ગ્રિગૉરિયન કૅલેન્ડર

February, 2011

ગ્રિગૉરિયન કૅલેન્ડર : દુનિયાના લગભગ બધા દેશોએ વ્યવહારમાં અપનાવેલું પોપ ગ્રેગરી તેરમાએ પ્રચલિત કરેલું તિથિપત્ર. તિથિપત્ર એટલે ‘કૅલેન્ડર’. તે રોમન શબ્દ ‘કૅલેન્ડઝ’ પરથી બનેલો છે. તેનો અર્થ માસનો પ્રથમ દિવસ થાય છે. શરૂઆતમાં પ્રાચીન રોમમાં 10 માસનું અને 365 દિવસનું કૅલેન્ડર અમલમાં હતું. તે પછી જુલિયસ સીઝરની સૂચનાથી ખગોળશાસ્ત્રી સૉસિજિનસ અને માર્ક્સ ફૅબિયસે એક નવા કૅલેન્ડરની રચના કરી જે ‘જુલિયન કૅલેન્ડર’ તરીકે ઓળખાયું અને 1582 સુધી ખ્રિસ્તીઓએ તેનો ઉપયોગ કર્યો. જુલિયન કૅલેન્ડર બહુ સાચું ન હોવાથી 1852માં પોપ ગ્રેગરી તેરમાએ તેને નાબૂદ કરી ખગોલીય ઘટના અનુસાર સુધારીને જે સંપૂર્ણ ચોકસાઈભરેલું કૅલેન્ડર અમલમાં મૂક્યું તે ‘ગ્રિગૉરિયન કૅલેન્ડર’ તરીકે ઓળખાયું અને સર્વસ્વીકૃત બન્યું.

સાયન વર્ષ (ઋતુચક્ર – tropical year) ની લંબાઈ 365. 24219 દિવસ (= 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ, 45.2 સેકન્ડ)ની છે, જે બે વસંતસંપાત વચ્ચેનો સમયગાળો છે; જ્યારે સામાન્ય વ્યાવહારિક વર્ષ 365 અથવા 366 દિવસ(પૂર્ણાંક સંખ્યા)નું બનેલું છે.

જુલિયન કૅલેન્ડરમાં વર્ષનો ગાળો 365.25 દિવસનો લેવામાં આવ્યો હતો (સાયન વર્ષ = 365. 24219 દિવસ). બંને કૅલેન્ડરો વચ્ચે વર્ષના ગાળાના આ પ્રમાણેના તફાવતને કારણે વસંતસંપાત દિન, 128 વર્ષના સમયગાળે એક દિવસ લેખે પાછો ઠેલાતો રહે છે. આ કારણે 1582માં વસંતસંપાત પાછો ઠેલાઈને 21 માર્ચને બદલે 11 માર્ચે આવ્યો હતો. ખગોળશાસ્ત્રી ક્રિસ્ટૉફર ક્લૅવિયસની સલાહ અનુસાર, પોપ ગ્રેગરી તેરમાએ આદેશ બહાર પાડી, 4 ઑક્ટોબર 1582 પછીના દિવસને 5 ઑક્ટોબર ગણવાને બદલે 15 ઑક્ટોબર ગણવો એમ જણાવ્યું; અને જુલિયન કૅલેન્ડરને બદલે નવું ગ્રિગૉરિયન કૅલેન્ડર અપનાવવાનું જણાવ્યું. ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ વગેરે દેશોએ આનો અમલ કર્યો; પરંતુ ઇંગ્લૅન્ડ અને તેના તાબાના દેશોએ આ ક્ષતિના સુધારા માટે 1752ના 2 સપ્ટેમ્બર પછીના દિવસને 3 સપ્ટેમ્બરને બદલે 14 સપ્ટેમ્બર ગણવાનું નક્કી કર્યું, જેથી વસંતસંપાત 21 માર્ચના દિવસે આવે. તારીખમાંના આવા ફેરફાર(shift)ને નિવારવા માટે ગ્રિગૉરિયન કૅલેન્ડર અનુસાર શતાબ્દી-વર્ષ(century year)ને 400 વડે નિ:શેષ ભાગી શકાય (ઉદા. 1600, 2000, 2400 વગેરે) તેમને ‘લીપ યર’ ગણીને ફેબ્રુઆરી માસના 29 દિવસ ગણવામાં આવે છે; પરંતુ 1700, 1800, 1900, 2100, 2200 વગેરે સામાન્ય શતાબ્દી વર્ષમાં સામાન્ય વર્ષની જેમ ફ્રેબ્રુઆરીના 28 દિવસ ચાલે છે. આમ, ગ્રિગૉરિયન કૅલેન્ડરનો વર્ષગાળો 365.24219 દિવસ હોવાથી 3,226 વર્ષે વસંતસંપાત 21 માર્ચને બદલે 20 માર્ચે આવશે. તે દિવસને વસંતસંપાત દિન ગણી એક દિવસ ઘટાડવા માટે આદેશ બહાર પાડવો પડશે.

પ્ર. દી. અંગ્રેજી

મુગટલાલ પોપટલાલ બાવીસી