ગૌહરજાન (જ. 1870, આઝમગઢ; અ. 17 જાન્યુઆરી 1930, મૈસૂર) : ભારતનાં વિખ્યાત શાસ્ત્રીય ગાયિકા. મૂળ એ ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી હતાં. આર્મેનિયન માતા-પિતાનાં સંતાન. તેમણે સંગીતનું શિક્ષણ રામપુરના ઉસ્તાદ નઝીરખાં તથા પ્યારેસાહેબ પાસેથી ગ્રહણ કર્યું હતું. રિયાઝ અને લગનીના બળે ઉત્તરોત્તર સફળતા પ્રાપ્ત થતી ગઈ. તરુણાવસ્થામાં ગૌહરજાન થોડા સમય માટે દરભંગા દરબારમાં ગાયિકા તરીકે રહ્યાં અને ત્યારબાદ કૉલકાતા રહેવા ચાલ્યાં ગયાં.
દેશવિદેશની અનેક ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતાં ગૌહરજાનને ખયાલ, ઠૂમરી, હોરી વગેરે ઉચ્ચ કોટિના ઉપશાસ્ત્રીય ગાયનમાં પ્રસિદ્ધ ગાયિકા તરીકે નામના મળી હતી તોપણ એમને વિશેષ ખ્યાતિ તો ઠૂમરી ગાયકી તરીકે જ પ્રાપ્ત થઈ હતી. ઠૂમરી ગાયકીમાં એમના જમાનામાં એ લગભગ અનન્ય કલાકાર જેવાં હતાં. ગૌહરજાનનો અવાજ મધુર, સુરીલો અને દમામદાર હતો. ગાયનની સાથોસાથ એ અભિનયકલામાં પણ એટલાં જ દક્ષ હતાં. ગૌહરજાને ભારતનાં લગભગ બધાં જ મુખ્ય શહેરોમાં પોતાના કાર્યક્રમો આપેલા અને એમના ગાયનની અનેક રેકર્ડો પણ ઊતરી ચૂકી છે. પોતાની પ્રૌઢાવસ્થામાં તેમણે મૈસૂર રાજ્યની સેવા સ્વીકારી હતી. 1911માં દિલ્હી ખાતે ભરાયેલ શાહી દરબારમાં તેમણે ગાયન પ્રસ્તુત કર્યું હતું, જેના માટે તેમને પંચમ જ્યૉર્જે સોનાની સો મહોર ઇનામમાં આપી હતી. તેમણે ગુજરાતી ભાષામાં પણ ગીતો ગાયાં છે.
રમેશ ઠાકર