ગ્રામીણ બૅંક : ભારતના ગ્રામીણ અર્થતંત્રના ઝડપી વિકાસ દ્વારા સમતોલ પ્રાદેશિક વિકાસ તથા રાષ્ટ્રીય આવકની ન્યાયી વહેંચણીના સિદ્ધાંતોને સાકાર કરવા ઊભી કરવામાં આવેલી વિશિષ્ટ બૅંકો. ભારતના અર્થતંત્રમાં ગ્રામવિકાસની આવશ્યકતાને અનુલક્ષીને ભારત સરકારે 1969માં આર. જી. સરૈયાના પ્રમુખપદે બૅંકિંગ કમિશનની રચના કરી, જેનો અહેવાલ 1972માં સરકાર સમક્ષ રજૂ થયો. તદનુસાર ભારતના ગ્રામ-અર્થતંત્રની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાના ઇરાદાથી ગ્રામીણ બૅંકોની સ્થાપના પર ભાર મુકાયો. પાછળથી નરસિંહમ્ સમિતિએ પણ ગ્રામીણ બૅંકોની સ્થાપના અંગે સૂચન કર્યું હતું. આમ, વખતોવખત વિવિધ સમિતિઓ તથા કમિશનોની ભલામણોને ધ્યાનમાં લઈને સરકારે સપ્ટેમ્બર 1975માં પ્રાદેશિક ગ્રામ બૅંકો અંગેનો વહટુકમ બહાર પાડ્યો. 2જી ઑક્ટોબર 1975ના રોજથી ભારતમાં ગ્રામીણ બૅંકોની વિધિસર શરૂઆત થઈ.

ગ્રામીણ બૅંકોની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ સમાન પ્રાદેશિક વિકાસ અને આવકની વાજબી વહેંચણીના બંધારણના વચનનો સરકાર દ્વારા અમલ કરવાનો હતો. વળી, આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઉત્પાદન તેમજ સ્વરોજગારના હેતુ માટે નાણાં પૂરાં પાડીને ઉત્પાદન તેમજ આવકમાં વધારો કરવાનો ઉદ્દેશ પણ હતો. સહકારી ધિરાણ મંડળીઓ તથા રાષ્ટ્રીયકૃત બૅંકો ગ્રામવિસ્તારના નાના અને સીમાન્ત ખેડૂતો, લુહાર, સુથાર જેવા કારીગરોને નાણાં આપે છે; પરંતુ તે પૂરતાં ન હોવાથી ખાસ ગ્રામીણ બૅંકોની જરૂર વર્તાતી હતી તે પરિપૂર્ણ કરવા માટે તથા તે તે ક્ષેત્રમાં કામ કરતી ધિરાણ સંસ્થાઓનું સ્થાન લેવા માટે ગ્રામીણ બૅંકોનો જન્મ થયો.

ગ્રામીણ બૅંકોની સ્થાપના : (i) જે રાજ્યો અને વિસ્તારોમાં સરકારી મંડળીઓ કે વ્યાપારી બૅંકોની કામગીરી સંતોષકારક, અસરકારક અને વિસ્તૃત ન હોય, (ii) જે વિસ્તારોમાં થાપણોના એકત્રીકરણ માટેની વિપુલ ક્ષમતા હોય, તેમજ (iii) જ્યાં લાંબે ગાળે સર્વાંગી ગ્રામવિકાસની ગર્ભિત શક્યતાઓ રહેલી હોય, તેવા વિસ્તારોમાં જ કરવી એવી ભલામણો કરવામાં આવેલી હતી.

આ બૅંકોની મુખ્ય ઑફિસ જે તે જિલ્લાના મુખ્ય શહેરમાં હોય છે, જ્યારે તેની શાખાઓ તાલુકાઓમાં કે ઘટકોમાં સ્થાપવામાં આવે છે. તેની એક શાખાથી ત્રણ ઘટકોને આવરી લેવામાં આવે છે અને પાંચથી દસ ખેડૂત સેવામંડળીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. શરૂઆતમાં ખાસ પસંદ કરાયેલા વિસ્તારોમાં ચોક્કસ વર્ગ કે નિશ્ચિત ધંધાને ધિરાણ આપવામાં આવે છે, જેના દ્વારા બૅંકો આ વિસ્તારની આર્થિક જરૂરિયાતોથી વધુ માહિતગાર થઈ શકે. આમ, ધીમે ધીમે તમામ વર્ગો અને ધંધાઓ માટે થાપણો અને ધિરાણની કાર્યવાહીને વિસ્તૃત બનાવવાનો ઇરાદો છે.

પ્રત્યેક ગ્રામીણ બૅંકના કાર્યક્ષેત્રમાં એકથી પાંચ જિલ્લાઓનો સમાવેશ કરી શકાય. સમાન કૃષિ હવામાન ધરાવતા, વિશાળ પ્રમાણમાં ધિરાણ લેનાર ગ્રાહકો મળી રહે તેવા અને જ્યાં વિકાસની બાબતમાં ગણનાપાત્ર સમાનતા હોય તેવા વિસ્તારોને અગ્ર પસંદગી અપાઈ હતી.

વિસ્તારની ર્દષ્ટિએ દરેક ગ્રામીણ બૅંકને પોતાનાં સ્થાનિક ક્ષેત્રોમાં કાર્ય કરવાનું રહે છે અને તે માટે જરૂર પડે તો ગ્રામીણ બૅંક પોતાની શાખાઓ પણ ખોલી શકે છે.

જે તે વિસ્તારની આગળ પડતી જાહેર ક્ષેત્રની બૅંક, ગ્રામીણ બૅંકની રચના કરીને તેને મૂડી મેળવી આપવામાં, નાણાકીય તેમજ સંચાલકીય કાર્યોમાં તથા કર્મચારીઓની ભરતી અને તાલીમ અંગેનાં કાર્યોમાં જરૂરી સહાય પૂરી પાડવાની જવાબદારી પણ અદા કરે છે.

1949ના બૅંકિંગ નિયમન ધારા મુજબ પ્રાદેશિક ગ્રામીણ બૅંકો બૅંકિંગનું તથા બૅંકિંગને લગતું તમામ કાર્ય કરી શકે છે. પ્રાદેશિક ગ્રામીણ બૅંકો મોટે ભાગે નાના અને સીમાન્ત ખેડૂતોને વૈયક્તિક કે સામૂહિક ધોરણે ધિરાણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. તે ખેતીવિષયક બજાર-મંડળીઓ, ખેતઉત્પન્ન પેદાશોનું રૂપાંતર કરનારી મંડળીઓ અને બીજી સહકારી મંડળીઓને પણ ધિરાણ પૂરું પાડે છે. તે ઉપરાંત, નાના ઉત્પાદકો અને કારીગરોને પોતાના સ્થાનિક ક્ષેત્રમાં વેપાર-વાણિજ્ય કે ઉત્પાદનલક્ષી ઉદ્યોગોને પણ ધિરાણ પૂરું પાડે છે.

જૂન 1980 સુધીમાં ભારતમાં 73 પ્રાદેશિક ગ્રામીણ બૅંકો, 2,678 શાખાઓ સાથે કાર્ય કરતી હતી. તે સમયગાળા દરમિયાન તે બૅંકોની કુલ થાપણો રૂ. 162 કરોડની અને ધિરાણ રૂ. 189 કરોડનું હતું. 31–12–1992 સુધીમાં બૅંકોની કુલ 61,136 શાખાઓ પૈકી 35,289 શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી હતી, જ્યારે આ જ સમયગાળા દરમિયાન તેની કુલ રૂ. 2,616 કરોડની થાપણોમાંથી રૂ. 381 કરોડ ગ્રામીણ બૅંકો પાસે હતી અને કુલ રૂ. 1,533 કરોડ ધિરાણ પૈકી રૂ. 223 કરોડ પસંદગીનાં ગ્રામીણ ક્ષેત્રોમાં કરવામાં આવ્યું હતું.

રોહિત ગાંધી