ગ્રામદાન : 1951–52માં વિનોબાજીએ શરૂ કરેલા ભૂદાનયજ્ઞમાં સ્વાભાવિક ક્રમે વિકસેલો દાનનો પ્રકાર. સર્વોદય સમાજનું ત્રીજું સંમેલન વર્ધાથી 482 કિમી.ને અંતરે આવેલા આંધ્રપ્રદેશના શિવરાપલ્લીમાં ભરાવાનું હતું. કૉંગ્રેસના અગ્રણી નેતા શંકરરાવ દેવની વિનંતીથી વિનોબા એ સંમેલનમાં જવા પગપાળા નીકળ્યા. 15મી એપ્રિલે સંમેલનની પૂર્ણાહુતિ પછી વિનોબાએ ફરી પદયાત્રા આંરભી. ત્રીજે દિવસે (તા. 18મી એપ્રિલ 1951) વિનોબા પોચમપલ્લી પહોંચ્યા. ત્યાં પ્રાર્થના પછી કેટલાક ભૂમિહીનોએ ખેતી માટે વિનોબા પાસે જમીનની માગણી કરી. વિનોબાએ એ જ સ્થળે જમીનના દાન માટે ટહેલ નાખી. સભામાંથી રામચંદ્ર રેડ્ડી નામના એક સજ્જને ભૂમિહીન કુટુંબોમાં વહેંચવા માટે 100 એકર જમીનનું દાન કર્યું. એમાં વિનોબાને ભૂમિસમસ્યાના અહિંસક ઉકેલનો ઈશ્વરી સંકેત જણાયો. તે જ દિવસથી ભૂદાનયજ્ઞ આંદોલનનો આરંભ થયો. વિનોબા ગામેગામ પગપાળા યાત્રા કરી ભૂમિવાનો પાસે તેમની માલિકીની જમીનનો છઠ્ઠો હિસ્સો દાનમાં માગવા લાગ્યા. એને ખૂબ સારો પ્રતિભાવ સાંપડ્યો. લોકોએ લાખો એકર જમીન દાનમાં આપી.

પદયાત્રા કરતા કરતા વિનોબા ઉત્તરપ્રદેશમાં પ્રવેશ્યા. ત્યાં હમીરપુર જિલ્લાના મંગરોઠ ગામના લોકો વિનોબા પાસે આવ્યા અને ગામની બધી જમીન દાનમાં આપી. તા. 24–5–1952ના રોજ બનેલી આ સહજ સ્વાભાવિક ઘટનામાંથી ભૂદાન આંદોલનને ગ્રામદાન તરફનો નવો વળાંક મળ્યો. એનાથી ‘ગ્રામદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિ’ની દિશામાં ક્રાંતિકારી કદમ મંડાયાં. ગ્રામદાનનું મહત્વ વિનોબાએ નીચેના પાંચ મુદ્દા દ્વારા સમજાવ્યું :

(1) તેનાથી આર્થિક સમાનતા અને સ્વતંત્રતાનું વાતાવરણ સર્જાય છે. (2) કુટુંબભાવનાનો વિસ્તાર થવાથી સાંસ્કૃતિક વિકાસ થાય છે. (3) જમીનની વ્યક્તિગત માલિકી નાબૂદ થાય છે અને ગામના વિવાદ ગામમાં પતાવવાનું નૈતિક વાતાવરણ પેદા થાય છે. (4) શાંતિ, નિર્ભયતા, દયા અને શ્રદ્ધાને પોષક એવો પ્રાચીન વર્ણાશ્રમધર્મ પુન: સ્થપાય છે. (5) બહારના આક્રમણથી ગ્રામસભાનું સંરક્ષણ થાય છે એટલે ગ્રામદાન એ સંરક્ષણનું પગલું બને છે.

ગ્રામદાન થતાં ભૂમિહીનોનો પ્રશ્ન આપોઆપ ઊકલી જાય છે. ગરીબી, બેકારી, અજ્ઞાન, રોગ, ગંદકી વગેરેના ઉકેલ માટે સામૂહિક પુરુષાર્થની પ્રેરણા મળે છે. ગ્રામદાન પછી ગ્રામસભાની રચના થાય છે. એમાં ગામનાં બધાં પુખ્ત વયનાં સ્ત્રી-પુરુષો સભ્ય બને છે. ગ્રામસભામાં ગ્રામસંગઠન, ગ્રામોદ્યોગો, કૃષિ-ઉત્પાદન, નહેર-આયોજન વગેરે વિકાસના વિવિધ પ્રશ્નો ચર્ચવા માટે દરેક વ્યક્તિગત રસ ધરાવતા હોઈ એમાં સીધી લોકશાહીની પદ્ધતિ અમલમાં આવે છે. ગામની જમીનની માલિકી ગ્રામસભાની ગણાય છે. એમાં સર્વાનુમતે કે સર્વસંમતિથી પ્રમુખ અને મંત્રીની વરણી થાય છે. પછી 10 કે 15 માણસોની કાર્યવાહક સમિતિની રચના થાય છે. એ સમિતિ રોજબરોજનાં કાર્યો હાથ ધરે છે. સૌપ્રથમ દરેકની જરૂરિયાત પ્રમાણે જમીનની વહેંચણી થાય છે. સૌને એ જમીન ખેડવાનો જ અધિકાર મળે છે, વેચવાનો કે ગીરે મૂકવાનો નહિ. ગ્રામસભા દ્વારા સેવાકાર્ય માટે શ્રમદાન સમિતિની પણ રચના થાય છે. વાજબી ભાવે ચીજવસ્તુઓ ખરીદવા દુકાન પણ ઊભી કરાય છે. ગ્રામસભા ગામના વેપાર-વાણિજ્યનું પણ નિયંત્રણ કરે છે. લોકોની જરૂરિયાતોનો અંદાજ કાઢી એ વસ્તુઓ ગામમાં જ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. કૃષિ-ગ્રામોદ્યોગ દ્વારા પાયાની જરૂરિયાતોમાં સ્વાવલંબન માટે ગ્રામસભા પ્રયત્નશીલ રહે છે.

ગ્રામદાની ગામમાં એક ગ્રામકોશનું પણ નિર્માણ થાય છે. એમાં દરેક ખેડૂત પોતાના ઉત્પાદનનો 40મો ભાગ અને કામધંધો કરનાર દરેક જણ પોતાની આવકનો 30મો ભાગ દર વર્ષે જમા કરાવે છે. એ ગ્રામકોશનો ઉપયોગ ગ્રામકલ્યાણની પ્રવૃત્તિમાં તથા વૃદ્ધો, વિધવાઓ અને અપંગોના નિર્વાહ માટે કરવાનો હોય છે.

ઓરિસાના કોરાપુટ જિલ્લામાં ગ્રામદાન આંદોલનને ખૂબ વેગ મળ્યો અને તે ગ્રામદાન આંદોલનનું મહત્વનું કેન્દ્ર બન્યો. પણ પછી ગ્રામદાન આંદોલન મંદ પડતાં વિનોબાને લાગ્યું કે ગ્રામદાનમાં જમીનની વ્યક્તિગત માલિકીનો શરૂઆતથી અંત આવતો હોવાને કારણે જમીનમાલિકોમાં કામ અને અર્થની પ્રવૃત્તિની અંગત પ્રેરણાને અવકાશ રહેતો નથી. એટલે વિનોબાએ દેશ સમક્ષ સુલભ ગ્રામદાનનો વિચાર રજૂ કર્યો. સુલભ ગ્રામદાનમાં જમીન માલિકે પોતાની જમીનનો વીસમો ભાગ દાનમાં આપવાનો હોય છે. એમાં જમીન જમીનદાર પાસે રહેતી હોવાથી તેનો પોતાનો રસ તથા સમાજનું હિત બંને જળવાઈ રહે છે.   ભાગની જમીનમાંથી ભૂમિહીનોને જમીન મળે છે. ગામના 80 % લોકો જો આ રીતે પોતાની જમીન દાનમાં આપે અથવા ગામની જમીનની 50 % જમીન દાનમાં મળે તો તે ગામનું ગ્રામદાન થયું ગણાય.

ગ્રામદાનનું સૌથી મોટું કેન્દ્ર બિહાર છે. વિનોબાએ પોતાની 16 વર્ષની પદયાત્રા દરમિયાન સૌથી વધુ સમય બિહારમાં આપ્યો હતો અને બિહારમાં જ એમને સૌથી વધારે સારો પ્રતિભાવ પણ સાંપડ્યો હતો. 31-7-1971 સુધીમાં દેશભરમાં થયેલાં 1,68,058 ગ્રામદાનો પૈકી એકલા બિહારમાં 60,065 ગ્રામદાનો થયેલાં અને બિહારદાનની શક્યતા સર્જાયેલી.

સુલભ ગ્રામદાનની પરિપૂર્તિ પ્રખંડદાનમાં થાય છે, જેમાં સો ગામોનો એક એકમ હોય છે અને આખા એકમમાં ગામોનું ગ્રામદાન અપાય છે. ગ્રામસ્તરના આયોજન માટે પ્રખંડદાન ખૂબ અનુકૂળ છે. એનાથી જમીનસુધારણા તેમજ ગ્રામપંચાયતો અને ગ્રામસંગઠનના કાર્યક્રમોમાં ગામલોકો અને સરકારના સંયુક્ત પુરુષાર્થનો સુમેળ સધાય છે. ગ્રામદાનથી બુનિયાદી સ્તરે પ્રેમ અને સંપ જળવાય છે, ગામમાં શાંતિ અને આબાદી સર્જાય છે, વિશ્વકલ્યાણ અને ભાઈચારાની ભાવના કેળવાય છે અને ઋગ્વેદનો પેલો મંત્ર ચરિતાર્થ થાય છે : विश्वं पुष्टम् ग्रामे अस्मिन् अनातुरम् । (અમારા ગામમાં પરિપુષ્ટ વિશ્વનું દર્શન થાઓ.)

રમણભાઈ મોદી