ગ્રહો અને જન્મકુંડળી : જાતકના જન્મસમયે ગ્રહોની સ્થિતિ દર્શાવતો આલેખ. ભવિષ્યની ગતિવિધિ જાણવાનું શાસ્ત્ર કે વિજ્ઞાન તે જ્યોતિષશાસ્ત્ર કે જ્યોતિર્વિજ્ઞાન. જ્યોતિષશાસ્ત્ર એ વેદાંગ છે. ગ્રહોની ગતિ પર આધારિત હોવાથી તે પ્રત્યક્ષ શાસ્ત્ર છે. આ શાસ્ત્રના ગણિત, સંહિતા અને હોરા એમ ત્રણ વિભાગ છે. તાજિક એ હોરાનો જ એક વિભાગ છે. અહીં ચર્ચા હોરા વિષયની છે. હોરા વિષયની ચર્ચા જાતક ગ્રંથોમાં હોય છે. તેમાં જન્મકુંડળી, ગ્રહો, ભાવ, ચલિત, ષડ્વર્ગાદિ વર્ગો, આયુર્દા, રશ્મિ, ગ્રહોનાં ઇતર બલ વગેરે બનાવવાની પદ્ધતિઓ, દશા-અંતર્દશાઓ એ સર્વ પરથી જાતકનું ભાવિફળ વગેરે વિષયો હોય છે.

ગ્રહો આપણી પૃથ્વી જેવા, એક પ્રકારના આકાશી પિંડો છે. કદ, પૃથ્વીથી તેમનું અંતર અને સમયની અસર પ્રમાણે તે ભિન્ન ભિન્ન ગુણ અને શક્તિ ધરાવે છે. પૃથ્વી અને ગ્રહોમાં જે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ તત્વો હોય છે તે જ તત્વોનાં બનેલાં મનુષ્યોનાં શરીરો હોય છે. ગુરુત્વાકર્ષણશક્તિના નિયમ મુજબ અથવા ગુણશક્તિને કારણે ગ્રહો માનવશરીરમાં રહેલાં આ તત્ત્વો પર અસર કરે છે. આ પરિસ્થિતિ સાથે મનુષ્યજીવનની ઘટનાવલી સંકળાયેલી છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે પ્રત્યેક પદાર્થમાં તેની પોતાની શક્તિ ગુપ્તપણે રહેલી છે. પદાર્થો એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધમાં આવે ત્યારે પોતપોતાની શક્તિ મુજબની અસર એકબીજા પર કરે છે. આ નિયમ મુજબ માનવશરીર પર ગ્રહોની અસર થાય છે. પૃથ્વીથી થોડે દૂર રહેલો ચંદ્ર તેની આકર્ષણશક્તિથી પૃથ્વી પર અસર કરે છે. તેને પરિણામે સમુદ્રોમાં ભરતી અને ઓટ થાય છે. સૂર્ય અને ચંદ્રનાં કિરણોની અસર તમામ જીવસૃષ્ટિ અને વનસ્પતિ પર થાય છે તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. આવાં પ્રત્યક્ષ પ્રમાણોથી સિદ્ધ થાય છે કે ગ્રહો અસર કરે છે.

વરાહમિહિરના કથન અનુસાર પ્રાણીઓનાં સર્વ શુભાશુભ કર્મોનું ફળ ગ્રહો સાથે સંબદ્ધ છે, અર્થાત્ ગ્રહો ફળના ઉત્પાદક કે નિયામક છે. કેટલાક શાસ્ત્રકારોના મતે ગ્રહો માત્ર કર્મફળનું સૂચન કરે છે. અન્ય જન્મોમાં જીવે જે શુભાશુભ કર્મ કર્યું હોય તેના ફળને આ શાસ્ત્ર (હોરાશાસ્ત્ર) અંધારે જેમ દીવો વસ્તુઓને બતાવે છે તેમ બતાવી આપે છે. ગ્રહો પૂર્વજન્મનાં કર્મોને આધારે ઉત્પન્ન થયેલા ‘અષ્ટ’ને વ્યક્ત કરે છે, અર્થાત્ પ્રાક્તન જન્મોમાં જીવે કરેલાં કર્મોમાંથી ભોગવાયેલાં કર્મો સિવાયનાં કર્મોનાં ફળ આ જન્મમાં ભોગવવાનાં છે એમ બતાવે છે.

ગ્રહોના દેવતાઓ મનુષ્ય પરત્વે પરમાત્માની ઇચ્છાના વાહકો છે. તે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેની સાંકળ છે. તે પરમાત્માના અંશરૂપ અવકાશીય પદાર્થો છે. તેઓ સૂર્યમાળામાં આવેલા છે અને અવકાશમાં તેમના નિશ્ચિત માર્ગમાં સતત ભ્રમણ કરે છે. તેથી પ્રત્યેક ક્ષણે તેમની ભિન્ન ભિન્ન અસર પડે છે. ગ્રહોની ગતિ પણ ભિન્ન ભિન્ન હોય છે.

ગ્રહો : પ્રાચીન જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સંખ્યા 9 બતાવેલી છે. (1) સૂર્ય, (2) ચંદ્ર, (3) મંગળ, (4) બુધ, (5) ગુરુ, (6) શુક્ર, (7) શનિ,  (8) રાહુ અને (9) કેતુ. આમાં રાહુ અને કેતુને છાયાગ્રહો કહેલા છે. અર્વાચીન કાળમાં વિજ્ઞાનીઓએ ત્રણ ગ્રહો બીજા શોધી કાઢ્યા છે : (1) યુરેનસ, (2) નેપ્ચૂન અને (3) પ્લૂટો.

ગ્રહજ્ઞાન સાથે રાશિજ્ઞાન પણ આવશ્યક છે. રાશિ એટલે સમૂહ. બ્રહ્માએ ભચક્ર અથવા નક્ષત્રચક્રનું સર્જન કર્યું છે. ચક્ર શબ્દનો અર્થ વર્તુળ યા ગોળાકાર થાય છે. પ્રત્યેક ગોળાકારના 360 અંશ હોય છે. નક્ષત્રચક્ર – ભચક્રના પણ 360 અંશ છે. આ નક્ષત્રચક્રમાં 27 નક્ષત્રો છે. નક્ષત્ર શબ્દનો અર્થ છે : न क्षरतीति नक्षत्रम् યાને જે ચલાયમાન નથી તે. આમ નક્ષત્રચક્ર સ્થિર છે. નક્ષત્રો તેમના તારાસમૂહોના આકાર ઉપરથી ભિન્ન ભિન્ન નામવાળાં છે. દરેક નક્ષત્રના ચાર ભાગ કરીએ તો કુલ 108 ભાગ થાય. આ 108 ભાગને બાર વિભાગમાં વહેંચવામાં આવે એટલે દરેક વિભાગમાં નવ ચરણ આવે. નવ નવ ચરણોના પ્રત્યેક વિભાગને રાશિ કહે છે. એટલે કે 360 અંશની બાર રાશિઓ થાય. આ વિભાગાત્મક રીતે બનેલ પ્રત્યેક રાશિના નક્ષત્ર-તારાના સમુદાય પરથી થતા આકાર પ્રમાણે તેનાં નામ નિશ્ચિત કરેલાં છે. આ નક્ષત્રચક્રમાં તમામ ગ્રહો પોતપોતાની ગતિ પ્રમાણે ભ્રમણ કરે છે. આમ નક્ષત્રચક્ર, રાશિ વગેરે સ્થિર છે; જ્યારે ગ્રહો ચલ છે તેથી તેમની અસરો દરેક ક્ષણે બદલાતી રહે છે. આ અસરોને જાણવાનું વિજ્ઞાન તે ફળજ્યોતિષ.

કુંડળી : કુંડળી એટલે નાભિ, વર્તુળાકાર. જન્મસમયે કોઈ પણ સ્થાનના, કોઈ પણ વખતના, આકાશના નકશાને જન્મકુંડળી કહે છે. એટલે કે અમુક વખતે અમુક ઠેકાણે જન્મ પામેલ બાળકને માટે આકાશના યથાતથ નકશાને યા ફોટાને જન્મકુંડળી એવી સંજ્ઞા આપવામાં આવી છે.

જન્મકુંડળીઓ હાલમાં બે પદ્ધતિઓથી કઢાય છે : (1) નિરયન અને (2) સાયન. અયનાંશરહિત ગ્રહો તથા ભાવોના ગણિતથી બનેલી કુંડળીને નિરયન કુંડળી કહે છે. અયનાંશ સહિત ગ્રહો તથા ભાવોના ગણિતથી બનેલી કુંડળી તે સાયન કુંડળી. પૂર્વના દેશો નિરયન કુંડળી તો પાશ્ચાત્ય દેશો સાયન કુંડળી સ્વીકારે છે.

અયનાંશ : સંપાતગતિને અયનાંશ કહે છે. જે ઠેકાણે વિષુવવૃત્તને ક્રાંતિવૃત્ત છેદે છે તે બિંદુને સંપાત અથવા ક્રાંતિપાત કહે છે. સંપાત બે છે : (1) મેષ સંપાત અને (2) તુલા સંપાત. અયન એટલે ગતિ. ગતિને કારણે સંપાતબિંદુ બદલાય છે. હાલમાં લગભગ સર્વમાન્ય અયનાંશ તા. 15–9–1993ના રોજના ઘડી, પળ, વિપળ છે.

                                23 — 46 — 25

જન્મકુંડળી બનાવવા માટેની બે પ્રચલિત રીતો નીચે પ્રમાણે છે : (1) ઇષ્ટ ઘડી પરથી જન્મકુંડળી બનાવવાની પ્રાચીન પદ્ધતિ અને (2) સાંપાતિક કાળ પરથી કુંડળી બનાવવાની અર્વાચીન પદ્ધતિ.

આ બંને પદ્ધતિમાં નીચેની બાબતોનું જ્ઞાન આવશ્યક છે : (1) જન્મતારીખ, વાર, (2) જન્મનું સ્થળ, (3) જન્મનો સમય, (4) જન્મસ્થળના અક્ષાંશરેખાંશ, તથા (5) પંચાંગ.

જન્મતારીખ : તારીખ હંમેશાં રાત્રે બાર વાગ્યે બદલાય છે. તે ધ્યાન રાખી તારીખ સ્વીકારવી. વાર સૂર્યોદય વખતે બદલાય. કુંડળીના નિર્માણમાં જન્મસમય અગત્યનો છે. આ બાબતમાં જલસ્રાવનો સમય, શીર્ષદર્શનનો સમય, પારકાએ કહેલો સમય તથા ઘડિયાળનો સમય એવી જુદી જુદી રીતો પ્રચલિત છે. તેમાં શીર્ષદર્શનનો સમય વધુ સૂક્ષ્મ ગણાય. તેથી શીર્ષદર્શનનો સમય અતિ ઉત્તમ યા સૂક્ષ્મ ગણાય છે. જન્મકુંડળી બનાવવા માટે પંચાંગ પણ અગત્યનું ઉપકરણ છે. જે અક્ષાંશ-રેખાંશ પર જન્મ હોય તે અક્ષાંશ-રેખાંશનું પંચાંગ વધુ અનુકૂળ પડે છે. તે ન હોય તો જે પંચાંગ ઉપલબ્ધ હોય અને જન્મસ્થળની નજીકના સ્થળનું હોય તેમાં સંસ્કાર કરી તે પંચાંગનો ઉપયોગ કરવામાં આવે છે.

કુંડળી બનાવવા માટે અક્ષાંશ-રેખાંશ સમય પ્રમાણ અને સ્થાનિક સમયનું જ્ઞાન પણ આવશ્યક છે. પ્રાચીન પદ્ધતિ પ્રમાણે કુંડળી બનાવવામાં પંચાંગ ઉપરાંત તે તે સ્થળનાં લગ્નપત્રો પણ આવશ્યક સાધન છે. સામાન્ય રીતે ઇષ્ટ ઘડી પરથી કે સાંપાતિક કાળ પરથી કાઢવામાં આવેલી કુંડળીઓમાં કોઈ ફરક આવતો નથી. આખરે જ્યોતિષ એ સ્પષ્ટપણે ગણિતનો જ વિષય છે. જન્મકુંડળીનિર્માણમાં ગ્રહસ્થિતિનો નિશ્ર્ચય પણ જરૂરી છે; પરંતુ હાલમાં મળતાં પંચાંગોમાં દરરોજના સવારના 5-30 વાગ્યાના ગ્રહો આપેલા હોય છે. એટલે સરળતા વધુ રહે છે. ઘણાં સ્થળોનાં સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ સરળતાથી ઉપલબ્ધ છે.

પ્રાચીન યા ઇષ્ટ ઘડી પરથી કુંડળી બનાવવાની રીત : જાતકની જન્મતારીખ, સમય અને સ્થળ પરથી ઇષ્ટ ઘડી કાઢવામાં આવે છે. જન્મના સમય(પ્રમાણ સમય)નો સ્થાનિક સમય બનાવવામાં આવે છે. તે દિવસના સ્થાનિક સૂર્ય અને તેના ઉદય-અસ્ત બનાવવામાં આવે છે. જન્મસમય અને સૂર્યના ઉદય વચ્ચેનું જે અંતર કલાક-મિનિટમાં આવે તેને અઢી વડે ગુણીને ઘડી અને પળ કરાય છે. જન્મ વખતનો સૂર્ય સ્પષ્ટ સમજવો જરૂરી હોય છે. પંચાંગમાં આપેલો સૂર્ય સવારના 5–30નો હોય છે. એટલે સવારના સાડાપાંચથી જન્મકાળ સુધીમાં જેટલા કલાક-મિનિટ યા ઘડી, પળ થાય તેટલાનું ચાલન આપવાથી સ્પષ્ટ સૂર્ય થાય છે. ત્યારબાદ જે અક્ષાંશનું લગ્નસાધન યા કુંડળી-સાધન કરવાનું હોય તે લગ્નપત્ર કાઢવામાં આવે છે. તેમાં સૂર્યના રાશિ-અંશ પ્રમાણે તેના સંપાતનો અંક લઈ તેમાં ઇષ્ટ ઘડી પળ ઉમેરવામાં આવે છે. જે ફળ આવે તે તે જ લગ્નપત્રમાં જ્યાં એટલે કે જે રાશિ-અંશ પર હોય તેટલા રાશિ-અંશનું લગ્ન સમજાય છે. બાદ લગ્નની રાશિ પ્રથમ ખાનામાં મૂકી પંચાંગમાં બતાવ્યા પ્રમાણેના ગ્રહો કુંડળીમાં મૂકવામાં આવે એટલે જન્મકુંડળી બને.

ઉદાહરણ : ઇષ્ટ ઘડી પરથી કુંડળી બનાવવી : બાળકની જન્મતારીખ 1–1–1993ના રોજ સાંજે 17–34 વાગ્યે મુંબઈમાં છે.

જન્મતારીખ 1–1–93; જન્મસ્થળ મુંબઈ; જન્મસમય સાંજે 5–34; અક્ષાંશ 18° 55´ ઉ રેખાંશ 72°–50´ તફાવત 38 મિ. 40 સે.

સ્ટાન્ડર્ડ ટાઇમ

તફાવત

17-34-0

38-40

16-55-20

મુંબઈ સૂર્યોદય

સ્ટા. ટા.

7-13-26

38-40

6-34-46

સ્થાનિક સૂર્યોદય

જન્મનો સ્થા. સમય

સ્થાનિક સમય  16-55-20

સ્થા. સૂ. ઉ.        6-34-46

                       10-20-34      જન્મસમયનો સ્પષ્ટ સૂર્ય

                       ×  2.5                 8.17

                        25.50.85

                        25  51  25

             ઇ. ઘડી પળ વિપળ

મુંબઈના લગ્નપત્ર પરથી રાશિ અને અંશના સંપાતમાંનો અંક

                        33 –­ 17

                +       25 –­ 51 –­ 25

                        59 ­– 8 –­ 25

આ આંક પ્રમાણે આવેલું સ્પષ્ટ લગ્ન     રા. અં

                                                     2 -­ 9

સાંપાતિક કાળ ઉપરથી કુંડળી બનાવવાની અર્વાચીન પદ્ધતિ :

આ પદ્ધતિ મુજબ લગ્નસાધન માટે ઇષ્ટ સાંપાતિક કાળ (RAMC) આવશ્યક બાબત છે. જન્મકુંડળી બનાવવા માટે જન્મસ્થળ, તેના અક્ષાંશ-રેખાંશ, જન્મસમય તારીખ અને સ્ટાન્ડર્ડ ટાઇમ યા પ્રમાણ-સમય અને ઇષ્ટ સાંપાતિક કાળ એટલે કે જન્મનો સ્થાનિક સમય.

ઇષ્ટ સાંપાતિક કાળની ગણતરી નીચે મુજબ થાય છે :

સ્ટાન્ડર્ડ યા પ્રમાણસમય + કે –­ તફાવત = સ્થાનિક સમય. સ્થાનિક સમય + સ્થાનિક શૂન્યકાળનો સાંપાતિક કાળ + સાંપાતિક કાળનો સમય પરત્વેનો સંસ્કાર = ઇષ્ટ સાંપાતિક કાળ. લગ્નસાધન માટે સ્થાનિક સમય લેવાનો હોય છે.

ઉદા., જન્મ. તા. 1–­1–­1993, મુંબઈ, સાંજે 5–34.

                               ક.            મિ

સ્ટાન્ડર્ડ ટાઇમ          17          34

તફાવત                                  38.40

સ્થા. સમય             16.56

તા. 1-1-93નો

સાંપા. કાળ                       6,   41    50

સાંપાતિક કાળ સંસ્કાર      +,   2.     47

                                        23.   40   37     ઇષ્ટ સાંપાતિક કાળ

                                                            (RAMC)

લગ્નસાધન (RAMC)    23 –  ­40 – ­00    કર્કના 3° નો (RAMC)

                                    23 –  ­3­9 –  1

                                    0   -­   0  – ­ 59   અંતર

                                    × 60

                                  ÷ 1નું અંતર 264

                                  3540 ÷ 264 = 13´.25´´

આમ ત્રિરાશિથી ગણિત કરતાં આવેલ લગ્ન

                                    રા.     અં.     ક.      વિ

                                     3.      3.      13.     25     આ લગ્ન સાયન છે. તેમાંથી

અયનાંશ બાદ કરવા              23     45     40

                                     2       9       27     35     નિરયન સ્પષ્ટ લગ્ન. લગ્ન

                                                                   એટલે કુંડળીનો પ્રથમ ભાવ.

          સૂ. 8. 17.

આમ બેય રીતે સ્પષ્ટ લગ્ન રા. અ. 2.9 આવે છે એટલે બેય પદ્ધતિમાં ફળ સરખું જ આવે છે. કુંડળી સરખી જ આવે છે.

આ કુંડળીના આધારે જ્યોતિષશાસ્ત્રના જાતક ફળાદેશના ગ્રંથોના આધારે ફળકથન થઈ શકે છે.

ભાવવિચાર : ભચક્ર(નક્ષત્રચક્ર)માં જેમ બાર રાશિઓ મેષ, વૃષભ વગેરે છે એવી જ રીતે જન્મકુંડળી તૈયાર થયા બાદ જન્મભૂમિના અક્ષાંશ પરત્વે ભચક્રના ઓછાવત્તા પ્રમાણમાં બાર વિભાગ પડે છે. આમાંના દરેક વિભાગને ભાવ-(ભવન)સ્થાન(house) કહે છે. કુંડળીના બાર વિભાગ એટલે બાર ભાવ.

જન્મ વખતે જે આકાશીય નકશો બને છે તે જન્મકુંડળી કહેવાય છે. જન્મસમયે ક્ષિતિજમંડલમાં જે રાશિ આવે છે તે લગ્નની રાશિ કહેવાય છે. ત્યાંથી ગણતરી કરીને અનુક્રમે બારેય ખાનાંમાં આંકડા મૂકવામાં આવે છે. આ દરેક ખાનું ભાવ તરીકે ગણાય છે.

આ બારેય ભાવનાં કેટલાંક પારિભાષિક નામો નીચે મુજબ છે :

ભાવ 1, 4, 7, 10 આ સ્થાનો યા ભાવો કેન્દ્ર કહેવાય છે.

2, 5, 8, 11 આ સ્થાનો પણફર સ્થાન કહેવાય છે.

3 , 6, 9, 12 આ સ્થાનો આપોક્લીમ સ્થાન કહેવાય છે.

કુંડળીના બારેય ભાવોમાં માનવનાં જુદાં જુદાં અંગોની કલ્પના છે.

ભાવ અવયવ
1. પ્રથમ ભાવ- લગ્નભાવ મસ્તક, મુખ
2. બીજો ભાવ મુખ, જમણી આંખ, ગરદન, ગળું
3. ત્રીજો ભાવ ખભો, ગળું, હાથ, છાતી, જમણો કાન
4. ચોથો ભાવ છાતી, ફેફસાં, હૃદય, હોજરી
5. પાંચમો ભાવ હૃદય, પેટ, વાંસો
6. છઠ્ઠો ભાવ પેટ, આંતરડાં, અંડ
7. સાતમો ભાવ પેડુ, કમર, ઉદરાન્તર, બેસણી
8. આઠમો ભાવ ઇન્દ્રિયો, ગુહ્ય ભાગ
9. નવમો ભાવ જાંઘ
10. દસમો ભાવ ઢીંચણ
11. અગિયારમો ભાવ

ડાબો કાન

ઢીંચણની નીચેનો ભાગ, પગનો ભાગ,
12. બારમો ભાવ પગનાં તળિયાં, ડાબી આંખ

પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય વિદ્વાનોના મતોનો સમન્વય કરી આ શરીરનાં અંગો દર્શાવેલ છે તેથી કેટલાક ભાવોમાં એકથી વધુ અંગો દેખાય છે.

બારેય ભાવો પૈકી દરેક ભાવમાં સામાન્ય રીતે કઈ કઈ બાબતોનાં ફળ જોઈ શકાય તેની વિગતો નીચે પ્રમાણે છે.

ભાવ

બીજાં

પારિભાષિક

નામો

ભાવમાં વિચારવાની વિગતો
01. પ્રથમ ભાવ

લગ્ન દેહભાવ

પ્રથમ કેન્દ્ર

આત્મા, શરીર

હોરા, કલ્પ,

લગ્ન, મૂર્તિ

શારીરિક તંદુરસ્તી, સ્થિતિ, જિંદગી,

સુખ-દુ:ખ, ચહેરો, રૂપ, રંગ, કદ,

જન્મજાત યા આગંતુક ચિહનો અને

અક્સ્માત.

02. દ્વિતીય ભાવ

ધનકુટુંબ ભાવ

પણફરસ્થાન

સ્વ-કુટુંબ-ધન

ધન-પૈસો – સંગ્રહ, રત્નનો ભંડાર,

સોનુંરૂપું, આભૂષણો, સુખ, ક્રયવિક્રય,

કુટુંબવિક્રમ.

03. તૃતીય ભાવ આપોક્લીમ

સ્થાન સહજ

પરાક્રમ, ભ્રાતૃ,

વિક્રમ

સગાં ઓરમાન ભાઈબહેનો, તેમની

સંખ્યા, નોકરચાકર, પરાક્રમ, તેઓની

સાથેનો મેળ, પોતાના આશ્રયે જીવ-

નારાઓની વિગત, આડોશીપાડોશી.

04. ચોથો ભાવ દ્વિતીય કેન્દ્ર,

સુખ, માતૃ,

પાતાલ, હિબુક,

વેશ્મ, મિત્ર

માતાનું સુખ, તેમની સાથેનો મેળ,

સુખ, સ્થાવર વૈભવ, વાહનો, સાધનો,

ઘર, ખેતર, જમીન, મિત્રવર્ગ, ચતુષ્પાદ

પ્રાણીઓ, બાગબગીચા, ઉદ્યાનવાડી,

સ્થાવર મિલકત.

05. પાંચમો ભાવ પણફરસ્થાન,

ત્રિકોણ, બુદ્ધિ,

વિદ્યા, સંતાન,

પ્રતિભા

સંતાનો પુત્ર પુત્રી ગર્ભસ્થિતિ.

બુદ્ધિયોગ, વિદ્યાયોગ, વિદ્યાનો પ્રકાર,

શરતો, લૉટરી, જુગાર, ખેલ, નાટક,

સંગીત, કલા વગેરે.

06. છઠ્ઠો ભાવ આપોકલીમ

સ્થાન રોગ

શત્રુ વ્યાધિ ક્ષત

અહિ ભંગ ક્રોધ

લોભ મત્સર

રોગ મંદવાડ, તેનાં કારણો, દુ:ખ, શત્રુ,

નોકરચાકર, હલકા લોકોથી થનાર

લાભહાનિ, ભાડૂતો, ખેડૂતો, એજન્ટો,

ચોર, સ્વાદ, કાકા-કાકી, મામા-મામી,

માસી, ચિંતા, શંકા વગેરે.

07. સાતમો ભાવ તૃતીય કેન્દ્ર

અસ્ત કેન્દ્ર

કામ વિવાહ

સ્ત્રી રતિ દ્યૂત

મદ અજ્ઞતા

લગ્ન, પતિ યા પત્નીના ગુણદોષ,

સ્વભાવ, રૂપરંગ, મેળ (વિકલ્પે વ્યાપાર

વ્યવસાય), પ્રવાસ, યાત્રા, મુસાફરી,

ભાગીદારો, રણમાં શૂરવીરતા વગેરે.

08. આઠમો ભાવ પણફરસ્થાન

આયુષ્ય મૃત્યુ

પરાભવ મૃતિ,

બંધ રંધ્ર

નિધન ચ્યુતિ

આયુષ્યમર્યાદા, મૃત્યુનાં કારણો,

મરણની જગા, અવસ્થા, સંકટ,

દુ:ખ, શસ્ત્ર, વિષ, અગ્નિ, વાહન,

પશુ વગેરેથી પીડા, ઘાવ, આપઘાત,

દેહપીડા વગેરે.

09. નવમો ભાવ આપોકલીમ

શુભકર્મ ધર્મ

ભાગ્ય ત્રિકોણ

ગુરુ વિભુ

ભાગ્યોદય, તીર્થયાત્રા, મુસાફરી,

પ્રવાસ, અધ્યાત્મ જ્ઞાન, ધર્મ, ગુરુ,

ભક્તિ, વિદ્યા, દીક્ષા, શાસ્ત્રપ્રીતિ,

ઈશ્વરપ્રાપ્તિ વગેરે.

10. દશમો ભાવ ચતુર્થ કેન્દ્ર

કર્મ વ્યાપાર

રાજ્યદ્વાર

આસ્પદ

મેષુ-રણ માન

માન, યશ, રાજદ્વારથી માન,

યશ-અપયશ, સામાજિક સાર્વજનિક

યશ-અપયશ, આબરૂ, સત્તાકીર્તિ,

રાજ્યલાભ, નોકરી, ખિતાબ-પ્રાપ્તિ,

ઇલકાબ, મહાન પદવી-પ્રાપ્તિ, સુખ

અને મિલકત, વાહન-સુખ વગેરે.

11. એકાદશ ભાવ પણફરસ્થાન

આય લાભ

અય તપ

જીવનમાં મળનારા નાનામોટા લાભ,

હાથી, ઘોડા, પાલખી, વાહન, વ્યાપાર,

વ્યવસાયમાં મળનારા લાભ, રત્નો,

સોનું વગેરેના લાભ વગેરે.

12. દ્વાદશ ભાવ આપોકલીમ

સ્થાન વ્યય,

રિષ્ફ હાનિ

દ્રવ્યહાનિ, નુકસાની, ખોટ, સારા-નરસા

ખર્ચા, દાન, રાજદ્વારથી દંડ, બંધન,

ગુણશત્રુ, ઠગાઈ, રાજદ્રોહના આરોપ,

શિક્ષા વગેરે.

સામાન્ય રીતે દરેક ભાવમાં રહેલી રાશિ, ગ્રહો તથા ગ્રહોની ર્દષ્ટિ વગેરેના આધારે શુભ ગ્રહોનાં ફળ સારાં અને ક્રૂર ગ્રહોનાં ફળ ખરાબ હોય છે. આ રૂપરેખાના આધારે કુંડળીના ગ્રહો ષડ્ વર્ગ રશ્મિબળ-મૈત્રી-આયુર્દા-અષ્ટકવર્ગ-દશ-વર્ગ-ષોડશ-વર્ગ-વીસવર્ગ વગેરેના આધારે ફળાદેશ જોઈ શકાય છે.

નટવરલાલ પુરોહિત