટસ પાલામસ અગ્રસ્થાને છે. ગહનચિંતન, પ્રેરણાબળ અને પદ્યકળા પર અસાધારણ પ્રભુત્વને કારણે તેમની રચનાઓ ઘણી મહત્ત્વની છે. ઝ્યાં સિકેરી તેમના મંડળના એવા જ પ્રણેતા લેખક છે. ઝ્યાં સિકેરી અને પાલામસે લોકબાનીની કવિતાનું ગૌરવ કર્યું, બલકે ‘શુદ્ધ ભાષા’ને નામે સાહિત્યમાં જે કૃત્રિમ અને નિષ્પ્રાણ ભાષા યોજાતી હતી તેની સામે ઝ્યાં સિકેરીએ જબરદસ્ત આંદોલન કર્યું. નવા ગ્રીક સાહિત્યના લેખન પર તેમણે મોટો પ્રભાવ પાડ્યો. ઝ્યાં સિકેરીની નવલકથા ‘માય જર્ની’ એક સીમાચિહ્નરૂપ કૃતિ છે. નિકોલસ પોલિટસ આ પેઢીના બીજા એક મહત્ત્વના સાહિત્યકાર છે. તેમણે જીવનભર ગ્રીક લોકવિદ્યાની સમૃદ્ધિ પ્રગટ કરવાની પ્રવૃત્તિ કરી. જ્યૉર્જિયસ ડ્રોસિનસ, જ્યૉર્જિયસ વિઝીનો, એરિસ્ટોમિનિસ પ્રુલેન્ગિયોસ, જોન પોલેમસ, કોસ્ટસ ક્રિસ્ટલસ, ઍલેક્ઝાન્ડ્રોસ પાલેસ વગેરે અનેક કવિઓ આ ગાળામાં સર્જન કરતા રહ્યા.
વીસમી સદીમાં એન્જેલોસ સિકેલિયાનોસ, નિકોસ કાઝન્તસાકિસ, જ્યૉર્જ સેફેરિસ, જ્યૉર્જ થિમેલીસ, ડિમેટ્રિયસ ઓન્તોન્યૂ, યાનિસ રિત્ઝો, ઍલેક્ઝાન્ડર માત્સાસ, નિકોસ એંગેનોપાવ્લો ઍડિસ્યૂસ એલિટીસ, નિકોસ ગેત્સોસ, મિલ્તોઝ સાતુરી, એલેની વાકાલો, નેનોઝ વેલોરિતીઝ, નિકોઝ કેરુઝો, ડિનોસ ક્રિસ્ટિઆનોપાવ્લો – આ કવિઓ ઘણું કરીને પ્રતીકવાદી કાવ્યરીતિને અનુસરતા રહ્યા છે. આ સદીમાં ઍલેક્ઝાન્ડ્રિયાના વતની કવિ કૉન્સ્ટન્ટિનો કાવાફીએ આગવી રીતિની કવિતાનું સર્જન કરી ગ્રીસના મોટા ગજાના કવિ તરીકે પ્રતિષ્ઠા મેળવી છે. આ સદીમાં ટૂંકી વાર્તા અને નવલકથાની પણ કેટલીક નોંધપાત્ર કૃતિઓ લખાઈ છે. નાટકમાંયે ગ્રીક નાટ્યઘરને પુનર્જીવિત કરવાના પ્રયત્ન રૂપે કેટલુંક કામ થયું છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના ગ્રીક સાહિત્યમાં તરુણ પેઢીના કેટલાક લેખકોએ સંશયવાદ નિર્ભ્રાન્તિ અને શ્રદ્ધાલોપ જેવી મનોદશાઓ આલેખવા તરફ વલણ દાખવ્યું છે. અતિવાસ્તવવાદ(surrealism)ની ઘેરી અસર તેમના લેખન પર પડી છે. વિવેચન, ઇતિહાસ, તત્વજ્ઞાન, લોકવિદ્યા, ભાષાવિજ્ઞાન આદિ ક્ષેત્રોમાં પણ અનેક અભ્યાસીઓ આગવી આગવી રીતે અર્પણ કરી રહ્યા છે.
પ્રમોદકુમાર પટેલ