ગ્રિનિચ : આંતરરાષ્ટ્રીય કરાર (1884) પ્રમાણે શૂન્ય રેખાંશવૃત્તના બિન્દુ (કેન્દ્ર) તરીકે સ્વીકારાયેલું સ્થળ. બૃહત લંડનનું ટેમ્સ નદીના દક્ષિણકાંઠે સિટી સેન્ટરથી 16 કિમી. ઈશાને આવેલા ગ્રિનિચ અને વુલવિચ ગામોનાં જોડાણથી 1963ના કાયદાથી બનેલો કસબો (borough). તેનું ક્ષેત્રફળ 46 ચોકિમી. છે. 1675થી ચાર્લ્સ બીજાના સમયમાં અસ્તિત્વમાં આવેલ વેધશાળા ગ્રીન પાર્કમાં હતી. 1954માં આ વેધશાળા સસેક્સ પરગણામાં લઈ જવાઈ છે. ફલેમસ્ટીડ હાઉસના આંગણામાં અને ભીંત ઉપર રેખાંશવૃત્તોનું આલેખન થયું છે. જૂની વેધશાળાના સ્થાને રાષ્ટ્રીય દરિયાઈ સંગ્રહસ્થાન છે. 1873થી દરરોજ સૂર્યનાં છાયાચિત્રો લઈને અભ્યાસ થાય છે.

ઈ. સ. 1300માં બંધાયેલ વુલવિચનો એલધામ મહેલ ઇંગ્લૅન્ડના રાજાની કચેરી હતી. અહીં ઔદ્યોગિક વસાહતમાં અનેક કારખાનાંઓ છે. 2022માં તેની 2.86 લાખ વસ્તી હતી.

શિવપ્રસાદ રાજગોર