ગ્રામોદ્યોગ : ગ્રામીણ વિસ્તારમાં મુખ્યત્વે સ્થાનિક જરૂરિયાત સંતોષવા માટે ચાલતા ઉદ્યોગો. ભારતમાં ગ્રામરચના એ પ્રકારની હતી કે તેના મુખ્ય ઉદ્યોગ ખેતી અને પશુપાલનના નિભાવ માટે બીજા કેટલાક ઉદ્યોગોની જરૂર રહેતી; જેમ કે, ખેતીઓજારોનું ઉત્પાદન અને મરામત; ખેતીના ઉત્પાદનનું રૂપાંતર કરતા ઉદ્યોગો જેવા કે વસ્ત્રઉત્પાદન, તેલીબિયાં, કઠોળ, ડાંગર જેવી ખેતપેદાશોનું રૂપાંતર. ઉપરાંત સ્થાનિક પ્રજાની અન્ય જરૂરિયાતો પૂરી કરતા માટીઉદ્યોગ, ચર્મઉદ્યોગ જેવા કેટલાક ઉદ્યોગો. નાનાંમોટાં બધાં ગામોમાં ખેડૂતોની આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે આવા ઉદ્યોગો ચાલતા હતા. આ જરૂરિયાતો માટે ગામ છોડી બીજે જવું ન પડે એ ર્દષ્ટિએ દરેક ગામમાં આવા કારીગરોને વસાવવામાં આવતા. આ ઉપરાંત કેટલીક વિશિષ્ટ કામગીરી કરતા કારીગરો જ્યાં જ્યાં વસ્યા હોય ત્યાં એવા ઉદ્યોગો પણ ચાલતા; જેમ કે, ધાતુનાં વાસણો અને અલંકારો બનાવવાં, સુંદર ભરતકામ અને વસ્ત્રોની છપાઈ-રંગાઈ કરતા ઉદ્યોગો વગેરે. આવા ઉદ્યોગો માત્ર સ્થાનિક જરૂરિયાતોને જ ખ્યાલમાં રાખીને નહોતા ચાલતા, પણ એક મોટા બજારને ખ્યાલમાં રાખી ચાલતા હતા. આ બધા જ ઉદ્યોગો મુખ્યત્વે ગૃહ-ઉદ્યોગો તરીકે ચાલતા. ઘરની બધી વ્યક્તિઓ – પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પણ – એ ઉદ્યોગમાં કામે લાગતી. મોટે ભાગે આ બધા ઉદ્યોગો વંશપરંપરાગત ધોરણે ચાલતા. વળી, દરેક કારીગર પાસે પોતાના ઉદ્યોગ ઉપરાંત થોડી જમીન પણ રહેતી જેમાંથી તેઓ પોતાની જરૂરિયાત જેટલું અનાજ, કઠોળ, તેલીબિયાં વગેરે પકવી લેતા. સ્વાવલંબન અને પરસ્પરાવલંબનના એક સમતોલ ધોરણને આધારે આ બધા ઉદ્યોગો ચાલતા જેથી તેમાં લાંબા ચઢાવ-ઉતારને બહુ અવકાશ ન હતો અને તેથી જ સેંકડો બલકે હજારો વર્ષો સુધી ગ્રામરચનામાં આ ઉદ્યોગોએ પોતાનું સ્થિર સ્થાન મેળવી લીધું હતું.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી આ પરિસ્થિતિમાં પરિવર્તન આવવા લાગ્યું. શહેરી ઔદ્યોગિકીકરણમાં યંત્રોનો તથા ઊર્જાનો મોટા પાયે વપરાશ થવાને કારણે ઉત્પાદનનું પ્રમાણ એકદમ વધવા માંડ્યું અને આ ઉત્પાદને ઝપાટાબંધ ગામડાંમાં પગપેસારો કરવા માંડ્યો. રસ્તા અને વાહનવ્યવહારનાં સાધનોમાં પણ પાયાના મોટા ફેરફારો થવાને કારણે આ પ્રક્રિયા એકદમ ઝડપી બની અને જોતજોતાંમાં ગામડાંની બધી જરૂરિયાતો શહેરનાં કારખાનાંએ પૂરી કરવા માંડી. આનું સીધું પરિણામ એ આવ્યું કે ગામડાંમાં ચાલતા ઉદ્યોગો શહેરી ઉદ્યોગો સામેની હરીફાઈમાં ટકી શક્યા નહિ અને એક પછી એક બંધ પડવા લાગ્યા. શહેરી ઉદ્યોગમાં તૈયાર થતો માલ ગુણવત્તાને ધોરણે ઊંચી કોટિનો જણાયો અને કિંમતમાં સસ્તો લાગ્યો તેથી ગામડાંની પ્રજાએ સ્થાનિક કારીગરો પાસેથી માલ લેવાને બદલે શહેરોમાંથી આવતો માલ ખરીદવા માંડ્યો. હાથવણાટમાં તૈયાર થતું કપડું, કુંભારના ચાક પર ઊતરતાં માટલાં, કોઠીઓ, નળિયાં, ઘાણીમાં તૈયાર થતું તેલ, હાથછડથી તૈયાર થતા ચોખા, સ્થાનિક મોચીઓએ બનાવેલા જોડા, ચંપલ; સ્થાનિક લુહારોએ ઘડેલાં ઓજારો – આ બધી ચીજોનું સ્થાન શહેરમાંથી આવતી ચીજવસ્તુઓએ લઈ લીધું અને ગામડાંના કારીગરોને ગામમાંથી નગરો તરફ અને મોટાં શહેરો તરફ ધકેલ્યા યા તો ખેતમજૂરો તરીકે ખેતીમાં કામ કરવાની ફરજ પાડી. ગામડાંમાં ચાલતા ઉદ્યોગો બંધ થવાને કારણે કારીગરોના એક મોટા વર્ગનું ભૂમિહીન ખેતમજૂરોમાં રૂપાંતર થયું. ગામડાંની અર્થરચનામાં આ એક ઘણો મોટો ફેરફાર થયો ગણાય. દરેક ગામમાં કારીગરોની જગાએ ખેતમજૂરી પર આધાર રાખતો વર્ગ ગામની એકંદર વસ્તીમાં 20 %થી 35 % જેટલો અત્યારે જોવા મળે છે. આ મજૂરોને ખેતીની મોસમમાં કામ મળે છે; પરંતુ ખેતી સિવાયના સમયમાં કાં તો કામની શોધમાં ગામ છોડી અન્યત્ર જવું પડે છે અથવા બેકાર રહેવું પડે છે. ગામડાંમાં દેખાતી અર્ધબેકારીના મૂળમાં ગામડાંની અર્થરચનામાં થયેલું આ પરિવર્તન છે. દર 10 વર્ષે થતી વસ્તીગણતરીના આંકડા પરથી ગ્રામકારીગરોની સંખ્યામાં થતો મોટો ઘટાડો અને ખેતમજૂરોની સંખ્યામાં થતો મોટો વધારો સ્પષ્ટપણે જણાઈ આવે છે. તેમને રોજગારી પૂરી પાડવા માટે ઉદ્યોગો અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ વિકસે તે જરૂરી ગણાય. આવી ઉત્પાદનપ્રવૃત્તિઓ ગ્રામીણ તેમ જ શહેરી વિસ્તારોમાં વિકસી શકે.

વિમલ શાહ