ગૌહર, ગુલામ મોહિઉદ્દીન

February, 2011

ગૌહર, ગુલામ મોહિઉદ્દીન (જ. 1940, સોપોર, કાશ્મીર; અ. 1994) : કાશ્મીરી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘રિખ:’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મૅટ્રિક થયા બાદ ઉર્દૂમાં ઑનર્સ કર્યું. પબ્લિક સ્કૂલમાં અધ્યાપક થયા પછી વકીલના સહાયક બન્યા. ત્યારબાદ તેમણે સ્વતંત્ર લેખન શરૂ કર્યું. તેઓ કલ્ચરલ ફોરમ, સોપોર; બજમ-ઇ-અદબ, બાંદીપુર; તહરીક-ઇ-અદબ, સોપોર; અદબી મરકજ કામરાજ, સોપોર જેવી સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ રહ્યા હતા. કાશ્મીરી ભાષાના વિકાસ સંબંધી આંદોલનમાં તેમની પૂરેપૂરી સક્રિયતા હતી. તેમની હયાતી દરમિયાન તેમનો કોઈ કાવ્યસંગ્રહ પ્રગટ થયો નહોતો. તેમના અવસાન બાદ 2 કાવ્યસંગ્રહો પ્રગટ કરવામાં આવ્યા હતા. તેમની નજ્મો માટે તેમને શ્રેષ્ઠ કવિ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુલામ મોહિઉદ્દીન ગૌહર

તેમની પુરસ્કૃત કૃતિ ‘રિખ’ મુક્ત છંદમાં લખેલ કાવ્યસંગ્રહ છે. તેમાં તેમણે સૂક્ષ્મ અને જટિલ અનુભવોને અસરકારક રીતે રજૂ કર્યા છે, સાથે સટીક પ્રતીકો, મૌલિક રૂપકો અને તાજી ઉપમાઓના માધ્યમ દ્વારા પોતાના યુગની ગૂંગળામણને વાણી આપી છે. ભાષા પરના પૂરા નિયંત્રણ અને શબ્દોની અભિવ્યક્તિમાં મનોહરતાને કારણે કાશ્મીરીમાં લખાયેલ આ કૃતિ ભારતીય કવિતાને ઉજ્જ્વળ પ્રદાનરૂપ છે.

બળદેવભાઈ કનીજિયા