ગ્રામીણ વિકાસ : દેશના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેની વ્યૂહરચના તથા તેનો અમલ. ગ્રામીણ પ્રજાનાં આવક અને ઉત્પાદન વધે, તેમને સંતુલિત આહાર મળે, તે સુશિક્ષિત અને તંદુરસ્ત બને, જીવનની જરૂરિયાતો પર્યાપ્ત પ્રમાણમાં સંતોષી શકે અને સાથે સાથે તેના જીવનમાં ગુણાત્મક સુધારણા આવે એ માટેના પ્રયત્નોનો ગ્રામીણ વિકાસમાં સમાવેશ થાય છે. બીજું, ગ્રામીણ વિકાસની પ્રક્રિયા દરમિયાન ઉદભવેલી આવક ત્યાં વસતા ગરીબ સુધી પહોંચે, એનું જીવનધોરણ પણ પરિમાણાત્મક અને ગુણાત્મક રીતે સુધરે તે વાત પણ સવિશેષ મહત્વની છે. સમગ્ર ગામની પ્રજાને ઉત્પાદનની ઉચ્ચતર સપાટી સિદ્ધ કરી તેની વહેંચણી માટે જાગ્રત અને પ્રોત્સાહિત કરવી અને ગામના ગરીબને અભાવયુક્ત જીવનનાં સદીઓ જૂનાં બંધનોથી મુક્ત કરવો એ તેનું ધ્યેય છે. ભૌતિક અને માનવીય સાધનોનો વધુ સારો ઉપયોગ કરી ગ્રામપ્રજાનાં અને સવિશેષ તો ગરીબનાં આવક તેમજ જીવનધોરણ સુધારવાનો અને વિકાસકાર્યમાં ગરીબને અસરકારક રીતે સામેલ કરવા માટેની વ્યૂહરચના, નીતિ અને પરિયોજનાઓને ગ્રામીણ વિકાસ કહી શકાય.

આ વ્યાખ્યા પરથી તેનાં કેટલાંક અંગ જુદાં પાડી શકાય : (1) સાધનોનો પૂરેપૂરો ઉપયોગ, (2) ગામનાં તમામ ઉત્પાદનક્ષેત્રોમાં પ્રગતિ, (3) ગામની પ્રજા માટે વધુ આવક ને ઊંચું જીવનધોરણ, (4) આ લાભમાં ગરીબની હિસ્સેદારી તેમજ વિકાસની પ્રક્રિયામાં તેની સક્રિય સામેલગીરી. બીજા શબ્દોમાં વાતાવરણને, પ્રકૃતિને પોતાને અધીન રાખવાની, ગ્રામપ્રજાની શક્તિ સતત વધતી રહે ને તેમાંથી મળતા લાભ વ્યાપક રીતે વહેંચાતા રહે તેવી પ્રક્રિયા એટલે ગ્રામીણ વિકાસ. અહીં સામાજિક, રાજકીય ને સાંસ્કૃતિક પરિસ્થિતિ પરના ગ્રામવાસીના વધતા જતા કાબૂની વાત છે. તે પરિસ્થિતિવશ ન રહેતાં એમાં તે ફેરફાર કરી શકે છે અને પરિવર્તનની ગતિ અને દિશા પર કાબૂ રાખી શકે છે. વળી, એમાંથી ફલિત થતા લાભની વ્યાપક વહેંચણી પર પણ ભાર મુકાય છે.

માઇકલ ટોડારોના મતે ગ્રામીણ વિકાસમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાનો સમાવેશ થાય છે : (1) જીવનધોરણની સુધારણા (રોજગારી, કેળવણી, સ્વાસ્થ્ય, પોષણ, આવાસ ને અન્ય સામાજિક સેવાઓ), (2) ગામની પ્રજા વચ્ચેની આવકની અસમાનતામાં ઘટાડો તેમજ ગામ-શહેર વચ્ચેની આવક અને રોજગારીની તકો વચ્ચે સંતુલન, (3) આ પરિવર્તનની ગતિ ટકાવવા કે વધારવાની ગ્રામીણ ક્ષેત્રની ક્ષમતા.

ભૂતકાળના ગ્રામીણ વિકાસના પ્રયોગોમાં : (1) આરંભનાં ખ્રિસ્તી મિશનોએ ધર્માંતર કરનાર પ્રજાના સર્વાંગી વિકાસ માટે કરેલ પ્રયત્ન (1860–1920), (2) સ્પેન્સર હેંચે કેરળના મારટન્ડેમ ગામની આસપાસનાં ગામોમાં કરેલ પ્રયોગ, (3) પી. એલ. બ્રાયનનું પંજાબના ગુરગાંવ જિલ્લાનું વિકાસકાર્ય, (4) વડોદરા રાજ્યનો ગ્રામનિર્માણ કાર્યક્રમ, (5) રવીન્દ્રનાથ ટાગોરનો શ્રીનિકેતનનો પ્રયોગ, (6) ચેન્નાઈની ફિરકા વિકાસ યોજના (1943), (7) આલ્બર્ટ મેયરનો ઉત્તર પ્રદેશમાંના ઈટવાનો પાયલટ પ્રૉજેક્ટ (1948), (8) એસ. કે. ડેનો નિલોખેરી પ્રયોગ, (9) ઉત્તર પ્રદેશના ઈટાહમાં વાઇઝર્સે આરંભેલી ભારતીય ગ્રામસેવા પ્રવૃત્તિ વગેરે ખાસ નોંધપાત્ર છે.

અહીં ગાંધીજીની વિચારધારાથી પ્રેરાઈને થયેલા ગ્રામવિકાસના પ્રયોગોનો નિર્દેશ કરીએ તો સત્યાગ્રહ અને રચનાત્મક કાર્યક્રમના અન્યોન્યપૂરક બે માર્ગે ગાંધીજીએ ભારતની આઝાદીની લડત ચલાવી હતી. વળી સ્વાતંત્ર્ય પછીની સરકારની નીતિ પર પણ તેનો વત્તોઓછો પ્રભાવ રહ્યો છે. બિનસરકારી રાહે થઈ રહેલા ગ્રામોત્થાનના કેટલાક પ્રયોગો ગાંધીવાદી સંસ્થાઓ ને કાર્યકરો દ્વારા થઈ રહ્યા છે અને જ્યાં એમ નથી થતું ત્યાં પણ એમની પાછળનો પ્રેરણાસ્રોત ગાંધીજીની વિચારણામાં રહેલો છે. સમજાવટથી જમીન મેળવીને તેને ગામના ગરીબમાં ગરીબ ખેતમજૂરોમાં વહેંચવાની વિનોબાજીની ભૂદાન-ગ્રામદાનની ચળવળ તો ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમના વિસ્તાર જેવી હતી.

ગાંધીજીએ ભણેલા યુવાનોને ગામડાંમાં જવા હાકલ કરી. પોતાના પ્રશ્ર્નોને ગ્રામપ્રજા પોતે ઉકેલે તે માટે લોકશક્તિને જાગ્રત કરવાનું, દોરવણી આપવાનું ને સંગઠિત કરવાનું કામ રચનાત્મક કાર્યકર તરીકે તેમણે કરવાનું હતું. પોતાની નવી ર્દષ્ટિ, નવા વિચાર અને કૌશલ આ કામમાં તેમણે જોતરવાનાં હતાં. ગામડાંની પ્રજાની કાર્યશક્તિ ને ભણેલા યુવાનોની જ્ઞાનશક્તિના સંયોજનથી ગ્રામસમાજને નવો ઘાટ આપવાની તેમની કલ્પના હતી. તેમના રચનાત્મક કાર્યક્રમમાં આ મુદ્દાઓનો સમાવેશ થયો હતો : (1) ખાદી-ઉત્પાદન અને વપરાશ, (2) ગ્રામોદ્યોગોનો વિકાસ, (3) પશુસુધારણા, (4) સામાજિક-આર્થિક સમાનતા, (5) સ્વાવલંબી એકમ તરીકે ગામડું, (6) પાયાની કેળવણી, (7) પ્રાદેશિક ભાષાઓનો તથા રાષ્ટ્રભાષા તરીકે હિંદુસ્તાનીનો વિકાસ, (8) પ્રૌઢશિક્ષણ, (9) કોમી એકતા, (10) અસ્પૃશ્યતાનિવારણ, (11) સ્ત્રી-સમાનતા, (12) આદિવાસી પ્રજાનો વિકાસ, (13) દારૂબંધી, (14) ગ્રામસફાઈ, (15) આરોગ્યના નિયમોની કેળવણી અને નિસર્ગોપચાર, (16) રક્તપિત્તિયાની સેવા, (17) વાજબી હક માટે કિસાન અને મજૂરનાં સંગઠન, (18) સામાજિક સેવા માટે વિદ્યાર્થીનાં ને યુવકોનાં સંગઠન, (19) ગ્રામસ્વરાજ ને પંચાયતરાજ. આમ, તેઓ ગામના આર્થિક, શૈક્ષણિક, સામાજિક, આરોગ્યવિષયક અને રાજકીય વિકાસ પર ભાર મૂકતા હતા.

આર્થિક સુધારણા માટે સૌને ગામમાં રોજગારી મળી રહે તે માટે, શક્ય તેટલા પ્રમાણમાં સૌ પોતાના ગામમાં બનતી ગ્રામોદ્યોગની ચીજ ખરીદે (સ્વદેશીનો સિદ્ધાંત), ત્યાં પેદા કરવાનું શક્ય ન હોય તે ચીજ જ બહારથી ખરીદે એવો તેમનો આગ્રહ હતો. દરિદ્રનારાયણની સ્થિતિ સુધારવાનો બીજો કોઈ માર્ગ નથી એમ તે માનતા હતા.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી આયોજિત રીતે દેશનો વિકાસ સાધવાના પ્રયાસોના ભાગ રૂપે ગ્રામીણ વિકાસમાં પરિણમે એવાં સંખ્યાબંધ પગલાં ભરવામાં આવ્યાં છે. આ પગલાંને વિવિધ વર્ગોમાં નીચે પ્રમાણે વહેંચી શકાય :

1. ગ્રામવિસ્તારોમાં પાયાની સગવડો સર્જવામાં આવી છે. ગામડાંઓને ભૂમિમાર્ગો દ્વારા અન્ય ગામો તથા નગરો સાથે જોડવામાં આવ્યાં છે. આને પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં પેદા થતી ખેતપેદાશો, દૂધ અને અન્ય ચીજોને નગરોમાં બજાર પ્રાપ્ત થતાં એ ચીજોના ઉત્પાદકોને વધુ ભાવ મળે છે અને તેઓ વધુ જથ્થામાં પોતાની વસ્તુ વેચી શકે છે. આ પ્રક્રિયામાં તેમની આવક વધે છે. એ જ રીતે ગ્રામીણ વિસ્તારના લોકોને નગરવિસ્તારોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ પરિવહનખર્ચ ઘટતાં કિફાયત ભાવે મળે છે.

પાયાની સવલતો સર્જવાના એક ભાગ રૂપે મોટી અને મધ્યમ સિંચાઈ યોજનાઓ હાથ ધરાવામાં આવી છે. એના પરિણામે વાવેતર નીચેનો સિંચિત વિસ્તાર વધ્યો છે અને ખેતીના ઉત્પાદનમાં વધારો થયો છે. આ સાથે જ ગ્રામવિસ્તારમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડતાં પગલાં પણ ભરવામાં આવ્યાં છે, જેનાથી ગ્રામવિસ્તારના ઘણા ભાગોને પીવાનું ચોખ્ખું પાણી મળતું થયું છે.

ગ્રામવીજળીકરણના કાર્યક્રમ નીચે દેશના મોટા ભાગના ગ્રામવિસ્તારોને વીજળી પૂરી પાડવામાં આવી છે. આ વીજપુરવઠો ખૂબ અનિયમિત હોય છે તે સાચું પણ એનાથી કેટલાક લાભો જરૂર થયા છે. પોતાના બોરવેલ કે કૂવાની મદદથી સિંચાઈ કરતા ખેડૂતોને સસ્તી કે મફત વીજળી મળતાં તેમના દ્વારા કરવામાં આવતી સિંચાઈમાં વધારો થયો છે, જેનાથી ખેડૂતોની આવક વધી છે. ગામડાંમાં વીજળી પ્રાપ્ય બનતાં કેટલાક ઉદ્યોગો ગ્રામીણ વિસ્તારોમાં શરૂ થયા છે, જેનાથી ખેતીની બહાર રોજગારી સર્જવામાં સહાય સાંપડી છે.

2. જેને પાયાની સામાજિક સેવાઓ ગણવામાં આવે છે એવી કેટલીક સેવાઓનો લાભ પણ ગ્રામીણ વિસ્તારોને મળતો થયો છે. મોટા ભાગનાં ગામડાંઓમાં પ્રાથમિક શાળાઓ સ્થાપવામાં આવી છે. મોટા ગામોમાં આજે માધ્યમિક શાળાઓ પણ સુલભ બની છે. 1969માં બૅંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એ પછી રાષ્ટ્રીયકૃત બૅંકોએ તેમની શાખાઓ મોટા પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારોમાં ખોલી છે. તેથી ગ્રામીણ વિસ્તારોને બૅંકસેવાનો લાભ મળતો થયો છે. મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. આ આરોગ્યકેન્દ્રોની કામગીરી ઘણી અસંતોષકારક હોવા છતાં એમના પરિણામે ગ્રામીણ વિસ્તારોને આછીપાતળી આરોગ્યસેવાઓ મળતી થઈ છે. વળી, ભૂમિમાર્ગોની તેમજ મોટરવાહનોની સગવડો ઉપલબ્ધ થતાં ગ્રામવિસ્તારના દરદીઓને નગરવિસ્તારમાં લઈ જઈને તબીબી સારવાર કરાવવાનું શક્ય બન્યું છે.

3. સંદેશવ્યવહારના ક્ષેત્રે સધાયેલી અપૂર્વ પ્રગતિને કારણે ગ્રામવિસ્તારોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક ગાઢ અને જીવંત બન્યો છે. દેશનાં મોટા ભાગનાં ગામોને મોબાઇલ સુલભ બન્યો તે પૂર્વે ટેલિફોનની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યાં હતાં. હવે મોબાઇલ જમાનામાં તો આ સુવિધા દેશના પ્રત્યેક નાગરિકને સુલભ થઈ શકે તેમ છે. ટેલિવિઝન ગ્રામવિસ્તારોમાં પણ પ્રસરી ગયું છે. એનાથી ગ્રામીણ પ્રદેશોને શિક્ષણ અને મનોરંજનનું માધ્યમ સાંપડ્યું છે. આ માધ્યમથી ગ્રામજનો દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓને ઘેરબેઠાં નિહાળી શકે છે.

4. કૃષિવિજ્ઞાન દ્વારા ગ્રામીણ વિકાસ સાધવા માટે સરકારે અનેક પગલાં ભર્યાં છે. તેમાંનું મોટું પગલું હરિયાળી ક્રાંતિની ટૅક્નૉલૉજીના પ્રસારનું છે. વધુ ઉત્પાદન આપતાં સંકર બીજ પર આધારિત ટૅક્નૉલૉજી અપનાવવા માટે ખેડૂતો પ્રેરાય તે માટે સરકારે સર્વગ્રાહી નીતિનો અમલ કર્યો હતો. ખેડૂતોને તેમની પેદાશોના વાજબી ભાવો મળી રહે તે માટે સરકાર મોસમના અગાઉથી જ તળિયાના ટેકાના ભાવો જાહેર કરે છે અને તે કિંમતે જે ખેડૂતો પોતાના ઘઉં કે ચોખા વેચવા ઇચ્છતા હોય તેમની પાસેથી તે ખરીદી લેવાની વ્યવસ્થા કરે છે. હરિયાળી ક્રાંતિ માટે રાસાયણિક ખાતરોનો પર્યાપ્ત ઉપયોગ થાય તે અનિવાર્ય છે. ખેડૂતો પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરો પ્રયોજે તે માટે રાસાયણિક ખાતરો પર સબસિડી આપવામાં આવે છે. દેશમાં જરૂરી રાસાયણિક ખાતરો મળી રહે તે માટે દેશમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને રાસાયણિક ખાતરોની આયાતો માટે ઉદાર નીતિ અપનાવવામાં આવી છે.

કૃષિવિકાસને પ્રોત્સાહન આપતાં અન્ય પગલાં : સિંચાઈની સગવડોનો વિસ્તાર કરવામાં આવ્યો છે, ધિરાણની સગવડો વધારવામાં આવી છે અને બૅંકોને એ દિશામાં વાળવામાં આવી છે. ખેતપેદાશોનાં વેચાણ માટેનાં બજારોને નિયંત્રિત કરવામાં આવ્યાં છે. ગોદામોની સવલતો વિસ્તારવામાં આવી છે.

ગ્રામીણ વિસ્તારોના નબળા વર્ગોને લાભ આપતાં કેટલાંક વિશિષ્ટ પગલાં ભરવામાં આવ્યાં છે. ખેતીના ક્ષેત્રે ગણોતિયાઓ તરીકે બીજાની જમીન ખેડતા ખેડૂતોને ક્યાં તો જમીનના માલિક બનાવવામાં આવ્યા છે અથવા તો તેમની ગણોતને સુરક્ષિત કરવામાં આવી છે અને તેમને ચૂકવવી પડતી સાંથનું નિયંત્રણ કરવામાં આવ્યું છે. જમીનધારણ પર ટોચમર્યાદા મૂકી વધારાની જમીન ખેતમજૂરો અને સીમાંત ખેડૂતો વચ્ચે વહેંચવામાં આવી છે. ખેતમજૂરો માટે લઘુતમ વેતનદર મુકરર કરવામાં આવ્યા છે.

ગ્રામીણ વિસ્તારોમાં ખેતમજૂરો અને અન્ય મજૂરોને રોજગારી પૂરી પાડવા માટે વિવિધ સ્વરૂપે રોજગારીના કાર્યક્રમોનો અમલ કરવામાં આવે છે, જેમ કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી કાર્યક્રમ, ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની બાંયધરી યોજના વગેરે.

ગ્રામીણ ક્ષેત્રના નબળા વર્ગો માટે સુગ્રથિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નબળા વર્ગોને દુધાળાં પશુઓ જેવી ઉત્પાદક અસ્કામત પૂરી પાડવા માટે ધિરાણ અને સબસિડીની સગવડ કરવામાં આવી હતી. ગ્રામીણ યુવકોને સ્વરોજગારી માટે સજ્જ કરવાનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે.

કેટલાક આગવા પ્રશ્નો ધરાવતા વિસ્તારો માટે ખાસ કાર્યક્રમોનો અમલ કરવામાં આવે છે. દા. ત., રણવિસ્તાર વિકાસ કાર્યક્રમ, અનાવૃષ્ટિવાળા પ્રદેશને લગતા કાર્યક્રમો, પર્વતાળ પ્રદેશોને સ્પર્શતા કાર્યક્રમ વગેરે. આ બધા કાર્યક્રમો પરોક્ષ રીતે ગ્રામીણ વિકાસના કાર્યક્રમો બની રહે છે.

આ બધા કાર્યક્રમો અને બીજાં આર્થિક-સામાજિક પરિવર્તનોને કારણે 1950 પછીનાં વર્ષોમાં ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે અને જીવનધોરણ સુધર્યું છે. આની સાથે દેશના શહેરી વિસ્તારોમાં પણ લોકોની આવક અને જીવનધોરણમાં મોટો સુધારો રહ્યો છે. આના પરિણામે ગ્રામીણ અને નગરવિસ્તારો વચ્ચેની અસમાનતામાં મોટો વધારો થયો છે.

બદરીપ્રસાદ મ. ભટ્ટ