ગૌહર, ગુલામનબી (જ. 26 જૂન 1934, ચરારી શેરીફ, કાશ્મીર; અ. 19 જૂન 2018, બડગાંવ, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી સાહિત્યકાર. આ લેખકની ‘પુન તે પાપ’ નામની કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ફારસી સાહિત્યમાં એમ. એ.ની ડિગ્રી મેળવવા ઉપરાંત તેમણે પછી એલએલ.બી.ની ડિગ્રી પણ મેળવી છે. તેઓ વ્યવસાયે વકીલ હતા. છેલ્લા બે દાયકા દરમિયાન તેમણે રાજ્યના વિવિધ પ્રદેશોમાં સેશન્સ જજ તરીકે સેવા આપી.

શાળા-જીવનથી જ તેમના લેખનનો પ્રારંભ થયો હતો. તેમણે 3 નવલકથાઓ તથા એક ગઝલસંગ્રહ પ્રગટ કરવા ઉપરાંત કેટલીક પ્રશિષ્ટ કૃતિઓનું અંગ્રેજીમાંથી કાશ્મીરીમાં ભાષાંતર કર્યું છે. તેમની સૌપ્રથમ નવલકથા ‘મુજરિમ’ને 1971ના વર્ષનો જમ્મુ અને કાશ્મીર એકૅડેમી ઍવૉર્ડ મળ્યો હતો. તેમની બીજી નવલકથા ‘મિઉલ’ જાણીતા કવિ અમીન કામિલની કૃતિ સાથે 1976ના વર્ષના પ્રથમ પારિતોષિક માટે સહવિજેતા નીવડી હતી. જમ્મુ અને કાશ્મીર એકૅડેમીના કાશ્મીરી-કાશ્મીરી શબ્દકોશ માટેના સંપાદકમંડળના તેઓ સભ્ય હતા.

આ પુરસ્કૃત નવલકથામાં કાશ્મીરની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિકા વ્યક્ત થઈ છે. આ કૃતિ રાજ્યના તત્કાલીન સામાજિક-રાજકીય જીવન વિશેનું મહાકાવ્ય લેખાય છે. આધુનિક વિકાસથી કાશ્મીરના પ્રાકૃતિક સૌંદર્યનો થયેલો વિનાશ, પર્યાવરણને લગતી અસમતુલા તથા રાજકીય તકવાદ જેવા વિષયો આ કૃતિના કથાક્ષેત્રમાં આવરી લેવાયા છે. કથાવિષયની અપીલ તથા અભિવ્યક્તિની સુંદરતા કૃતિની વિશેષતા લેખાઈ છે.

મહેશ ચોકસી