ગ્રાહક-સુરક્ષા : ઉત્પાદકો, વિતરકો અને વેપારીઓની રીતિનીતિ સામે વસ્તુઓ અને સેવાના ઉપભોક્તાઓનાં હિતોનું રક્ષણ કરવાની પ્રવૃત્તિ. મૂડીવાદી અર્થતંત્રમાં મજૂરોનાં હિતોનું રક્ષણ કરવા માટે જેમ ઓગણીસમી સદીના આરંભમાં મજૂરપ્રવૃત્તિની શરૂઆત થઈ તેમ વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિનો મુક્ત બજારમાંના એક દબાવ-જૂથ તરીકે આરંભ થયો. સંપૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ છે. વાસ્તવમાં વેચાણખર્ચ અને ગ્રાહકોના અજ્ઞાનને લીધે બજારમાં અપૂર્ણ હરીફાઈ અથવા ઇજારાની સ્થિતિનું નિર્માણ થવાથી ગ્રાહકોનું શોષણ ન થાય તે માટે સ્વૈચ્છિક ધોરણે આ પ્રવૃત્તિનો આરંભ થયો. મૂડીવાદી અર્થતંત્રમાં ‘ગ્રાહક રાજા છે’ એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે ગ્રાહક-સુરક્ષા પ્રવૃત્તિનાં મૂળ નંખાયાં.
આરંભમાં ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિ મુખ્યત્વે ચીજવસ્તુઓ અને સેવાની બાબતમાં ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવા પૂરતી મર્યાદિત રહી હતી. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસથી મૂડીવાદી અર્થતંત્રનાં સ્વરૂપ અને બજાર અંગે રાજ્યની ભૂમિકામાં પરિવર્તન આવ્યું તેથી ગ્રાહકોનાં હિતોના રક્ષણની ભૂમિકા બદલાઈ. ગ્રાહકોના અધિકારો અંગેનો ખ્યાલ પણ પરિવર્તન પામ્યો. 1962માં અમેરિકન પ્રમુખ કૅનેડીએ ત્યાંની કૉંગ્રેસને મોકલેલા ‘ગ્રાહક સંદેશ’માં ગ્રાહકોના 4 અધિકારોનો ઉલ્લેખ કર્યો હતો : (1) સલામતીનો અધિકાર, (2) માહિતી મેળવવાનો અધિકાર, (3) પસંદગી કરવાનો અધિકાર અને (4) રજૂઆતનો અધિકાર. 1960ના દાયકા પછી વિકાસ અંગેના પ્રવર્તમાન ખ્યાલોમાં ધરખમ પરિવર્તન આવ્યું. પર્યાવરણની હાનિ અને અણુશસ્ત્રોની સંખ્યા વધવાથી વિકરાળ સમસ્યાઓ ઊભી થઈ અને આંતરરાષ્ટ્રીય ગ્રાહક-સંઘ સંગઠને (International Organisation of Consumers Unions – IOCU) ઉપર્યુક્ત 4 અધિકારોમાં બીજા 4 અધિકારો ઉમેર્યા : (1) પ્રાથમિક જરૂરિયાતો મેળવવાનો અધિકાર, (2) ફરિયાદોનો ઉકેલ પ્રાપ્ત કરવાનો અધિકાર, (3) ગ્રાહક-શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર અને (4) આરોગ્યપ્રદ પર્યાવરણ પ્રાપ્ત કરવાનો અધિકાર. આ 8 અધિકારો ઉપરાંત ‘આઇઓસીયુ’એ ગ્રાહકોની 5 જવાબદારીઓ પણ ઠરાવી : (1) સભાનતા, (2) કર્મઠતા, (3) સામાજિક સભાનતા, (4) પર્યાવરણલક્ષી સભાનતા અને (5) એકતા. કૅનેડીએ ઉપરનો સંદેશ 15 માર્ચ, 1962ના રોજ આપ્યો હતો તેથી 1983થી દર વર્ષે 15 માર્ચ ‘ગ્રાહક-અધિકાર’ દિન તરીકે ઊજવાય છે.
ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિનાં મૂળ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ સુધી જાય છે; પરંતુ એક આંદોલન તરીકે બ્રિટન અને અમેરિકામાં તેનો આરંભ 1920ના દાયકાથી થયેલો. જોકે બીજા વિશ્વયુદ્ધના આરંભ અને તે પછીના સમયમાં જ આ પ્રવૃત્તિએ વેગ પકડ્યો. ઔદ્યોગિક ક્રાંતિ બાદ વિકસેલા આધુનિક મૂડીવાદે ઉપભોક્તા સમાજનું નિર્માણ કરતાં ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિની માંગ અને જરૂરિયાત વધી ગયાં અને તેણે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ પકડ્યું. 1960માં અમેરિકા, પશ્ચિમ યુરોપ અને ઑસ્ટ્રેલિયાનાં 5 ગ્રાહક સંગઠનોએ ‘આઇઓસીયુ’ની સ્થાપના કરી. 1994માં તેમાં 70 દેશોનાં 180 જેટલાં ગ્રાહક સંગઠનો સભ્ય છે. તેનું વડું મથક નેધરલૅન્ડ્ઝમાં છે અને મલેશિયા, ચિલી તથા નેધરલૅન્ડ્ઝમાં તે પ્રાદેશિક કચેરીઓ ધરાવે છે તેમજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ગ્રાહકોનાં હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ 9 એપ્રિલ, 1985ના રોજ ગ્રાહક-સુરક્ષા માર્ગદર્શિકા અપનાવી છે અને દુનિયાની રાષ્ટ્રીય સરકારોને ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં અસરકારક રીતે ભરવા તાકીદ કરી છે.
ગ્રાહક–સુરક્ષા, ભારતમાં : ભારતમાં આધુનિક ગ્રાહક આંદોલનની શરૂઆત 1960ના દાયકાના પૂર્વાર્ધમાં થઈ. મુંબઈમાં 1964માં કેટલીક મહિલાઓએ ‘કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ની સ્થાપના કરતાં દેશમાં સંગઠિત ગ્રાહક આંદોલનનો વ્યવસ્થિત આરંભ થયો. 1993ના અંતે દેશમાં આશરે 700 ગ્રાહકમંડળો ઊભાં થયાં હતાં, જેમાંથી 400થી વધારે સરકારી દફતરે નોંધાયેલાં હતાં. દેશનાં અગ્રણી ગ્રાહક-સંગઠનોમાં ઉપરની સંસ્થા ઉપરાંત ‘વૉઇસ’ – દિલ્હી, ‘કટ્સ’ – કૉલકાતા, ‘અખિલ ભારતીય ગ્રાહક પંચાયત’ – નાગપુર, ‘કૉમન કૉઝ’ –દિલ્હી, ‘કન્ઝ્યુમર ઍક્શન ગ્રૂપ’ – ચેન્નાઈ, સીઈઆરસી (Consumer Education and Research Centre) – અમદાવાદ, ‘કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી’ – જમશેદપુર વગેરેનો સમાવેશ થાય છે.
ભારતમાં ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિને 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં વેગ મળ્યો. 1986ના ડિસેમ્બરમાં ભારતની સંસદે ગ્રાહક-સુરક્ષા ધારો પસાર કરતાં ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટેની અર્ધઅદાલતી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. આ ધારા અન્વયે સમગ્ર દેશમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગ્રાહક તકરાર-નિવારણ ફોરમ અને પંચની રચના કરવામાં આવી. તેથી ગ્રાહકો અને ગ્રાહકમંડળો માટે ખૂબ ઓછા ખર્ચે ઝડપથી ન્યાય મેળવવા માટેની વ્યવસ્થા ઊભી થઈ. આ ધારામાં પહેલી વાર જૂન, 1993માં સુધારા કરીને તેને વધુ અસરકારક બનાવવામાં આવ્યો. આ કાયદાને લીધે ભારતના ગ્રાહકોમાં વધુ જાગૃતિ આવી અને તેઓ ફરિયાદ કરીને ન્યાય મેળવવા માટે ઉત્સુક બન્યા. 1986 અગાઉ ભારતમાં ગ્રાહકોની સુરક્ષા માટે લગભગ દોઢ ડઝન જેટલા કાયદા અસ્તિત્વમાં હતા; પરંતુ આ તમામ કાયદા હેઠળ ફરિયાદ કરીને ન્યાય મેળવવાની જોગવાઈનો ગ્રાહકો વ્યાપકપણે ઉપયોગ કરતા નહોતા; કારણ કે દીવાની અદાલતોમાં થતા કામકાજમાં ખૂબ સમય વ્યતીત થતો હતો. ગ્રાહક-સુરક્ષા ધારામાં 90 દિવસમાં અને વધુમાં વધુ 150 દિવસમાં ચુકાદો આપવાનું ઠરાવવામાં આવ્યું હોવાથી ઝડપી ન્યાયની સંભાવનાઓ ઊભી થઈ. આથી ગ્રાહકોએ તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી.
ભારતમાં ગ્રાહક-સંગઠનો મુખ્યત્વે મોટાં શહેરો અને જિલ્લામથકો પૂરતાં મર્યાદિત છે તેમજ તે મધ્યમ અને ઉચ્ચ વર્ગના ગ્રાહકોનાં હિતોના રક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપે છે. એ ભારતના ગ્રાહક આંદોલનની મર્યાદા છે. જોકે આ સંગઠનોએ પણ જાહેર વિતરણવ્યવસ્થા, પીવાનું પાણી અને પ્રદૂષણ તથા નાની વપરાશી ચીજોમાં થતી ભેળસેળના વ્યાપક પ્રશ્નોને હાથ ધરેલા છે અને તેનાથી આમજનતાને લાભ થયો છે. ગ્રામવિસ્તારોમાં ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે ભારત સરકારના નાગરિક પુરવઠા મંત્રાલયે ગ્રાહકમંડળો અને કાર્યકરોને વિશિષ્ટ પુરસ્કાર આપવાની યોજના પણ જાહેર કરી છે.
ભારતમાં ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિના ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. 1990ના દાયકાના આરંભ સુધી દેશમાં નોંધાયેલાં સૌથી વધુ ગ્રાહક-સંગઠનો ગુજરાતમાં હતાં. 1993ના અંતે ગુજરાતમાં નોંધાયેલાં 22 અને વણનોંધાયેલાં 20 ગ્રાહક-સંગઠનો કામ કરતાં હતાં. 1970ના દાયકાના આરંભથી ગુજરાત રાજ્યમાં ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિએ વેગ પકડ્યો. સીઈઆરસી. – અમદાવાદ, કન્ઝ્યુમર પ્રોટૅકશન કાઉન્સિલ – અમદાવાદ, જાગ્રત ગ્રાહક – વડોદરા વગેરે ગુજરાતનાં જાણીતાં ગ્રાહકમંડળો છે. ગુજરાત સરકારે ‘કન્ઝ્યુમર અફેર્સ ઍન્ડ પ્રોટૅક્શન એજન્સી ઑવ્ ગુજરાત’(CAPAG)ની 1985માં સ્થાપના કરીને દેશમાં સૌપ્રથમ વાર સરકારી સંસ્થા દ્વારા ગ્રાહક-સુરક્ષાની પ્રવૃત્તિને પ્રબળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યસરકાર રાજ્યનાં નોંધાયેલાં ગ્રાહક-સંગઠનોને અનુદાન પણ આપે છે. રાજ્યનાં નોંધાયેલાં ગ્રાહક-મંડળોની સભ્યસંખ્યા આશરે 10,000ની છે.
બદલાતી આર્થિક પરિસ્થિતિને અનુરૂપ પ્રવૃત્તિ કરવામાં ગુજરાત અને ભારતનાં ગ્રાહકમંડળો અગ્રેસર રહ્યાં છે; પરંતુ ગ્રાહકોના સક્રિય ટેકાનો અભાવ અને પ્રતિબદ્ધ કાર્યકર્તાગણની ખોટ ભારતની ગ્રાહક-સુરક્ષા પ્રવૃત્તિને પીડી રહ્યાં છે. આમ છતાં, ખોરાકી ચીજોમાં ભેળસેળથી માંડીને વપરાશી ચીજોનાં પોતાની જ પ્રયોગશાળામાં તુલનાત્મક પરીક્ષણ સુધીનાં ક્ષેત્રોમાં ભારતનાં ગ્રાહકમંડળોએ ઝંપલાવ્યું છે અને દુનિયાનાં અગ્રણી ગ્રાહકમંડળોની કક્ષામાં બેસવા તેઓ સક્ષમ બન્યાં છે.
હેમન્તકુમાર શાહ