ગ્રામવીજળીકરણ : ગ્રામવિકાસ માટે વીજશક્તિ પૂરી પાડવાનું આયોજન. ભારત પરાપૂર્વથી ખેતીપ્રધાન દેશ રહેલો છે. તેથી દેશની મોટા ભાગની વસ્તી ખેતી અને તેને સંલગ્ન વ્યવસાયોમાં રોકાયેલી છે. ખેતીની પ્રગતિ પર લોકોના જીવનધોરણનો આધાર રહેલો હોઈ, આઝાદી બાદ ભારતે વિકાસશીલ અર્થતંત્રની નીતિ અપનાવી અને આયોજન દ્વારા દેશનાં ખેતી, સિંચાઈ, ઉદ્યોગ, માર્ગો અને વાહનવ્યવહાર, વીજ-ઉત્પાદન વગેરે જેવાં મહત્વનાં ક્ષેત્રોનો વિકાસ કરવાનું ભગીરથ કાર્ય આરંભ્યું. સાથોસાથ સામાજિક સેવા જેમાં શિક્ષણ, આરોગ્ય વગેરે સવલતોનો સમાવેશ થાય છે તેનું વિસ્તરણ કાર્ય પણ આરંભ્યું. હાલ દેશમાં આઠમી પંચવર્ષીય યોજના ચાલુ છે.

આયોજનનું મહત્વનું ધ્યેય રોજગારની તકો વધારવી, આવક અને જીવનધોરણ ઊંચાં લાવવાં અને વધુ સમતોલ અને વૈવિધ્યપૂર્ણ ગ્રામ-અર્થતંત્રની રચના કરી ગ્રામવિસ્તારોમાં નાના ઉદ્યોગો વિકસાવવાનું છે. આ ધ્યેય હાંસલ કરવા માટે વીજશક્તિ અતિ આવશ્યક છે. ખેતી મુખ્યત્વે વર્ષા ઋતુના પાણી પર અવલંબિત હોઈ, સરકારે સિંચાઈ માટે પંપસેટના વીજળીકરણને મહત્વ આપ્યું. જ્યાં સુધી પૂરતી નહેર-વ્યવસ્થાનો વિકાસ ન થાય ત્યાં સુધી ખેતીનો મુખ્ય આધાર પંપ દ્વારા કૂવામાંથી પાણી ખેંચી ખેતરોને પહોંચાડવા પર રહે. આમ, ગ્રામવીજળીકરણનું મૂલ્ય સમગ્ર ગ્રામવિકાસના સંદર્ભમાં ઘણું મોટું આંકી શકાય. ખરી રીતે ગ્રામવિસ્તારોના આર્થિક-સામાજિક પરિવર્તનમાં તે અગ્રસ્થાને છે.

ભારતમાં ગ્રામવીજળીકરણની પ્રગતિ : એકંદર ગ્રામસંખ્યા

ખેતી માટે જ વીજળીનો ઉપયોગ થતો હતો ત્યાં સુધી ગ્રામીણ વસ્તી ગૃહવપરાશ માટે વીજળીથી વંચિત રહેવા પામી હતી. તેથી ગ્રામ-જીવનધોરણની સુધારણાનું કાર્ય જટિલ બન્યું હતું. આ ઊણપ નિવારવા સઘન પ્રયત્નો કરવામાં આવ્યા. તેને પરિણામે ભારતમાં ગ્રામવીજળીકરણની પ્રગતિ સાથેના આલેખ મુજબ થઈ છે.

ગુજરાતની ભાવિલક્ષી યોજના (1973–83)માં નોંધ્યા પ્રમાણે ગ્રામવીજળીકરણમાં ગુજરાત પછાત હતું. હરિયાણામાં 100 %નું ધ્યેય હાંસલ થયું હતું. તમિળનાડુ, કેરળ, કર્ણાટક અને આંધપ્રદેશ વગેરે રાજ્યો ત્યારપછીના ક્રમે હતાં. આમ દેશનાં અન્ય રાજ્યોની હરોળમાં ગુજરાતને લાવવા માટે રાજ્યે ગાંધી શતાબ્દીના વર્ષમાં ગ્રામવીજળીકરણનો ભગીરથ કાર્યક્રમ ઘડી કાઢ્યો. ભારત સરકાર દ્વારા 1968–69 સુધી આ માટે નાણાકીય સહાય આપવામાં આવી હતી. વધુમાં રાજ્યના કેટલાક ગ્રામવિસ્તારો વીજપ્રાપ્તિના સ્રોતો કરતાં દૂર આવેલા હોઈ, વીજવહનનાં દોરડાં ત્યાં સુધી લંબાવવાનું વધુ ખર્ચાળ હતું. છતાં ગુજરાતે ગ્રામલોકોના હિતમાં આ કાર્ય ઉપાડી લીધું.

ગુજરાત અલગ રાજ્ય તરીકે 1960માં અસ્તિત્વમાં આવ્યું. પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજના દરમિયાન ગ્રામવીજળીકરણને ધાર્યો વેગ મળ્યો ન હતો. 1960–61 સુધીમાં વીજળીકરણ થયેલ ગામોની સંખ્યા 823 હતી તે માર્ચ 1971માં 4,235 થઈ હતી. પાંચમી યોજનાને અંતે (1974–78) રાજ્યનાં 18,275 પૈકી 10,807 ગામોનું વીજળીકરણ થયું હતું. છઠ્ઠી યોજનામાં બાકીનાં ગામોમાં વીજળીકરણ કરવા નક્કી કરાયું હતું; પરંતુ 1981–83નાં વર્ષોમાં આવેલા વાવાઝોડાને પરિણામે તેમાં થોડી ઓટ આવી હતી. સાતમી પંચવર્ષીય યોજનામાં 2,140 ગામોને આવરી લેવાનું આયોજન કરાયેલું હતું.

ઈ. સ. 2005 દરમિયાન વીજઉત્પાદનક્ષમતા 8946 મેગાવોટ (MV) હતી. તે જ વર્ષ દરમિયાન વીજઉત્પાદન અંદાજે 58209 મેગાયુનિટ (MV) હતું અને વીજળીનો વપરાશ 36,515 મેગાયુનિટ (MV) હતો.

ઉપર્યુક્ત વિગતોના પરિપ્રેક્ષ્યમાં નીચેની આંકડાકીય માહિતી ઉપયોગી થશે :

ક્રમ

વર્ષ (31 માર્ચના અંતે)

વીજળીકરણ થયેલાં ગામ

1.

1960

823

2.

1985 16,135
3. 1989

17,892

4.

1994

17,985

5. 2000

17940

6.

2005

17823

ગુજરાત રાજ્ય તરફથી બહાર પડેલ ‘સામાજિક-આર્થિક સમીક્ષા’(1993–94)માં દર્શાવ્યા મુજબ રાજ્યમાં કુલ 18,114 વસવાટ ધરાવતાં ગામો છે તે પૈકી 129 ગામોમાં વીજળીકરણ શક્ય નથી. બાકી રહેતાં તમામ 17,985 ગામોમાં વીજળીકરણ થઈ ગયું છે તે ગુજરાતની નોંધપાત્ર સિદ્ધિ ગણાય.

ઉમાકાન્ત મોહનલાલ ચોકસી