ગ્રસન (swallowing) : ખોરાક તથા પાણીને મોંમાંથી જઠરમાં પહોંચાડવાની ક્રિયા. તેને અંગ્રેજીમાં શાસ્ત્રીય રીતે deglutition કહે છે. આ પ્રક્રિયામાં મોં, ગળું તથા અન્નનળી ભાગ લે છે અને તેને લાળ તથા શ્લેષ્મ (mucus) વડે સરળ બનાવાય છે. તેના ત્રણ તબક્કા વર્ણવવામાં આવેલા છે : (1) ઐચ્છિક તબક્કો, (2) ગ્રસની અથવા ગળા(pharynx)નો તબક્કો અને (3) અન્નનળીનો તબક્કો. મોંમાંથી કોળિયો જ્યારે મુખગળા(oropharynx)માં પ્રવેશે છે ત્યારે તે એક ઐચ્છિક ક્રિયા હોય છે અને વ્યક્તિ તે ક્રિયા પર પોતાનું નિયંત્રણ રાખે છે. મુખગળામાંથી ગળા અને અન્નનળીમાં પ્રવેશતો કોળિયો અનૈચ્છિક (involuntary) ક્રિયા દ્વારા આગળ વધે છે. અન્નનળીમાંનો પણ તેનો પ્રવાસ અનૈચ્છિક ક્રિયાના ભાગ રૂપે થાય છે. આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે ખોરાકનો કોળિયો, જીભની ઉપર તથા પાછળ તરફની ગતિ થવાથી મૃદુ તાળવા (soft palate) તરફ ધકેલાય છે. આ ઐચ્છિક ક્રિયા છે. ત્યારપછી ગળાનો અનૈચ્છિક ક્રિયાવાળો તબક્કો શરૂ થાય છે જેમાં સ્વરપેટીને એપિગ્લૉટિસ વડે ઢાંકી દેવામાં આવે છે તેને કારણે શ્વસનમાર્ગ બંધ થાય છે અને કોળિયો અન્નનળીમાં પ્રવેશે છે. આ સમયે થોડાક સમય માટે શ્વાસોચ્છવાસની ક્રિયા બંધ થાય છે. કોળિયો જ્યારે મુખગળામાં આવે ત્યારે ત્યાંની સંવેદનશીલ ચેતાઓ(sensory nerves)માં ઉદભવતી ઉત્તેજનાઓ મસ્તિષ્ક-પ્રકાંડ(brain stem)ના લંબમજ્જા (medula oblongata) અને મજ્જાસેતુ(pons)માં આવેલા ગ્રસનકેન્દ્ર(deglutition centre)ને ઉત્તેજે છે. ગ્રસનકેન્દ્રમાંથી ઉદભવતા આવેગો મૃદુ તાળવાને ઉપર તરફ ખસેડીને ગળાનો નાક તરફનો માર્ગ બંધ કરે છે તથા સ્વરપેટીને ઉપર તરફ ખસેડીને નીચલો શ્વસનમાર્ગ બંધ કરે છે. તેથી ખોરાકનો કોળિયો નાક કે શ્વાસનળીમાં પ્રવેશવાને બદલે અન્નનળીમાં પ્રવેશે છે. તેને ગ્રસનલક્ષી પરાવર્તી ક્રિયા (deglutition reflex) કહે છે. સ્વરપેટી ઉપર તરફ ખસે છે ત્યારે તેનું સ્વરછિદ્ર (glottis) સ્વરરજ્જુઓ (vocal cords) વડે તથા સ્વરછિદ્રઢાંકણ (epiglottis) વડે બંધ થાય છે. આ સમયે અન્નનળીનો ઉપલો છેડો વધુ પહોળો થાય છે. ગળામાં પ્રવેશેલો કોળિયો 1 કે 2 સેકન્ડમાં અન્નનળીમાં પ્રવેશે છે. તે પછી તરત જ શ્વસનમાર્ગ ખુલ્લો થઈ જાય છે અને શ્વાસોચ્છવાસ ફરીથી શરૂ થાય છે.
અન્નનળી ગળામાંથી શરૂ થઈ, છાતીના પાછલા ભાગમાં થઈને પેટના ઉપલા ભાગ સુધી પહોંચે છે. તે 23થી 25 સેમી. લાંબી નળી છે. અન્નનળીના સ્નાયુઓનું સંકોચન અને વિકસન એક ચોક્કસ લયથી થાય છે અને તેથી તેનાથી ઉદભવતી ગતિને લહેરગતિ (peristalsis) કહે છે. તે ત્રણ પ્રકારની છે. તેને કારણે અન્નનળીના જુદા જુદા ભાગ ક્રમશ: પહોળા થાય છે અને સંકોચાય છે. આ ક્રમશ: થતી ક્રિયાની લહર મોંથી જઠર તરફ જાય છે અને આમ ખોરાકનો કોળિયો ધીમે ધીમે જઠર તરફ ધકેલાય છે. સમગ્ર ક્રિયા પર ગુરુત્વાકર્ષણના બળનો કોઈ ઉપયોગ કરાતો નથી માટે ઊંધો લટકતો માણસ પણ જો પાણી પીએ તો તે નાક વાટે બહાર આવવાને બદલે જઠરમાં પ્રવેશે છે (આકૃતિ 2). અન્નનળીના લંબ સ્નાયુતંતુઓ (longitudinal muscle fibre) અને વર્તુળાકાર સ્નાયુતંતુઓ(circular muscle fibres)ના સુમેળભર્યા સંકોચન-વિકસનથી આ શક્ય બને છે. ઢીલા કોળિયાને અન્નનળીમાંથી પસાર થતાં 4થી 8 સેકન્ડ થાય છે જ્યારે પાણી કે પ્રવાહીને 1 સેકન્ડ જેટલો સમય લાગે છે. અન્નનળી-ઉરોદરપટલ(diaphragm)માં આવેલા છિદ્ર-માર્ગ(hiatus)માંથી પસાર થાય છે. તેની સહેજ ઉપર અન્નનળીના નીચલા છેડાનો દ્વારરક્ષક હોય છે જે ગ્રસનક્રિયા સમયે શિથિલ થાય છે અને ખોરાકના કોળિયાને જઠરમાં પ્રવેશવા દે છે.
ખોરાક ગળવામાં થતી તકલીફ : તેને દુગ્રસન (dysphagia) કહે છે. જ્યારે કોળિયો ગળા, મોં કે અન્નનળીમાં ચોંટેલો છે અથવા અટકી ગયો છે એવી સંવેદના થાય ત્યારે તેને દુગ્રસન કહે છે.
ખોરાક્ધો ગળવામાં પડતી તકલીફો વિવિધ પ્રકારની હોય છે. જેમ કે અન્નનળીના માર્ગમાં સંપૂર્ણ અવરોધ (obstruction) ઉદભવે તો તેને કારણે કોળિયો નીચે ઉતારી શકાતો નથી. તેને અગ્રસન (aphagia) કહે છે. ગળામાં સોજો આવ્યો હોય કે ચેપ લાગ્યો હોય તો ગળવાની ક્રિયાની શરૂઆતમાં દુખાવો થાય છે. ગળતી વખતે દુખાવો થાય તો તેને પીડાકારી ગ્રસન (odynophagia) કહે છે. મનોવિકારી દુગ્રસન(globus hystericus)ના દર્દીને ખોરાક ગળવામાં કોઈ તકલીફ હોતી નથી; પરંતુ તેના માનસિક વિકારને કારણે તેને ગળામાં કોળિયો ચોંટી રહ્યો છે એવું લાગ્યા કરે છે. આવા દર્દીઓ ક્યારેક ખોરાકને ગળેથી ઉતારતાં ડરે છે અથવા તે મોંએથી ખોરાક લેવાનો વિરોધ કરે છે. કેટલાક દર્દીઓ અન્નનળીમાંથી ખોરાકનો કોળિયો પસાર થઈ રહ્યો છે એવી સંવેદના અનુભવે છે. તેને દુગ્રસન ગણવામાં આવતું નથી.
કોળિયાનું કદ મોટું હોય, અન્નનળીનું પોલાણ સાંકડું થયું હોય અથવા અન્નનળીના સ્નાયુઓ કે ચેતાઓનો વિકાર થયો હોય અને તેને કારણે અન્નનળીની લહરગતિમાં વિકાર ઉદભવ્યો હોય તો કોળિયો ગળવામાં તકલીફ પડે છે. કોળિયાનું કદ મોટું હોય કે અન્નનળીનું પોલાણ ઘટ્યું હોય તો તેને યાંત્રિક (mechanical) દુગ્રસન કહે છે, જ્યારે સ્નાયુ કે ચેતાઓનો વિકાર હોય તો તેને ચલનલક્ષી (motor) દુગ્રસન કહે છે. સામાન્ય રીતે જરૂર પડ્યે અન્નનળીનો વ્યાસ વધીને 4 સેમી. જેટલો થાય છે અને જો તે 2.5 સેમી. જેટલો ન થઈ શકે તો ખોરાક ગળવામાં તકલીફ પડે છે. યાંત્રિક અને ચલનલક્ષી દુગ્રસનનાં મુખ્ય કારણો સારણી-1માં દર્શાવ્યાં છે. તેમનાં ચિહ્નો અને લક્ષણોને આધારે વિવિધ તપાસ કરીને નિદાન કરાય છે. સારવાર રૂપે જે તે વિકારનો ઉપચાર કરવો પડે છે. જરૂર પડ્યે નાક-જઠરી (nasogastric, Ryle’s) નળી વડે ખોરાકને જઠરમાં પહોંચાડવામાં આવે છે અથવા જઠરછિદ્રણ (gastrostomy) કરીને ખોરાક સીધેસીધો જઠરમાં પહોંચાડવો જરૂરી બને છે.
સારણી 1 : ખોરાક ગળવાની તકલીફ કરતા વિકારો
(અ) | યાંત્રિક (mechanical) વિકૃતિઓ | |
(1) | મોટો કોળિયો અથવા અન્નનળીમાં અવરોધ કરતો બાહ્ય પદાર્થ | |
(2) | અન્નનળીનો ચેપજન્ય કે શોથકારી (inflammatory) સોજો | |
(3) | લોહ(iron)ની ઊણપને કારણે અન્નનળીમાં થતા પડદા | |
(4) | પૅપ્ટિક અલ્સરને કારણે, ઍસિડ પીધા પછી શોથકારી વિકારને કારણે, શસ્ત્રક્રિયા પછી જન્મજાત વિકૃતિને કારણે સાંકડી થયેલી અન્નનળી [તેને સંકીર્ણન (stricture) કહે છે]. | |
(5) | અન્નનળીનું કૅન્સર અથવા સૌમ્ય (benign) ગાંઠ | |
(6) | અન્નનળી બહારની ગાંઠ, પહોળી થયેલી નસ, કરોડના મણકાના વિકારો, અન્નનળી બહારનું ગૂમડું વગેરે કારણે બહારના દબાણથી અન્નનળીનું ઘટેલું પોલાણ. | |
(આ) | ચલનલક્ષી (motor) વિકારો | |
(1) | મોં, જીભ, ગળા કે અન્નનળીના સ્નાયુઓનો લકવો | |
(2) | મોં, જીભ, ગળા કે અન્નનળીના સ્નાયુના વિકારો | |
(3) | અન્નનળીના નીચલા છેડાના દ્વારરક્ષકના વિકારો. |
શિલીન નં. શુક્લ