ગ્રિડ : વિદ્યુતમથકમાંથી વિદ્યુતના દબાણ અને આવૃત્તિ(frequency)માં ફેરફાર કે વધઘટ સિવાય વિદ્યુતશક્તિ(electrical power)ના સંચારણ (transmission) અને વિતરણ (distribution) માટે, તેમજ ટેલિફોન માટે વપરાતા તારના દોરડાની જાળ(network). વિદ્યુત મથકમાં વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કર્યા પછી ઊર્જાનો ઓછામાં ઓછો વ્યય થાય, વિદ્યુતદબાણ અને તેની આવૃત્તિમાં વધઘટ થાય નહીં અને તેનું કુશળતાપૂર્વક ઉદ્યોગો, ખેતી, ઘરવપરાશ અને અન્ય વપરાશ માટે સંચારણ કરી જોઈએ તે પ્રમાણેનું વિતરણ કરવું જરૂરી બને છે. આ માટે ભારતમાં પાવર ગ્રિડ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા લિમિટેડ(પાવર ગ્રિડ)ની ઑક્ટોબર 1989માં 5,000 કરોડ રૂપિયાના શૅરભંડોળ સાથે રચના કરવામાં આવી હતી. આ કૉર્પોરેશન દ્વારા વધારાના ભારે દબાણ એસી (extra High Voltage AC–eHV AC) અને ભારે દબાણ ડીસી (High Voltage DC–HVDC) સંચારણ લાઇનો, ઉપકેન્દ્રો (substations), સ્થાનિક ભારપ્રેષક કેન્દ્રો (local despatch centres) અને સંચારણ સુવિધા(communication facilities)ને કુશળતાપૂર્વક સમન્વિત કરીને વિદ્યુતમથકોમાંથી વિદ્યુતશક્તિનું જુદા જુદા સ્થાને વિતરણ કરવામાં આવે છે. તે ઉપરાંત જે જગ્યાએ તેનું ઉત્પાદન ઓછું હોય પણ તેનું દબાણ (load) વધારે હોય ત્યાં તેને ચોકસાઈપૂર્વક, જોખમ વગર અને સસ્તી પડે તે રીતે લઈ જવામાં આવે છે. 1 એપ્રિલ 1992થી આ બધી જ વિતરણની લાઇનો અને તેની સાથેનાં ઉપકેન્દ્રો જે મુખ્ય એકમોમાંથી વિદ્યુત મેળવે છે તેમને પાવર ગ્રિડના અધિકાર નીચે મૂકવામાં આવ્યાં છે. 1 ડિસેમ્બર 1992ના રોજ પાવર ગ્રિડના અધિકારમાં પાવર-વિતરણ માટેની 22,960 (ckt) કિમી.ની લાઇનો છે, જેમાં 1,630 ckt કિમી. રિહાન્ડ દાદરી (HVDC) લાઇન, 400 Kvની 15,180 ckt કિમી., 220 Kvની 5,442 ckt  કિમી., 132 Kvની 708 ckt કિમી., AC કિમી. લાઇનો અને 37 ઉપકેન્દ્રો છે. તેની કુલ રૂપાંતરણશક્તિ 12467 mva છે. ડિસેમ્બર 1950માં આ ગ્રિડની લાઇનો 10,000 ckt કિમી. હતી, જે માર્ચ 1992 સુધીમાં 2.18 લાખ ckt કિમી. જેટલી થવા જાય છે તેમાં 400 Kvની 26,000 ckt કિમી. લાઇનો છે, તે ઉપરાંત 820 કિમી. રિહાન્ડ દાદરી HVDC બાયપોલક 500 ± Kvની લાઇનો પણ છે.

ભારતમાં વિદ્યુત-ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ, પૂર્વ, ઈશાન, પૂર્વ – એમ કુલ પાંચ વિભાગ પાડવામાં આવેલા છે. હાલમાં ઉત્તર અને પશ્ચિમ વિભાગની ગ્રિડનું જોડાણ કરવામાં આવેલું છે. તે રીતે અન્ય વિભાગની ગ્રિડનું જોડાણ કરવામાં આવશે. ગ્રિડના સમન્વિત પ્રચાલન માટે અને હાલમાં ઉત્પન્ન થતી વિદ્યુત-ઊર્જાના મહત્તમ ઉપયોગ માટે વિભાગીય ભારપ્રેષક-કેન્દ્રો (regional load despatch centres) સ્થાપવામાં આવેલાં છે, જે વિભાગીય વિદ્યુત બોર્ડના અધિકારમાં કાર્ય કરે છે, જ્યારે વિદ્યુત બોર્ડ (central electricity board) તેની દેખરેખ રાખે છે. ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ વિભાગમાં RLDCમાં કમ્પ્યૂટરયુક્ત દૂરમાપકો (telemeters) અને ડેટા ઉપાર્જન પ્રણાલી (data acquisition systems) સ્થાપવામાં આવેલાં છે. દક્ષિણ વિભાગમાં આ પ્રણાલીને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવેલી છે; જે દૂરમાપકો, મિમિક બૉર્ડો, રેકોર્ડરો, ટેલેક્સ ટેલિપ્રિન્ટરો અને અન્ય ઉપકરણોથી સજ્જ હોય છે. ભવિષ્યમાં આ બધા જ વિભાગો પાવર ગ્રિડના અધિકાર નીચે અને એકબીજા સાથે ગ્રિડથી જોડાયેલા હશે, જેને રાષ્ટ્રીય પાવર ગ્રિડ કહેવામાં આવશે. આ ઉપરાંત આંતરદેશીય ગ્રિડ જોડાણો પણ જાણીતાં છે. જર્મની અને સ્વિડન પાવરગ્રિડથી જોડાયેલાં છે.

ઇલેક્ટ્રૉન નળીમાં (ટ્રાયોડ) કૅથોડ ફિલામેન્ટ અને એનોડ પ્લેટની વચ્ચે તારની જાળી જેવો એક ઇલેક્ટ્રૉડ રાખેલો હોય છે તેને પણ ગ્રિડ કહેવામાં આવે છે. જ્યારે તેમાં વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રૉડ કૅથોડ તરફથી એનોડ તરફ જતા ઇલેક્ટ્રૉનનું નિયંત્રણ કરે છે, તે નળી પ્રવર્ધક (amplifier) તરીકે પણ કાર્ય કરે છે. તેના પર પૂરતું ઋણ વીજદબાણ લગાડવામાં આવે ત્યારે કૅથોડ-પ્લેટ વચ્ચેનો પ્રવાહ દૂર થાય છે. તેને સ્વિચિંગ અસર કહે છે. તે થાયરેટ્રૉનની પાયાની કાર્યવિધિ છે.

પ્રવીણસાગર સત્યપંથી