ગ્રાહરિપુ (શાસનકાલ લગભગ 940–982) : સોરઠના ચૂડાસમા વંશનો ચોથો રાજા, વિશ્વ-વરાહનો પુત્ર અને તેનો ઉત્તરાધિકારી. કહે છે કે ગ્રાહરિપુએ કચ્છના રાજા લાખા ફુલાણીના કબજામાં રહેલું મધ્ય સૌરાષ્ટ્રમાંનું આટકોટ જીતી લેવા યત્ન કરેલો ને ત્યારે એ બે રાજાઓ વચ્ચે સંઘર્ષ થયેલો; પરંતુ ઉત્તર ગુજરાતના સોલંકી રાજા મૂલરાજના આક્રમક વલણ સામે તેઓએ પરસ્પર મૈત્રી સાધી.

હેમચંદ્રકૃત ‘દ્વયાશ્રય’માં નિરૂપ્યા મુજબ મૂલરાજે સોમનાથના યાત્રાળુઓને કનડતા ગ્રાહરિપુ પર આક્રમણ કર્યું. જમ્બુમાલી નદીના કાંઠે ભારે સંગ્રામ ખેલાયો. મૂલરાજે ગ્રાહરિપુને હરાવી કેદ કર્યો, એની વહારે આવેલા લાખાનો યુદ્ધમાં વધ કર્યો ને ગ્રાહરિપુની રાણીઓની વિનવણીથી ગ્રાહરિપુને છોડી મૂક્યો.

ગ્રાહરિપુ પરની આ ચડાઈનું વર્ણન માત્ર હેમચંદ્રાચાર્યે કર્યું છે, સોલંકી કાલના પછીના કવિઓએ કર્યું નથી; તેથી સોલંકી વંશના આ પહેલા રાજાએ એટલે દૂર ચડાઈ કરી હોય એ શંકાસ્પદ લાગે છે; પરંતુ ચારણોની અનુશ્રુતિ પણ આ ઘટનાને સમર્થન આપે છે. ગ્રાહરિપુની રાજધાની વામનસ્થલી(વંથલી)માં હતી. એનો ઉત્તરાધિકાર એના પુત્ર રા’ કવાતને પ્રાપ્ત થયો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી